Top News

More Posts

   The Latest

Most Popular

મુંબઈ: (Mumbai) ‘સુફિયાના ઇશ્ક મેરા’માં અભિનય કરનાર પીઢ અભિનેતા (Actor) સિદ્ધાંત વીર સૂર્યવંશીનું (Sidhhant Suryavanshi) નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જિમમાં વર્કઆઉટ (Workout) દરમિયાન અભિનેતાની તબિયત અચાનક બગડી હતી. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરોનું કહેવું છે કે વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેકને કારણે તેનું મોત થયું હતું. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ સ્ટારને વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હોય અને તેનું મૃત્યુ થયું હોય. આ પહેલા પણ ઘણા સ્ટાર્સ સાથે આવું બન્યું છે.

રાજુ શ્રીવાસ્તવ
‘ગજોધર ભૈયા’ના નામથી જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની પણ જીમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક તબિયત બગડી હતી. જે બાદ તેઓ લગભગ એક મહિના સુધી એમ્સમાં દાખલ હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યાંથી તેમની તબિયત બગડવા લાગી હતી. લગભગ એક મહિના સુધી વેન્ટિલેટર પર મૃત્યુ સામે લડ્યા બાદ તેમનું મૃત્યુ થયું હતું.

પુનીત રાજકુમાર
જાણીતા કન્નડ ફિલ્મ અભિનેતા પુનીત રાજકુમારને જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમનો જીવ ન બચ્યો અને 46 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. અભિનેતાના અવસાનથી બધાને આઘાત લાગ્યો હતો.

અબીર ગોસ્વામી
ટીવી અને ફિલ્મોમાં કામ કરીને પોતાની ઓળખ બનાવનાર અબીર ગોસ્વામીને જીમમાં ટ્રેડમિલ પર દોડતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. 2013માં 37 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. અબીર ‘પ્યાર કા દર્દ હૈ મીઠા-મીઠા’, ‘કુસુમ’ જેવા ટીવી શો અને ‘લક્ષ્ય’ અને ‘ખાકી’ જેવી ફિલ્મોનો ભાગ રહી ચુક્યો છે.

સિદ્ધાર્થ શુક્લ
બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાને પણ હાર્ટ એટેક આવ્યો હતો. જો કે સિદ્ધાર્થ વર્કઆઉટ કરી રહ્યો ન હતો. પરંતુ બધાને આશ્ચર્ય થયું કે પોતાની ફિટનેસ પર આટલું ધ્યાન આપનારા સિદ્ધાર્થ સાથે આવું કેવી રીતે થયું. સિદ્ધાર્થ શુક્લાએ 40 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું હતું.

ઇંદર કુમાર
બોલિવૂડના ફેમસ એક્ટર ઈન્દર કુમારની ગણતરી ફિટ એક્ટર્સમાં થતી હતી. પરંતુ 2017માં તેને પણ હાર્ટ એટેક આવ્યો અને તેણે પણ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તે સમયે તેમની ઉંમર 44 વર્ષની હતી.

પાછલા બે વર્ષમાં કોરોના દરમ્યાન બોલીવુડે અનેક મહાન અભિનેતાઓ અને બોલીવુડ ટેલીવુડના એક્ટર એક્ટ્રેસ ગુમાવ્યા છે. ત્યારે હવે ફિટનેસ માટે જીમ કરતા કલાકારોના મોત બાદ બોલીવુડમાં ફિટનેસ અને જીમને ખૂબ વધુ મહત્વ આપતા કલાકારોમાં ફફડાટ ફેલાયો છે.

To Top