Charchapatra

ફારસરૂપ વિદેશનીતિ

આપણા વિશ્વગુરુએ છેલ્લાં 11 વર્ષમાં અઢળક વિદેશ પ્રવાસો કર્યા અને એની પાછળ પ્રજાનાં કરોડો રૂપિયા ખર્ચાયા.  ઉપરાંત વિદેશી નેતાઓ સાથે ભેટાભેટી કરી છતાંય આપણે વિદેશનીતિમાં નિષ્ફળ જઈ રહ્યાં હોઈએ એવું પ્રતીત થઈ રહ્યું છે. એટલું જ નહીં, ઉલટા નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદિવ, કેનેડા જેવા ઘણા દેશો સાથે આપણા સંબંધો સાનુકૂળ રહ્યા નથી. બાંગ્લાદેશમાં થતી હિન્દુઓની હત્યા બાબતે ઈન્ગ્લેન્ડની સંસદમાં નોંધ લેવાય છે પણ આપણા કથિત પ્રખર હિન્દુવાદી, બોલકા અને યશસ્વી વડા પ્રધાન મૌન ધારણ કરીને બેઠા છે.

વિશ્વમાં આતંકવાદી દેશ તરીકે કુખ્યાત થયેલો દેશ પાકિસ્તાન જો સાઉદી અરેબિયા સાથે રક્ષા કરાર કરી શકતું હોય, આઈ.એમ.એફ. પાસેથી કરોડો અને અરબોની લોન મેળવી શકતું હોય,  ઓપરેશન સિંદૂર વખતે ચીન, તુર્કી અને અઝરબૈજાન જેવા દેશોની સહાય અને સાથ  મેળવી શકતું હોય તો સવાલ જરૂર થવાનો કે આપણા વિશ્વગુરુ શું વિદેશોમાં ફક્ત સેરસપાટા કરવા જતાં હતાં? ઓપરેશન સિંદૂર વખતે કેટલા દેશો ખુલીને આપણી પડખે ઊભા રહ્યા?  કરોડોના ખર્ચે આટલા વિદેશ પ્રવાસો થયા તો એની ફલશ્રુતિ શું?  ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી વધારે ટેરિફ 50% ભારત પર ઝીંક્યો. હમણાં સૌથી વધારે ડ્રગ્સ ઘુસાડનાર 26 દેશોની યાદીમાં ભારતનું નામ પણ જોડ્યું‌.  ટ્રમ્પની ધમકીથી રશિયા પાસેથી ક્રુડ ઓઇલ ખરીદવાનું બંધ કર્યું, એટલું જ નહીં ઇરાનના ચાબહાર બંદર પરથી પીછેહઠ કરવી પડી. છકી ગયેલા છાકો પાડવા નીકળે ત્યારે ફારસ જ હાથમાં આવે.
સુરત             – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top