ગાંધીનગર : સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહેસૂલી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ખેડૂતોને સીધો રાહત આપતો નિર્ણય કર્યો છે. રાજ્યમાં વિવિધ ઇનામી જમીનો પરના અનઅધિકૃત કબજાહક્કને નિયમબદ્ધ કરવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે, જેના પરિણામે હજારો ખેડૂતોને મોટો ફાયદો થશે.મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, રિગ્રાન્ટ કરેલી હોય અથવા રિગ્રાન્ટ કરવાને પાત્ર હોવા છતાં હજી સુધી રિગ્રાન્ટ ન થયેલી જમીનને હવે સરળતાથી નિયમબદ્ધ કરી શકાશે. આ માટે જમીનની પ્રવર્તમાન જંત્રીના માત્ર ૨૦ ટકા કબજાહક્કની રકમ ભરવાની રહેશે.
આ નિર્ણયનો લાભ એવી જમીનોના કબજેદારોને મળશે કે જેઓએ રિગ્રાન્ટ તો કરાવી છે પરંતુ કબજા કિંમત ભરપાઈ કરી નથી, તેમજ જે જમીનો રિગ્રાન્ટ કરવાને પાત્ર હતી પરંતુ કોઈ કારણસર રિગ્રાન્ટ થઈ ન હતી. ઉપરાંત, વારસદારો કે જેમના નામે આવી જમીનો હાલ ધારણમાં છે તેઓ પણ આ યોજનાના લાભાર્થી બનશે.ઉલ્લેખનીય છે કે , જો આવી ઇનામી જમીનો અગાઉ તબદીલ થઈ ગઈ હોય અને હાલ અન્ય કોઈ વ્યક્તિના કબજામાં હોય તો તેવા કબજેદારોને પણ નિયમબદ્ધતાનો લાભ મળશે, જેનાથી જમીન સંબંધિત લાંબા સમયથી ચાલતા વિવાદોનો અંત આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલનો આ નિર્ણય ખેડૂતોને માલિકી હક્કની સુરક્ષા આપતો, મહેસૂલી વિવાદો ઘટાડતો અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવતો ઐતિહાસિક પગલું તરીકે જોવામાં આવી રહ્યો છે.
સરકારનો મોટો નિર્ણય – ઇનામી જમીન મુદ્દે ખેડૂતોને રાહત
- રિગ્રાન્ટ થયેલી કે રિગ્રાન્ટને પાત્ર પરંતુ બાકી રહેલી જમીન હવે સરળતાથી નિયમબદ્ધ થશે
- જમીન નિયમબદ્ધ કરવા માટે પ્રવર્તમાન જંત્રીના માત્ર ૨૦% કબજાહક્કની રકમ ભરવી પડશે
- રિગ્રાન્ટ કરાવી હોવા છતાં કબજાકિંમત ન ભરનાર કબજેદારોને સીધો લાભ
- રિગ્રાન્ટ ન થઈ હોય તેવી જમીનના વારસદારોને પણ નિયમબદ્ધતાનો અધિકાર મળશે
- અગાઉ જમીન તબદીલ થઈ ગઈ હોય અને હાલ અન્યના કબજામાં હોય તેવા હાલના કબજેદારોને પણ લાભ
- લાંબા સમયથી ચાલતા જમીન વિવાદો અને કોર્ટ કેસોમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા
- ખેડૂતોને માલિકી હક્કની કાનૂની સુરક્ષા મળશે અને ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બનશે