Top News

More Posts

   The Latest

Most Popular

ધેજ: (Dhej) ચીખલી તાલુકામાં સાંજે ચાર વાગ્યા બાદ કાળા દિબાંગ વાદળો (Clouds) ઘેરાયા બાદ વીજળીના કડાકા ભડાકા અને તેજ ગતિના પવન સાથે તાલુકાના છેવાડાના સારવણી, ફડવેલ, રાનકુવા, રાનવેરી ખુર્ડ, રાનવેરી કલ્લા, રૂમલા સહિતના ગામોમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોના કેરી અને ડાંગરના પાકને નુકસાન થવા પામ્યું છે. સારાવની વિસ્તારમાં વરસાદ સાથે કરા પણ પડયા હતા. કમોસમી વરસાદના પગલે હોઠે આવેલો કોળિયો છીનવાઈ જવા પામતા જગતનો તાત ચિંતાતુર બનવા પામ્યો છે.

  • ચીખલીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અનેક ગામોમાં વરસાદ ખાબકતા કેરીનો પાક ભોંય ભેગો
  • તાલુકાના છેવાડાના સારવણી, ફડવેલ, રાનકુવા, રાનવેરી ખુર્ડ, રાનવેરી કલ્લા, રૂમલા સહિતના ગામોમાં વરસાદ, સારાવની વિસ્તારમાં વરસાદ સાથે કરા પડ્યાં

હવામાન વિભાગ દ્વારા ચીખલી તાલુકા સહિત નવસારી જિલ્લામાં તા.૧૧ થી ૧૬ મે દરમ્યાન વરસાદની આગાહી વચ્ચે સોમવારના રોજ સાંજે ચાર વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કાળા દિબાંગ વાદળો, વીજળીના કડાકા ભડાકા અને તેજ ગતિના પવન સાથે તાલુકાના અંતરિયાળ વિસ્તારના સારવણી અને ફડવેલમાં વરસાદની સાથે બરફના કરા પડતા લોકોમાં કુતુહલ સર્જાવા પામ્યું હતું. આ ઉપરાંત તાલુકાના રાનવેરી કલ્લા,રાનવેરી ખુર્ડ, રાનકુવા, રૂમલા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવા સાથે તેજ ગતિના પવનના કારણે ખેડૂતોની આંબાવાડીઓમાં તૈયાર થયેલી કેરીનો પાક ભોંય ભેગો થતા ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે. આ વર્ષે કેરીનો પાક માંડ ૩૦ થી ૪૦ ટકા જેટલો જ છે. તેવામાં કમોસમી વરસાદ અને તેજ ગતિના પવનના કારણે કેરીના પાકને નુકસાન થતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

ઉમરગામમાં ભર ઉનાળે પવન સાથે કમોસમી વરસાદી ઝાપટા : ખેડૂતોમાં ચિંતા જોવા મળી
ઉમરગામ: ઉમરગામમાં ભર ઉનાળે પવન સાથે કમોસમી વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં અચાનક પલટા સાથે બપોરના સમયે ઉમરગામ તાલુકામાં કેટલીક જગ્યાએ પવન સાથે થોડી મિનિટો માટે કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. જેથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા.ખાસ કરીને કેરીનો પાક તૈયાર હોય પવનના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું વધુમાં લાલ સફેદ જાંબુ જમરૂખ કમરખ ફળોનું પણ નુકસાનની ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી હતી. ભર ઉનાળે કમોસમી વરસાદથી ફળોમાં જીવાત પડવાની સંભાવનાઓ પણ વધી જાય છે.

To Top