SURAT

ભાજપે સુરતમાં ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યાર બાદ કોંગ્રેસે અડધી રાત્રે કર્યું આ કામ…

સુરત: ભાજપે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધા બાદ મોડી રાત્રે કોંગ્રેસ પણ પોતાના 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. કોંગ્રેસે આ યાદીમાં સુરતની બાકી રહેલી બેઠકો પર પણ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા હતા. જે ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા તેમાં સૌરાષ્ટ્રના 29 અને દ.ગુ.ના 17 ઉમેદવારોનો સમાવેશ થાય છે. સુરતમાં જે બેઠકોના ઉમેદવાર કોંગ્રેસે જાહેર કર્યા છે તેમાં સુરત પૂર્વની બેઠક પરથી અસલમ સાયકલવાળા, સુરત ઉત્તર બેઠક પરથી ભૂતકાળમાં લોકસભાની ચૂંટણી લડી ચૂકેલા અશોક અધેવાડા, કરંજ બેઠક પરથી ભારતી પટેલ, લિંબાયત બેઠક પરથી ગોપાલ પાટીલ, ઉધના બેઠક પરથી ધનસુખ રાજપુત, મજૂરા બેઠક પરથી બલવંત જૈન, ચોર્યાસી બેઠક પરથી કાંતિ પટેલનો સમાવેશ થાય છે.

  • કોંગ્રેસે કુલ 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી તેમાં સૌરાષ્ટ્રના 29 ઉમેદવારોનો સમાવેશ
  • બીજી તરફ દ.ગુ.ના 17 ઉમેદવારોને પણ કોંગ્રેસે જાહેર કર્યા

દ.ગુ.ની જે બેઠકો પર કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા તેમાં વ્યારા પરથી પુનાજી ગામીત, નિઝર પરથી સુનિલ ગામીત, વાંસદા બેઠક પરથી અનંતકુમાર પટેલ તેમજ વલસાડ બેઠક પરથી કમલકુમાર પટેલનો સમાવેશ થાય છે. આજ રીતે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે મહત્વની ગણાતી બેઠકો પૈકી ગોંડલ પર યતિશ દેસાઈ, ધોરાજીની બેઠક પર લલિત વસોયા, વિસાવદર પર કરશન વડોદરીયા, અમરેલી જિલ્લાની પાંચ બેઠકો પૈકી અમરેલીમાં પરેશ ધાનાણી, સાવરકુંડલામાં પ્રતાપ દુધાત, લાઠી પર વિરજી ઠુમ્મર, રાજુલામાં અમરીશ ડેર, તળાજામાં કનુ બારૈયા, ભાવનગર ઈસ્ટમાં કિશોરસિંહ ગોહીલ અને ગઢડામાં જગદીશભાઈ ચાવડાને ટિકીટ આપી હતી.

લિંબાયત વિધાનસભાની બેઠક પર ચૂંટણી લડવા માટે એક ઉમેદવારે બે ફોર્મ ભર્યા
સુરત: સુરત શહેર જિલ્લાની 16 વિધાનસભાની બેઠકની ચૂંટણીના ફોર્મ ભરવાને હવે બે જ દિવસ બાકી રહ્યાં છે. ત્યારે લિંબાયતની વિધાનસભાની બેઠક પર ચૂંટણી લડવા માટે એક ઉમેદવારે બે ફોર્મ ભર્યા છે. અત્યાર સુધીમાં 851 ફોર્મ વિતરણ થયા છે.

શનિવારથી સુરત શહેર જિલ્લાની 16 વિધાનસભાની બેઠકની ચૂંટણી માટેના ફોર્મ વિતરણ અને ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. જે 14 નવેમ્બરને સોમવાર સુધી ચાલશે. પરંતુ 11 નવેમ્બરને ગુરૂવારના દિવસે ફોર્મ ભરવામાં ખાતું ખૂલ્યું છે. માત્ર એક જ ઉમેદવાર રામમુરત મોર્યાએ 163 લિંબાયત બેઠક પર ચૂંટણી લડવા માટે બે ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી નોંધાવી છે. જો કે, તે સિવાય એક પણ ઉમેદવાર દ્વારા ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવવામાં આવી નથી. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે. શનિવારે અને રવિવારે રજા હોય ફોર્મ ભરવા માટે માત્ર બે દિવસ રહ્યા છે. ત્યારે આવતી કાલથી ફોર્મ ભરવા માટે ઉમેદવારો દોડશે. હાલ સુધીમાં સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા માટે 851 ફોર્મ વિતરણ થયા હતા. મહુવા વિધાનસભા માટે 16 ફોર્મ લોકો લઇ ગયા છે. ગુરૂવારની વાત કરીયે તો 228 ફોર્મ વિતરણ થયા છે. જેમાં સૌથી વધારે સુરત પૂર્વમાં ૩૬ ફોર્મ વિતરણ થયા હતા.

Most Popular

To Top