Top News

More Posts

   The Latest

Most Popular

પ્રતિબંધિત ગોગો રોલિંગ પેપર, ઈ-સિગારેટ અને હુક્કાના સાધનો સહિત રૂ.15 હજારનો મુદ્દામાલ જપ્ત

ડભોઇ, તા.18

ડભોઇ શહેરમાં પાનના ગલ્લાની આડમાં નશીલા પદાર્થોના બેરોકટોક વેચાણ સામે ડભોઇ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પ્રતિબંધિત ગોગો રોલિંગ પેપર, ઈલેક્ટ્રોનિક સિગારેટ, હુક્કો પીવાના સાધનો સહિત રૂ.15,000નો મુદ્દામાલ જપ્ત કરી બે વેપારીઓ સામે ગુનો નોંધી નોટિસ ફટકારી કાર્યવાહી કરવામાં આવતા નશાનો વેપાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

નગરમાં નશીલા પદાર્થોના વેચાણની બાતમી બાદ કાર્યવાહી

ડભોઇના વડોદરી ભાગોળથી સરિતા ફાટક, બજાર સમિતિથી શિનોર ચોકડી તથા થરવાસા ચોકડી સુધીના વિસ્તારોમાં વિદેશી દારૂ, નશાકારક સીરપ, પ્રતિબંધિત ડ્રગ્સ, ગોગો રોલિંગ પેપર, હુક્કા અને ઈલેક્ટ્રોનિક સિગારેટ જેવા નશીલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની માહિતી પોલીસને મળી હતી.

આ બાતમી અને ઉપરથી મળેલા આદેશના આધારે ડભોઇ પોલીસે અન્ય કામગીરી બાજુ પર રાખી શહેરના તમામ પાનના ગલ્લાઓ પર સઘન તપાસ હાથ ધરી હતી.

બે પાનના ગલ્લાઓ પરથી પ્રતિબંધિત સામગ્રી ઝડપાઈ

પોલીસ તપાસ દરમિયાન એસ.ટી. ડેપો રોડ પર આવેલ છોટુ પાન પાર્લર પરથી લતીફ ફકિરમોહમદ મનસુરીના ગલ્લેથી પ્રતિબંધિત ગોગો રોલિંગ પેપર મળી આવ્યા હતા. જ્યારે કૃષ્ણા ટોકીઝ સામે આવેલા ઉજ્જવલ કૃષ્ણકાંત શાહના પાનના ગલ્લેથી ઈ-સિગારેટ, હુક્કો તથા હુક્કાના સાધનો મળી આવ્યા હતા.

આ મામલે ડભોઇ પોલીસે બંને વેપારીઓ સામે ગુનો નોંધી નોટિસ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ કાર્યવાહીને પગલે શહેરમાં નશીલા પદાર્થો વેચનારા તત્વોમાં ચકચાર અને ભયનો માહોલ સર્જાયો છે.




સઈદ મનસુરી, ડભોઇ
(ફોટો)

To Top