Charchapatra

એકટ ઓફ ગોડ

૩૦મી ઓકટોબરે બેસતા વર્ષના દિવસે જ મોરબીનો ૧૪૩ વર્ષ જૂનો ઝૂલતો પુલ તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. અત્યાર સુધીમાં ૧૪૧ માણસો મૃત્યુ પામ્યાં છે અને અનેક લોકો ઘાયલ થયાં છે. આ અકસ્માત નહિ, પણ માનવસર્જીત દુર્ઘટના હતી. ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ ૨૦૦૫ થી બ્રિજની જવાબદારી સંભાળે છે. તેમણે જે નિયમિત સંભાળ લેવી જોઇતી હતી તે લીધી નહોતી. માત્ર ટિકિટની આવક ખાધે રાખી અને અપૂરતી કાળજીને કારણે બ્રિજ નબળો થતો ગયો. આ માનવસંહારના ભયાનક અપરાધમાં પકડાયેલા ઓરેવા ગ્રુપના મેનેજર દીપક પારેખે નિર્લજજતાથી કોર્ટમાં કહ્યું કે, ‘આ તો એકટ ઓફ ગોડ છે. ભગવાનને જે ગમ્યું તે ખરું.’ આ પ્રકારનું નિવેદન આપીને સમગ્ર દોષનો ટોપલો ભગવાનના શિરે નાખી દીધો!

કઇ કઇ ભૂલો કરી? જો માત્ર ફલોરીંગ બદલવાને બદલે વાયર બદલીને યોગ્ય મરામત કરી હોત તો આ દુર્ઘટના ન  થાત. એટલું જ નહિ પણ ઓઇલીંગ અને ગ્રીસીંગ પણ કર્યું નહોતું. કોઇ કવોલીફાઇડ એન્જિનિયરના સુપરવિઝનમાં કામ થયું નથી. ઓરેવા કંપનીએ જેને સબ કોન્ટ્રાકટ આપ્યો હતો તે કોન્ટ્રાકટર પણ કવોલીફાઇડ નહોતો. આવક વધારવા દિવાળીની રજાની ભીડનો લાભ લેવા ઝૂલતા પુલને જરૂરી મૂળભૂત પાયાનું રિપેરીંગ કર્યા વગર માત્ર રંગરોગાન કરી બહારથી પુલને સારો દેખાડયો.

જયસુખ પટેલે ફિટનેસ ટેસ્ટ કે સર્ટિફિકેશનની પ્રક્રિયા વગર ૨૬-૧૦-૧૨ ને દિવસે રીબીન કાપીને બ્રીજને ખુલ્લો મૂકી દીધો. તે વખતે તેમણે કહ્યું કે પુલનું રીનોવેશન બે કરોડને ખર્ચે કરાયું છે. વાસ્તવમાં માત્ર ૨૯ લાખનો જ ખર્ચ કરાયો હતો. તે પણ પુલના કાટ ખાઇ ગયેલા કેબલ બદલવા કે મજબૂતાઇ વધે તે માટે નથી કર્યો. માત્ર ફલોરીંગ બદલવા જેવું કામ કર્યું હતું. ઊંચા દરની ટિકિટ દિવાળી પછી વસુલવાનું શરૂ કર્યું હતું અને વધુ પૈસા મળે તે માટે પુલ પર ભીડ થવા દીધી. કેટલો લોડ પુલ ખમી શકશે તે માટે કોઇ ધારાધોરણ નકકી કરાયાં નહોતાં અને હવે દીપક પારેખ કહે છે કે એ તો ‘એકટ ઓફ ગોડ’ છે. ધિકકાર છે તમારા આવા નિવેદન માટે! આ સમગ્ર દુર્ઘટના પાછળ જે જે જવાબદાર વ્યકિતઓ છે તેમને ફાંસીથી ઓછી સજા થવી જોઇએ નહિ! ઓમ શાંતિ.
સુરત      – ડો. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top