Top News

More Posts

   The Latest

Most Popular

સુરત : દિવાળી પહેલા હોલસેલમાં 35 રૂપિયે કિલો વેચાતા લીંબુનો ભાવ ગગડી જતા લીંબુ પકવનાર ખેડૂતોને પોષણક્ષમ ભાવો નહીં મળતા ખેડૂતોને લોહીના આંસુએ રડવાનો વારો આવ્યો છે. કારણકે ઉત્પાદન ખર્ચ જેટલો પણ ભાવ નહીં મળતા ખેડૂતોને નુકસાન થયું છે.

  • લાભ પાંચમ પછી પડેલા વરસાદને લીધે લીંબુનો મબલખ પાક ઉતરતા ભાવ તૂટ્યા
  • લીંબુનું વધુ પડતું ઉત્પાદન અને શિયાળાના પ્રારંભમાં ઓછું વેચાણ રહેતા ખેડૂતોને લોહીના આંસુએ રડવાનો વારો આવ્યો

લાભ પાંચમ પછી પડેલા વરસાદને લીધે લીંબુનો મબલખ પાક ઉતરતા સુરત APMC માં કિલો લીંબુ 10 થી 20 રૂપિયે કિલો વેચાયા હતા. લીંબુનું વધુ પડતું ઉત્પાદન અને શિયાળાના પ્રારંભમાં ઓછું વેચાણ રહેતા લીંબુના હોલસેલ ભાવો ગગડી ગયા હતા. જોકે અથાણા બનાવનાર કંપનીઓએ થોકબંધ લીંબુની ખૂબ નજીવા ભાવે ખરીદી કરી હતી. સુરત એપીએમસીના ડિરેક્ટર બાબુભાઈ શેખે જણાવ્યું હતું કે, લીંબુના મબલખ ઉત્પાદન અને શિયાળામાં લીંબુના ઓછા વેચાણને લીધે સારી ક્વોલિટીના સુરત માર્કેટ યાર્ડમાં ભાવ મણ (20 કિલો) ના 400 રૂપિયા બોલાયા હતા. જ્યારે હલકી ગુણવત્તાના નાના લીંબુ 20 કિલો 200 રૂપિયે હોલસેલ ભાવે વેચાયા હતા. જોકે શાકભાજી બજારમાં છૂટક ભાવ 20/25 ટકા વધુ રહ્યો હતો.

  • પાપડી, તુવેર અને રિંગણ જેવા શાકભાજીનાં ભાવો આસમાને

છેલ્લા કેટલાક દિવસોથી લીંબુની ડિમાન્ડમાં ઘટાડા સામે એપીએમસી માર્કેટમાં લીંબુનાં ભાવ સાવ તળિયે પહોંચ્યા છે. એક તબક્કે 700 રૂપિયે મણ વેચાતા લીંબુનો ભાવ ઘટીને 200થી 400 રૂપિયા મણ થતાં ખેડૂતોની હાલત દયનીય થવા પામી છે. જો કે, બીજી તરફ દિવાળી બાદ એક સપ્તાહ સુધી માવઠાંને પગલે પાપડી, તુવેર અને રિંગણ જેવા શાકભાજીનાં ભાવો આસમાને પહોંચ્યા છે. શિયાળાનાં પ્રારંભ સાથે જ સ્વાદ રસીક શહેરીજનો ઉંબાડિયું અને ઉધિયાની સાથે – સાથે સૌરાષ્ટ્રવાસીઓ તુવેર ઠોઠાની જ્યાફત ઉડાડતા હોય છે. એને લીધે પાપડી રીંગણના ભાવો આસમાને પહોંચ્યા છે. 100 રૂપિયે કિલો મળતી પાપડીનો ભાવ 250 રૂપિયા કિલો સુધી પહોંચ્યો છે. જ્યારે તુવેર અને રિંગણનો ભાવ પણ 1200થી 1800 રૂપિયા મણે પહોંચ્યો છે. શિયાળાનાં પ્રારંભ સાથે લીંબુના વપરાશમાં ઘટાડો જોવા મળતો હોય છે. જ્યારે ગરમીમાં વપરાશ વધતો હોય છે.

To Top