World

યુક્રેન છોડી રહેલા ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓને રશિયાએ આપી આ ઓફર

નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેનના (Ukraine) ઘણા લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધની (War) અસર સમગ્ર વિશ્વ પર પડી છે. આ યુદ્ધના કારણે ભારતીય વિદ્યાર્થીઓ (Indian Student) સહિત અન્ય દેશના વિદ્યાર્થીઓના સપના પણ ધોવાયા છે. રશિયા અને યુક્રેનમાં અભ્યાસ કરતા ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઘણું નુકસાન થયું હતું. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ઘણા વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ અધવચ્ચે છોડી પોતાના દેશ પરત ફરવું પડ્યું હતું.

તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2022 ના અંતમાં જ્યારે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારે ઘણા ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનથી ભારત પરત લાવવામાં આવ્યા હતા. આ હજારો ભારતીય તબીબી વિદ્યાર્થીઓનું ભાવિ યુદ્ધને કારણે લટકી પડ્યું હતું. આવી સ્થિતિમાં, તેમનો અભ્યાસ પૂર્ણ કરવા માટે, રશિયાએ આ વિદ્યાર્થીઓને આગળથી તેમના દેશમાં તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે એક ઓફર આપી છે. 

ચેન્નાઈમાં રશિયન કોન્સ્યુલ જનરલ ઓલેગ અવદેવે કહ્યું કે યુક્રેનના ભારતીય વિદ્યાર્થીઓ રશિયામાં તેમનો મેડિકલ અભ્યાસ પૂર્ણ કરી શકે છે. ઓલેગે ભારતીય વિદ્યાર્થીઓને અહીં અભ્યાસ માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે યુક્રેન અને રશિયામાં મેડિકલ અભ્યાસનો કોર્સ લગભગ સમાન છે. આ સાથે વિદ્યાર્થીઓ અહીંની ભાષા પણ સમજી શકે છે કારણ કે યુક્રેનના મોટાભાગના લોકો રશિયન ભાષા બોલે છે. જણાવી દઈએ કે, 23 ઓક્ટોબરે કિવમાં ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જાહેર કરીને હાલમાં યુદ્ધગ્રસ્ત દેશમાં રહેતા ભારતીય નાગરિકોને વહેલામાં વહેલી તકે યુક્રેન છોડવા માટે કહ્યું હતું.

ઓલેગે જણાવ્યું કે મોટી સંખ્યામાં લોકો અભ્યાસ માટે રશિયા જાય છે અને ત્યાં શિષ્યવૃત્તિ માટે અરજી પણ કરે છે. દર વર્ષે ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ માટે મોટી સંખ્યામાં રશિયા અને યુક્રેન જાય છે. પરંતુ યુદ્ધને કારણે વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂર્ણ કરવા માટે યુક્રેન પાછા જઈ શકતા નથી. 

ભારતમાંથી ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે યુક્રેન શા માટે જાય છે?
ભારતમાંથી ઘણા વિદ્યાર્થીઓ દર વર્ષે મેડિકલનો અભ્યાસ કરવા માટે યુક્રેન જાય છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે યુક્રેનમાં મેડિકલ એજ્યુકેશન ભારત કરતાં ઘણું સસ્તું છે. જો તમે ભારતની કોઈપણ પ્રાઈવેટ કોલેજમાંથી મેડિકલ કોર્સ કરો છો તો લગભગ 80 લાખથી 1 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ આ જ શિક્ષણ યુક્રેનમાં માત્ર 25 લાખ રૂપિયામાં થાય છે. 

હજારો ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અટવાયું છે
રશિયાના આક્રમણ બાદ હજારો ભારતીયો યુક્રેનમાં ફસાયા હતા. યુદ્ધ દરમિયાન 90 ફ્લાઈટની મદદથી 22 હજાર 500 ભારતીયોને યુક્રેનથી ભારત લાવવામાં આવ્યા હતા. આમાં મોટાભાગના લોકો એવા હતા જેઓ યુક્રેનમાં રહીને મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા. હવે આ વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે છેલ્લા 9 મહિનાથી કાયદાકીય લડાઈ લડી રહ્યા છે. તે જ સમયે, રશિયાએ હવે આ વિદ્યાર્થીઓને સામેથી ઓફર કરી છે કે જે વિદ્યાર્થી ઇચ્છે છે તે રશિયામાં તેનો મેડિકલ અભ્યાસ ચાલુ રાખી શકે છે.

Most Popular

To Top