Columns

શુ તમારી વાણી અને વ્યવહાર ભલાઈ માટે છે?

ન્યાયપ્રિય રાજા વિક્રમાદિત્યે એક ચોરને આજીવન કેદની સજા કરી.આ સજા સાંભળી ચોરને ખૂબ જ ક્રોધ આવ્યો. તે રાજા વિક્ર્માદિત્યને ન બોલવાના બોલ બોલ્યો, ઘણી ગાળો આપી.રાજાને તે કંઈ બોલ્યો તેમ લાગ્યું પણ ચોર બહુ દૂર ઊભો હોવાથી બરાબર સંભળાયું નહિ તેથી રાજાએ ચોરને લઈને આવેલા કોટવાળને ચોરને લઈને આગળ આવવા કહ્યું અને કોટવાળને પૂછ્યું કે સજા આપી ત્યારે આ ચોર શું બોલ્યો હતો.

ચોરને થયું કે હવે કોટવાળ હમણાં હું શું બોલ્યો હતો તે રાજાજીને કહી દેશે અને મને ચોક્કસ આજીવન કેદને બદલે મોતની સજા મળશે. ચોર મનમાં પોતે શું કામ ન બોલવાનું બોલ્યો પોતાની જીભ પર કાબૂ ન રાખી શક્યો તે બદલ પસ્તાવો કરવા લાગ્યો.કોટવાલે કહ્યું, ‘રાજાજી, આ કેદીએ કહ્યું કે જે લોકો બીજાને ક્ષમા કરી દે છે તે દિલથી કેટલા સારા હોય છે.જે લોકો પોતાનો ક્રોધ પી જઈ શકે છે તે લોકો જ ક્ષમા કરી શકે છે.સારું છે કે રાજાજીએ મને મોતને બદલે આજીવન કેદની સજા કરી મને જીવનદાન આપ્યું.’

ચોર કોટવાળના શબ્દો સાંભળીને ચમકી ઊઠ્યો. તે તો આવું કંઈ બોલ્યો જ ન હતો.રાજા વિક્ર્માદિત્યને થયું, સાચે સજા કરવા કરતાં પણ ક્ષમા આપવી વધારે અઘરું પણ જરૂરી કાર્ય છે.આ વિચાર આવ્યા બાદ કોટવાળના શબ્દો સાંભળીને તેમણે જાહેર કર્યું કે આજે હું દરબારમાં રજૂ કરવામાં આવેલ દરેક ગુનેગારને એક તક આપવા માફ કરું છું.

રાજાના શબ્દો સાંભળી બધા રાજી થઈ ગયા.ત્યાં કોટવાળના દુશ્મન એવા એક દરબારીએ કહ્યું, ‘રાજાજી, આ કોટવાળ ખોટું બોલે છે.આ ચોરે તમને ન બોલવાના વેણ કહ્યા છે અને ઘણી ગાળો પણ આપી છે.’ ચોરને થયું હવે તો મારી ખેર નથી અને હવે તો કોટવાળને પણ સજા થશે.એટલે હવે ચોરથી ન રહેવાયું. તેણે રાજાજીને આજીજી કરતાં કહ્યું, ‘રાજાજી, મારી ભૂલ છે. મારા ક્રોધને કારણે મારો જીભ પર કાબૂ ન રહ્યો અને હું ન બોલવાનું બોલી ગયો. મને સજા કરો, પણ કોટવાળજીને માફ કરજો. તેમણે તો મારા ભલા માટે ખોટું કહ્યું.’

રાજા વિક્રમાદિત્ય બોલ્યા, ‘મારે આજે કોઈને સજા કરવી નથી પણ જે દરબારીએ હમણાં કોટવાળ વિષે ફરિયાદ કરી તેમને હું દરબારમાંથી બહાર જવાનો હુકમ કરું છું કારણ કે કોટવાળજી, આ ચોરની ભલાઈ માટે ખોટું બોલ્યા હતા અને તેમની ભલાઈની અસર જુઓ, આ ચોર સાચું બોલવા લાગ્યો અને મારા મન પર અસર થઈ અને મને માફીનું મહત્ત્વ સમજાયું.દરબારી સાચું બોલ્યા, પણ તેમાં કોઈનું ભલું ન હતું. પોતાના વાણી અને વ્યવહારથી હંમેશા કોઈની ભલાઈ થાય છે કે નહિ તે પહેલાં વિચારવું જરૂરી છે.’

આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top