Top News

More Posts

   The Latest

Most Popular

કન્નડ ફિલ્મોના જાણીતા અને લોકપ્રિય અભિનેતા મૈસુર શ્રીકાંતૈયા ઉમેશ જે એમ.એસ. ઉમેશ તરીકે જાણીતા હતા. તેમનું આજે તા. 30 નવેમ્બર 2025 રવિવારે કેન્સર સામેની લડાઈ બાદ અવસાન થયું. તેઓ 80વર્ષના હતા અને કિદવાઈ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમણે 350થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

ચાર વર્ષની ઉંમરથી ઍક્ટિંગની શરૂઆત કરી
ઉમેશનો જન્મ 24 એપ્રિલ 1945ના રોજ મૈસુરમાં થયો હતો. તેમણે ચાર વર્ષની ઉંમરે “લંચાવથરા” ફેમ માસ્ટર કે. હિરણ્યય્યના થિયેટર ગ્રુપમાં ભૂમિકા ભજવીને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં, તેઓ ગુબ્બી વીરન્નાના થિયેટર ગ્રુપમાં જોડાયા.

કોમેડી રોલ માટે જાણીતા હતા ઉમેશ
એમ.એસ. ઉમેશે તેમની કારકિર્દી દરમિયાન અનેક સુપરહિટ કન્નડ ફિલ્મોમાં કામ કર્યું હતું. ખાસ કરીને “વેંકટ ઇન સંકટ”, “ગોલમાલ રાધાકૃષ્ણ”, “ગુરુ શિષ્યરુ”, “હાલુ જેનુ” અને “અપૂર્વ સંગમ” જેવી ફિલ્મોમાં તેમના કોમિક રોલને ખૂબ પ્રશંસા મળી. તેમના દેખાવ, ડાયલોગ ડિલિવરી અને આગવી કોમિક ટાઈમિંગને કારણે તેઓ કન્નડ સિનેમાના સૌથી લોકપ્રિય કલાકારોમાંના એક ગણાતા હતા.

અભિનેતા-દિગ્દર્શક અનિરુદ્ધ જાટકરે સોશિયલ મીડિયા પર ઉમેશનો ફોટો શેર કરીને લખ્યું “કન્નડ ફિલ્મ ઉદ્યોગના હાસ્ય માસ્ટર એમ.એસ. ઉમેશ સર હવે નથી. ઉદ્યોગ માટે આ મોટું નુકસાન છે.”

કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ પણ એક્સ પર પોસ્ટ કરી ઉમેશને યાદ કર્યા. તેમણે લખ્યું “ઉમેશની તાજગીભરી હાસ્ય પ્રતિભાએ સમગ્ર પેઢીને આનંદ આપ્યો. તેમના અભિનયથી કન્નડ ફિલ્મ જગત સમૃદ્ધ બન્યું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.”

કર્ણાટકના ધારાસભ્ય એમ.બી. પાટીલે કહ્યુ “ઉમેશે રંગભૂમિથી શરૂઆત કરી અને સિનેમા-ટેલિવિઝન સુધી પોતાની આગવી ઓળખ બનાવી. ‘ગોલમાલ રાધાકૃષ્ણ’માં તેમની ‘સીતાપતિ’ની ભૂમિકા આજે પણ યાદગાર છે.”

એક બહુ પ્રતિભાશાળી કલાકારને અલવિદા
એમ.એસ. ઉમેશની ફિલ્મ કારકિર્દી દાયકાઓ સુધી ફેલાયેલી હતી. થપ્પુ થલંગલ, કથા સંગામા, કિલાડી જોડી, મક્કલ રાજ્ય અને અંતા જેવી ફિલ્મોમાં તેમના રોલને વિવેચકો અને દર્શકો બન્નેએ વખાણ્યા હતા.

તેમનુ અવસાન કન્નડ ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન ગણાશે. ચાહકો સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

To Top