Feature Stories

સુરતમાં નાના નાના બાળકો કરે છે એવા કામ કે જે મોટા પણ નહીં કરી શકે…

કેટલાક કામ કરવા કે શીખવા માટે લોકોને વર્ષો નીકળી જાય છે અને તેમ છતા તેઓ નથી કરી શકતા ત્યારે એનાથી ઊલટું કેટલાક એવા નાના બાળકો છે જે કામ મોટાઓ નહીં કરી શકે એ તેમણે નાની ઉંમરે કરી બતાવ્યું છે અને તેમાં મહારથ પણ મેળવી છે. ઘણા બાળકોમાં કુદરતી ટેલેન્ટ હોય છે. તો કેટલાક કોઇ બાબતમાંથી પ્રેરણા લઇને આગળ વધતા હોય છે. ત્યારે બાળકો માટે કહેવાય છે કે આ તો તેમના રમવા-કૂદવાની ઉંમર છે. ત્યારે કેટલાક બાળકો એવા છે જેઓ રમવા કૂદવા સાથે જ કંઇક એવી એક્ટિવીટી પણ કરી રહ્યાં છે જે કેટલાક મોટેરાઓ માટે પણ ગજા બહારની વાત છે. જે પૈકી કેટલાક શોખથી આગળ આવ્યા છે જ્યારે કેટલાક પોતાની ધગશથી. તો આજે આપણે એવા જ કેટલાક બાળકો વિષે જાણીશું જેના વિશે. જાણીને કદાચ તમને પણ કંઈક ઇન્સ્પિરેશન મળી જાય

વિન્ડ સર્ફિંગમાં માહિર છે મિશ્કા બંગડીવાળા:
દરિયામાં કે નદીમાં વિન્ડ સર્ફિંગ કરવું ખૂબજ સાહસનું કામ છે. સુરતની માત્ર 13 વર્ષની મિશ્કા બંગડીવાળા જ્યારે નદીમાં સર્ફિંગ કરતી હોય છે ત્યારે લોકો તેને જોઈને દંગ રહી જાય છે. મિશ્કાએ જણાવ્યું કે મારા પિતા અલકેશભાઈ બંગડીવાળા છેલ્લાં 10 વર્ષથી વિન્ડ સર્ફિંગ કરે છે તેમનાથી ઇન્સપાયર થઈને હું છેલ્લાં 2 વર્ષથી વિન્ડ સર્ફિંગ કરું છું. તેણે જણાવ્યું કે હું દર વિકએન્ડમાં કઠોરમાં તાપી નદીમાં 4 કલાક વિન્ડ સર્ફિંગની પ્રેક્ટિસ કરું છું. જોકે સુરતમાં વિન્ડ સર્ફિંગ માટેનું કોઈ વાતાવરણ ડેવલપ નથી થયું. હું વિન્ડ સર્ફિંગ કરતા શરૂઆતમાં ખુબ ડરતી હતી પણ હવે કોઈ ડર નથી લાગતો. તેણે જણાવ્યું કે હું કુડોમાં બ્લેક બેલ્ટ છું. ગયા મહિને બારડોલીમાં અક્ષયકુમાર 14 ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ-2022 આયોજિત થઈ હતી તેમાં મેં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. હોબી તરીકે વિન્ડ સર્ફિંગ ચાલું રાખવા માંગુ છું અને કોમ્પિટિશનમાં ભાગ લેવાની તક મળશે તો ચોક્કસ ભાગ લઈશ.

સૌથી નાનીવયમાં મેળવ્યો ગુજરાત ગરિમા એવોર્ડ : અન્વી ઝાંઝરુંકિયા
ઘણા લોકો જ્યારે શારીરિક બીમારીના બહાના હેઠળ સામાન્ય કામ કરવામાંથી પણ છટકબારી શોધતા હોય છે ત્યારે 4-5 રોગોથી ઘેરાયેલી હાલમાં 14 વર્ષની વય ધરાવતી અને રબર ગર્લ તરીકે ઓળખાતી અન્વી ઝાંઝરુંકિયા આજે યોગમાં મહારથ મેળવી ચૂકી છે. અન્વી જ્યારે 10-12 દિવસની હતી ત્યારે જ તેના પરિવારને ખબર પડી ગઈ હતી કે તે નોર્મલ બાળક નથી,સ્પેશ્યલ ચાઇલ્ડ છે. તેના આંતરડામાં પ્રોબ્લેમ હોવાની સાથે જ તે ડાઉન સિન્ડ્રોમથી પીડાય છે, તેની ઓપન હાર્ટ સર્જરી થઈ છે તેમજ તેની જીભ તાળવે નથી ચોંટતી એટ્લે તે સ્પષ્ટ ઉચ્ચારણ નથી કરી શકતી. તેનું આટલું નાનું શરીર નાના મોટા ચાર-પાંચ રોગોથી ઘેરાયેલું હોવા છતાં તે જે રીતે એ પોતાના અંગોને મરોડ આપતી તે જોતાં તેને યોગ શીખવવાનું ચાલુ કરવામાં આવ્યું હતું અને તેણે 11 વર્ષની ઉંમરથી યોગ કોમ્પિટિશનમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેણે છ્તીસગઢમાં રાષ્ટ્રીય સ્તરની યોગની સ્પર્ધા જીતી હતી. જ્યારે આજે અન્વી સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે અને તે વર્ષ 2019, 2020 અને 2022 દરમિયાન 3 નેશનલ ગોલ્ડ મેડલ મેળવી ચૂકી છે. એટલું જ નહીં, તે સૌથી નાની વયમાં પ્રધાન મંત્રીના હસ્તે ગુજરાત ગરિમા એવોર્ડ પણ મેળવી ચૂકી છે.

