Gujarat

ગુજરાતમાં ચૂંટણી પહેલા આવક વિભાગના દરોડાથી ખળભળાટ: આ મોટા શહેરોમાં કરી કાર્યવાહી

અમદાવાદ: હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની (Assembly elections Gujarat) તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને દરેક પાર્ટી પોતાના ઉમેદવારોની યાદીઓ પણ જાહેર કરવાના અંતિમ તબ્બકામાંથી પસાર થઇ રહ્યા છે. આ સાથે જ ગુજરાતના (Gujarat) અનેક શહેરોમાં આવકવેરા વિભાગે (Income Tax Department) તપાસનો (Investigation) ધમધમાટ શરૂ કર્યો હોવાના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં રાજકોટ, ગાંધીધામ , ભુજમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હોવાની વિગતો સામે આવી છે. આ દરોડા ફાઈનાન્સ બ્રોકર અને રીયલ એસ્ટેટના ધંધાર્થીઓને ત્યાં પાડવામાં આવ્યા છે. આ દરોડામાં 200થી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટક્યો હતો.

કુલ 30થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગના દરોડા ચાલી રહ્યા છે
ગુજરાતમાં મોટા શહેરોમાં મીઠાઈ, રિયલ એસ્ટેટ અને ફાઈનાન્સ સાથે સંકળાયેલા ખાવડા ગ્રુપના ભુજ, ગાંધીધામ, અંજાર સહિતના 30થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગે આજે સવારમાં જ ત્રાટક્યું હતું અને ઉપરોક્ત દરેક ફર્મના વેપારીઓ ઉપર કાર્યવાહી હાથ ધરી હતી. આવકવેરા વિભાગના દરોડાથી સમગ્ર રિયલ એસ્ટેટના વેપારીઓમાં ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. તેની સાથે જ ફાઈનાન્સ બ્રોકરોમાં પણ ખાસ્સો ભયનો માહોલ વ્યાપી ગયો છે . અત્યારે પણ કુલ 30થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગના દરોડા ચાલી રહ્યા છે.

ફાઈનાન્સ, પ્રોપર્ટી, સહિતના વેપાર સાથે સંકળાયેલા ખાવડા ગ્રુપ પર તવાઈ
અત્રે ઉલ્લેખનીય છે કે ફાઈનાન્સ, પ્રોપર્ટી, સહિતના વેપાર સાથે સંકળાયેલા ખાવડા ગ્રુપ પર તવાઈ બોલાવવામાં આવી હોવાની વિગત સાંપડી છે. ગાંધીધામ અંજાર અને ભુજમાં ભાગીદારોના રહેઠાણ અને ઓફિસ ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે. દરોડાની તપાસની કાર્યવાહીના અંતે મોટા પાયે બેનામી સંપતિ મળી આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે 2022-23ના નાણાકીય વર્ષમાં રાજકોટ અને અમદાવાદની આવકવેરા વિભાગની ઈન્વેસ્ટીગેશન વીંગ દ્વારા પ્રથમ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

Most Popular

To Top