Top News

More Posts

   The Latest

Most Popular

લગ્નની સિઝન અત્યારે પુરબહાર ખીલી ઉઠી છે. લગ્ન જીવનમાં એક જ વખત થતાં હોય છે એટલે લોકો હવે તેને કલાસી અને રોયલ લુક આપવા લાગ્યાં છે જેથી આવા ઝકાસ લગ્ન લોકોને હંમેશા સ્મૃતિમાં રહે થીમ અને ડેસ્ટિનેશન વેડિંગની વચ્ચે હવે નવો જ ટ્રેન્ડ લગ્નમાં જોવા મળી રહ્યો છે જે છે દેવી દેવતા જેમકે, રામ સીતા, રાધા કૃષ્ણ, શિવ પાર્વતીના ડ્રેસઅપમાં લગ્નને યાદગાર બનાવવામાં આવી રહ્યાં છે. સાધુ જેવા ભગવા ડ્રેસની થીમ, મહત્ત્વના મંદિરની થીમ જેવી હટકે થીમ લગ્નોત્સુક યંગસ્ટર્સને આકર્ષી રહી છે. સ્વર્ગને જ જાણે ધરતી પર ઉતારી દેવાયું હોય તેવો અલૌકિક માહોલ બનાવાય છે. સુરતી યંગસ્ટર્સ હવે ધાર્મિક ગણી શકાય એવી થીમ કેમ અપનાવતા થયાં છે? DJ ને હવે સાઈડ ટ્રેક કરીને ટ્રેડિશનલ મ્યુઝિક, શ્લોક ગાનની સંસ્કૃતિ તરફ ભવ્ય લગ્ન થકી કેમ વળી રહ્યા છે તે આપણે જાણીએ….
મારી દીકરીના લગ્ન સાઉથના ગોપુરમ થીમ પર સંસ્કૃત શ્લોક ગાનની વચ્ચે કરાયા હતા: વિજયભાઈ ભરવાડ


શહેરના મોટા બિલ્ડર વિજયભાઈ ભરવાડે જણાવ્યું કે મારી દીકરી ડો. દીપિકાના મેરેજ નયન રાઠોડ સાથે જાન્યુઆરીમાં થયાં હતાં. હિન્દુઓના પ્રવેશદ્વાર જેને કહેવાય તે ગોપુરમની થીમ મેરેજમાં રાખવામાં આવી હતી. લગ્ન માટે ઇન્દ્રલોક જેવી અલૌકીક નગરી ઉભી કરાઈ હોય તેવો માહોલ ડુમસ રોડ પર ક્રિએટ કરાયો હતો. દુલ્હનની એન્ટ્રી 10 ફૂટ ઉપરથી પરીની જેમ નીચે ઉતરીને થઈ હતી તો વિષ્ણુ ભગવાન લગ્ન કરવા આવતા હોય તેમ દુલ્હાની ભવ્ય એન્ટ્રી હતી. દુલ્હા દુલ્હનની લગ્ન વિધિ માટે મોટા ભવ્ય કમળ બનાવાયા હતાં જેની પર કપલે બેસીને લગ્નવિધિ પુરી કરી હતી. ભવ્યાતિભવ્ય ચાર ડોમમાં આયોજિત આ લગ્નમાં દરેક પ્રસંગને અનુરૂપ શ્લોક ગાન થતાં હતાં. સંતો મહંતો આર્શિવચન માટે ઉપસ્થિત હતાં. Not to copy right ની થીમ પર આ મેરેજ ભારતમાં પહેલાં મેરેજ હતાં. આંખોને આંજી દે તેવો એક લાખ વાર જગ્યામાં મંડપ બનાવતા જ 6 મહિના થયાં હતાં.
મેરેજમાં રામ અને સીતાના ગેટઅપમાં રહ્યાં દુલ્હા-દુલહન લોકોએ વરરાજાની ઉતારી આરતી: નિલ મોણપરા