7 વર્ષીય બાળક રોજના 20થી 25 બુક્સ વાંચે છે: પ્રેહાન ગાંધી
અઢી વર્ષ સુધી જે બાળક બોલી શકતું ન હતું એણે બોલવાનું અને વાંચવાનું પણ સાથે જ શરૂ કર્યું. નવાઈની વાત છે કે એક માત્ર 7 વર્ષનું બાળક આજે દિવસ દરમિયાન 20થી 25 બુક્સ વાંચી લે છે. આ બાળકનું નામ છે પ્રેહાન ગાંધી. પ્રેહાન જ્યારે નાનો હતો ત્યારથી લઈને અઢી વર્ષ સુધી બોલી જ ન હતો શકતો, જેથી ડોક્ટરને બતાવતા તેમણે સ્પીચ થેરેપિ લેવાનું સૂચન કર્યું હતું પરંતુ પરિવારજનોના આશ્ચર્ય વચ્ચે તેણે અઢી વર્ષની ઉંમરે ઇંગ્લિશ બુક્સ વાંચતાં પણ શીખી લીધા અને સાથેજ બોલતા પણ. જો કે પ્રેહાનની માતા કહે છે કે અમે ઘરમાં બધા ગુજરાતી જ બોલીએ છીએ પરંતુ હું તેને ઇંગ્લિશમાં બુક્સ વાંચીને સંભળાવતી હતી, જેથી તે નાના સેંટેન્સ હોય એવી બુક્સ વાંચતાં શીખ્યો અને પછી તો એણે વાંચવાની એવી લાત લાગી કે, અત્યાર સુધી મારા ઘરમાં રહેલી 300 બુક્સ તો તેણે વાંચી જ નાખી છે સાથે જ સ્કૂલમાં પણ તે વાંચતો રહે છે. તે અન્ય બાળકોની જેમ મોબાઈલ પણ લે છે પણ તેમાં પણ તે વાંચતો જ રહે છે અને ટીવીમાં પણ ખાસ કરીને સાયન્સને લગતી ડોક્યુમેન્ટરી જ જોતો હોય છે. પ્રેહાનની ફેવરિટ બુક ‘સ્ટારસ્ટ્રક’ છે જે રિપિટેડલી વાંચતો રહે છે. જો કે તેના વાંચનના હિસાબે અન્ય બાળકો સાથે વાત કરી શકતો ન હોવાથી તે પરિવારના કહેવા છ્તા બહાર રમવા નથી જતો અને ઘરમાં વાંચન ઉપરાંત તેની ફેવરિટ ગેમ ‘લેગો’ રમે છે પણ સાયન્સને લગતી કોઈપણ લેટેસ્ટ ઈન્ફર્મેશન તેને પુછો તો તેનો જવાબ તેની પાસે હાજર જ મળશે.

નદીનું નયનરમ્ય વાતાવરણ લખવાનું પ્રેરણાબળ: માહી દેસાઇ
કહેવાય છે ને કે ‘મન હોય તો માળવે જવાય’ આવું જ કઈક કરી બતાવ્યું છે માહી દેસાઇએ. માહી દેસાઇએ પોતાનો એક ગુજરાતી કાવ્ય સંગ્રહ પ્રકાશિત કરીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ગત 15મી ઓગષ્ટે ‘બે મિનિટ સફર જીંદગીની’ કાવ્ય સંગ્રહ પ્રકાશિત કરનાર માહી કહે છે કે, લોકડાઉનના સમયમાં તે ગુજરાતી એક્ટર એજસ રાવલનું ઇન્સ્ટાગ્રામ લાઈવ નિહાળી રહી હતી તે દરમિયાન તેણે સાંભળ્યુ હતું કે ‘તમે જે ભાષામાં સપના જુઓ છો તે ભાષાને કઈક આપવું જોઈએ.’ આ લાઇન તેના હ્રદયને સ્પર્શી ગઈ. માહી કહે છે કે મે ગુજરાતીમાં એજ્યુકેશન નથી લીધું પણ ભાષા માટે કઈક કરવું હતું એટ્લે ગુજરાતી ઓડિયો બુક્સ સાંભળી અને એજસ રાવલની વેબસિરીઝ પરથી ‘હું તને મળીશ’ લખ્યું. પછી તો હું બોલું અને ટાઈપ થાય એ રીતે 75 કાવ્યો લખ્યા, જે કાવ્ય સંગ્રહરૂપે 6 થી7 માસમાં તૈયાર થયો. જો કે લખ્યા બાદ દાદીને વંચાવતી જેથી તેઓ વ્યાકરણ સુધારી લેતા. માહી અત્યાર સુધી 350 જેટલા કાવ્યોની રચના કરી છે અને આના માટે તેના ઘરમાથી દેખાતુ તાપી નદીનું નયનરમ્ય વાતાવતરણ તેને પ્રેરણા આપતું હોવાનું માહી જણાવે છે.

Most Popular

To Top