Charchapatra

પુનર્જન્મ એક વાસ્તવિકતા

તાજેતરમાં ‘ટુ ધ પોઇન્ટ’ (સમકિત શાહ) ‘ગુજરાતમિત્ર’માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુએ 1935માં પુનર્જન્મના કેસના અભ્યાસ માટે સંસદસભ્યો, રાષ્ટ્રીય નેતાઓ અને મીડિયાના પંદર સભ્યોની સમિતિની નિમણૂક કરેલી ને સમિતિએ પુનર્જન્મની વાસ્તવિકતા પર મહોર મારેલી તે મથુરાની રહેવાસી પુત્રી લુગડી (1902)નો કિસ્સો સમગ્ર ભારતમાં અતિ પ્રચલિત થયો હતો. તેની વેધક, રોચક લંબાણપૂર્વક રજૂઆત કરી છે. એવો જ એક સાચો કિસ્સો જાણીતા યોગમાર્ગી સર્જક મકરંદ દવે (નંદિગ્રામ)એ યોગી હરનાથના સાંનિધ્યમાં પ્રેરક પુસ્તિકામાં વર્ણવ્યો છે.

તેઓ લખે છે એક વાર યોગી હરનાથ પાસે બેઠો હતો ત્યારે રેલવેમાં નોકરી કરતા પરિચિત ભાઇ આવે છે ને પોતાની દસ વર્ષની હસતી રમતી કૂદતી લાડકી દીકરીનું સર્પદંશથી અવસાન થયાનું જણાવ્યું ત્યારે યોગીજીએ ક્ષણભર ધ્યાનસ્થ થઇ જણાવ્યું કે આ વિશ્વમાં કાંઇ જ અકારણ, અહેતુક અચાનક અકસ્માતરૂપ નથી બનતું. દરેકના કાર્યકારણની સાંકળ અદીઠ રીતે વણાઇ ગઇ હોય છે. તમારા દરેક કર્મનો હિસાબ રાખનારું કોઇ બેઠું છે તે ભૂલશો નહીં. ચિત્રગુપ્તને ચોપડે નોંધાય છે. એટલે કે દરેક કાર્યની તમારા અંત:કરણ પર જે છાપ પડયા કરે છે તે જ ચિત્રગુપ્ત દરેક કાર્યની સૂક્ષ્મ સંસ્કાર રૂપે ફોટો ફિલ્મ પડી જ જાય છે.

મૃત્યુ પછી પણ એ માનવીની સાથે આવે છે ને સમય જતાં પાક કાળે એનાં ફળ બધાંએ જ ભોગવવાં જ પડે છે. સ્વામીજીએ ભૂતકાળમાં જયાં રેલવે સ્ટેશન માસ્તર હતા ત્યાં બગીચામાં ફૂલ વીણવા ગયેલી ત્યારે સમય પાકયો ન હોઇ એ સાપ ફાવ્યો ન હતો. પૂર્વ જન્મમાં આ છોકરીએ એક માણસને ઝેર આપીને મારી નાંખ્યો હતો ને વેર લેવા તે સર્પ થયો. એટલે વેર દુશ્મનાવટ વૃત્તિને તમારા અંતરમાં કદી સ્થાન ન આપો. જણાવી હજુ દીકરી સાથેનું ઋણાનુબંધ બાકી હોઇ આ જ દીકરી તમારે ત્યાં જન્મશે ને પુત્રીના પગે ખરજવા જેવો ડાઘ પણ હશે.

મિત્રો,  હવે તો પશ્ચિમની પ્રયોગશાળામાં જરાવિહીન દેહ અને અતીન્દ્રિય જ્ઞાનના પ્રદેશો સરાણે ચડયા છે. વિજ્ઞાનના ઝળહળાટ પાસે આવતા અધ્યાત્મ અચકાશે નહીં જ. અધ્યાત્મનાં શીતળ કિરણોથી વિજ્ઞાન સાત્ત્વિક બનશે તો માનવજાત પર આજ સુધી નહોતી થઇ એવી મંગલવર્ષા થશે. વિશ્વના ઇતિહાસમાં આલેખાયેલી ધ થર્ડ આઇના લેખક લોમસંગ રામ્યા એ જીવંત ઉદાહરણ છે. પૂર્વના જ નહિ, પણ હવે તો પશ્ચિમના અભ્યાસુઓ પુનર્જન્મમાં માનતા થયાના અનેક દાખલાઓ છે.
સુરત     – ભગુભાઇ પ્રે. સોલંકી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top