Charchapatra

આટલું તે વળી પેન્શન હોય?

હાલમાં જ થોડા દિવસ પહેલાં સુરતની P.F. કચેરીમાં જવાનું થયું. નવેમ્બર માસ હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં વયસ્ક પેન્શનધારકો પોતાની હયાતી અંગેની ખરાઈ માટે આવ્યાં હતાં. મારા સ્વભાવ પ્રમાણે અજાણ્યા હોવા છતાં સમવયસ્ક સભ્યો સાથે વાતચીત કરતાં એવું જાણવા મળ્યું કે મોટા ભાગનાં સભ્યોને હજુ પણ રૂા.1000/- કરતાં પણ ઓછું પેન્શન મળે છે. તેમાં વળી જે પેન્શન ધારકને જે પેન્શન મળતું હતું તે તેના અવસાન પછી તેની વિધવા પત્નીને તેનાથી પણ ઓછું પેન્શન મળતું હતું. આ લખનારને પણ 2001માં 58 વર્ષ પછી રૂ. 325/- પેન્શન મળતું હતું.એ તો ભલું થયું કે 2014ના વર્ષમાં કેન્દ્ર સરકાર બદલાઈ અને તેમણે જાહેર કર્યું ઓછામાં ઓછું રૂા. 1000/- પેન્શન તો હોવું જ જોઈએ. બસ આજપર્યત રૂ. 1000/- પેન્શન મળે છે.

‘ગુજરાતમિત્ર’ દૈનિકના 5/-નવેમ્બરના ચર્ચાપત્રમાં જણાવેલ છે કે પેન્શન પર આવકવેરો શા માટે? વધુમાં જણાવેલ છે કે વર્ષો સુધી રાષ્ટ્રની સેવા તગડો પગાર લઈને જતો કરનાર સરકારી કર્મચારી એવા સિનિયર સિટિઝનને નિવૃત્તિ પછી મળતા પેન્શનની આવકને ઇન્કમટેક્ષ ભરવામાંથી મુક્તિ આપવી જોઈએ. વાંચીને મનમાં પ્રશ્ન એ થાય છે કે અમારા જેવા લાખો નિવૃત્ત અસંતુષ્ટ શ્રમજીવી એવા પેન્શનધારકોને તો ટેક્ષ ભરવાનો પ્રશ્ન નડતો જ નથી અને ભવિષ્યમાં પણ આ પ્રશ્ન નડવાનો જ નથી. કેમકે અમારે તો પેન્શન એટલું વધવાનું જ નથી કે ઈન્કમટેક્ષ કપાવાનો પ્રશ્ન ઊભો થાય. બોલો છે કોઇ જવાબ, આ તે કેવી અસમાનતા, કોઇક તો આ પ્રશ્નનો જવાબ આપે.
સુરત     – કીકુભાઈ જી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top