ફોટોગ્રાફર નિલ મોણપરાએ જણાવ્યું કે આ વર્ષે જ 22 જાન્યુઆરીના રોજ આયોધ્યામાં રામ મંદિરના ઉદ્દઘાટનને દિવસે જ મારી ટીમે એક એવા વેડિંગની ફોટોગ્રાફી કરી હતી જે અલગ જ પ્રકારનો અનુભવ હતો. દુલ્હા રાજ શ્રી રામના ગેટ અપમાં હતાં તો દુલ્હન દ્રષ્ટિ સીતાના ગેટઅપમાં હતી. બંનેના માથા પર મુગુટ હતાં. તો દુલ્હાના હાથમાં ધનુષ બાણ હતું અને ભગવા કપડા પહેર્યા હતાં. જ્યારે બ્રાઇડ અને ગ્રુમની એન્ટ્રી રામ અને સીતાના ગેટઅપમાં થઈ ત્યારે દુલ્હાની આરતી ઉતારવામાં આવી અને 500 અમાંત્રિતોએ નાની નાની ઘંટડીયો વગાડી સ્વાગત કર્યું હતું. દુલ્હાના પિતાએ રામમંદિરને લઈને સ્પીચ પણ આપી હતી.
સમૂહ લગ્નમાં રામ સીતાની થીમ હતી, લોકો અમને પગે પણ લાગ્યાં હતાં: દિવ્યા વાઘાણી


દિવ્યાબેને જણાવ્યું કે મારા અને મયુર વાઘાણીના સમૂહ લગ્નમાં મેરેજ થયાં હતાં. આમાં એક કપલને રામ-સીતા બનાવવાના હતાં જેમાં અમારું સિલેક્શન થયું હતું. અમે બંનેએ મુગટ પહેર્યો હતો અને મારા રાણી જેવા વસ્ત્રો હતાં તો મયુરના ભગવા કલરના શ્રી રામ જેવા વસ્ત્રો હતાં અને હાથમાં ધનુષ બાણ હતું. અમને ભારીભરખમ રથમાં બેસાડી તેને રસ્સીથી ખેંચાયો હતો. અમે રામ સીતાના ગેટઅપમાં હોવાથી લોકો આવીને અમારા પગે લાગતાં. અમે કોઈને પગે લાગીએ તો અમને કહેતાં કે તમારે પગે લાગવાનું નહીં હોય.
જયાં શિવ પાર્વતીના મેરેજ થયાં હતાં તે કેદારનાથના મંદિરમાં કર્યા લગ્ન:
મનસ્વી ટેલર


મનસ્વી ટેલરે જણાવ્યું કે મેં આ જ વર્ષે ચારેક મહિના પહેલાં મારા લાઈફ પાર્ટનર સૂચિત સાથે કેદારનાથમાં લગ્ન કર્યા હતાં. અહીં ત્રિયોગીનીનારાયણ મંદિરમાં શિવજી અને પાર્વતી માતાના મેરેજ થયાં હતાં. આ મંદિરમાં મારા મેરેજ થાય તેવી ઈચ્છા મારા દાદા અને પપ્પાની હતી. જ્યારે આ મંદિરમાં અમારા લગ્ન થવાના હતાં ત્યારે થોડીક મિનિટો માટે જ વરસાદ પડ્યો હતો પછી આખો દિવસ બંધ રહ્યો હતો વરસાદની સિઝન હોવા છતાં. લગ્નની વિધિ મંદિરમાં થઈ હતી જ્યારે મહેંદી હરિદ્વારમાં થઇ હતી અને હલ્દી મંદિરની નજીકમાં એક રિસોર્ટમાં થઈ હતી. મંદિરમાં લગ્ન માટે એક વર્ષ પહેલાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને અમારા અલગ જ પ્રકારથી થયેલા વેડિંગના સાક્ષી સુરતના 250 વ્યક્તિ બન્યાં હતાં.
સાધુ ટાઈપના ડ્રેસઅપમાં કર્યું પ્રિ વેડિંગ શૂટ, શિવ પાર્વતીની થીમ પર કર્યા મેરેજ :
અરમાન ચૌહાણ


અરમાન ચૌહાણે જણાવ્યું કે હું મહાદેવનો ભક્ત છું એટલે મારા અને ફેમિનાના વેડિંગની થીમ શિવ અને પાર્વતી હતાં. પ્રિ વેડિંગ સાધુ ટાઈપના ભગવા ડ્રેસઅપમાં હતું. હાથમાં રુદ્રાક્ષની માળા બાંધી હતી સાથે ડમરુ હતું અને ત્રિશુલ પણ હતું. મારી વાઇફે પણ હાથમાં ફૂલોની માળા બાંધી હતી અને ગળામાં રુદ્રાક્ષની માળા હતી. વેડિંગમાં મેં માત્ર 1500 રૂ. નો સાધુ ટાઇપનો ડ્રેસ પહેર્યો હતો અને માથા પર જટા હતી. ડેકોરેશનમાં રેડ અને વ્હાઇટ કલરમાં શ્લોક અંકિત કરાયા હતાં વળી, નાડા છડીનું પણ ડેકોરેશન હતું અને શિવજીનું બેનર પણ રાખવામાં આવ્યું હતું. આ લગ્નથી આમંત્રિતો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં હતાં.

To Top