Top News

More Posts

   The Latest

Most Popular

બે વર્ષથી જે બિલ અંગે અભ્યાસ થઈ રહ્યો હતો તે ડેટા બિલ ફાઈનલી બંને ગૃહોમાં મુકાવા જઈ રહ્યું છે. બિલનું નામ ‘ધ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, 2019’ છે. આ બિલ પ્રથમ વાર ગૃહમાં મુકાયું પછી તે વિશે રિવ્યૂ કરવાની જરૂર જણાઈ અને પછી પાર્લમેન્ટરી જોઈન્ટ કમિટી પાસે આ બિલ મોકલી આપવામાં આવ્યું હતું. તેમાં સુધારાવધારા સાથે 16 સપ્ટેમ્બરના રોજ તે ફરી પાર્લમેન્ટમાં મુકાયું છે. બિલ પાસ થશે તો તેનાથી ડેટા પ્રોટેક્શનને કાયદાનો સહારો મળશે.

સૌથી પહેલાં આ બિલ કેવી રીતે સામાન્યજનને ઉપયોગી થવાનું છે તે સમજવું જરૂરી છે. આપણું જીવન આજે ઇન્ટરનેટ આધારિત છે. આપણી ઓળખ, સંદેશાવ્યવહાર, નાણાંકીયવ્યવહાર, શિક્ષણ, એન્ટરટેનમેન્ટ અને ઇવન કંઈક અંશે આપણું ભોજન પણ ઇન્ટરનેટ આધારિત છે. આજે વડાપાંવ કે દાબેલી મંગાવવા માટે પણ આપણે ઇન્ટરનેટ પર આધાર રાખીએ છીએ. હવે આટઆટલો વ્યવહાર ઓનલાઈન થતો હોય તો સ્વાભાવિક છે કે વ્યક્તિની રૂચિથી માંડીને તેના અન્ય તમામ વ્યવહાર ક્યાંક દર્જ થઈ રહ્યા છે. વ્યક્તિ શું સર્ચ કરે છે, કોની સાથે વાત કરે છે, શું પોસ્ટ કરે છે, શું ખરીદે છે અને ઇવન શું આરોગે છે તે પણ ડેટા પરથી માલૂમ કરી શકાય છે. વ્યક્તિગત આ ઇન્ફોર્મેશન જ્યારે સમૂહમાં મૂકીને એનાલિસિસ કરવામાં આવે ત્યારે તેનો ઇચ્છિત ઉપયોગ થઈ શકે. જેમ ચૂંટણી ટાણે આ પ્રકારનો ઉપયોગ રાજકીય પક્ષો કરે છે. તેનું એક ઉદાહરણ અહીંયા સમજી લઈએ તો આ વાત વધુ સ્પષ્ટ બનશે.

ભાજપના સીનિયર આગેવાન અને ઇલેક્શન સ્ટ્રેટજીસ્ટ રામ માધવની ટીમમાં શિવમ શંકરસિંઘે નામના એક વ્યક્તિએ કામ કર્યું છે. શિવમ શંકરે ત્રિપુરાની 2013ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ખૂબ નિકટથી ડેટા કલેક્શન અને એનાલિસિસની પૂર્ણ પ્રક્રિયા નિહાળી. આ પ્રક્રિયા દરમિયાન તેમણે જાણ્યું કે, કેવી રીતે રાજકીય આગેવાન ઝીણામાં ઝીણી માહિતીને અલગ અલગ પાસાંથી નિહાળે છે. આ માહિતીને સૂક્ષ્મતાથી અલગ તારવવામાં આવે છે. બુથ સ્તર સુધી આ માહિતી વિભાજીત થાય છે.

આ વિભાજન સ્વાભાવિક રીતે જાતિ, ધર્મ, ઉંમર, સ્ત્રી-પુરુષ અને પરિવારના સભ્યોથી થાય. ઉપરાંત, સામાજિક-આર્થિક સ્થિતિનો પણ ક્યાસ કાઢવામાં આવે છે. હવે સામાન્ય વિભાજનની વાત આવે ત્યાં સુધી તો તે માહિતી બધી જ ઇલેક્શન કમિશનરની સાઇટ પર ઉપલબ્ધ છે. તેના આધારે પક્ષના કાર્યકર્તા તેને જાતિ અને ધર્મમાં વિભાજીત કરવાનું કામ કરી દે છે પરંતુ સામાજિક-આર્થિક સ્થિતિનો અંદાજો લગાવવો કોઈના પણ માટે મુશ્કેલ છે અને તે પણ ઇલેક્શન દરમિયાન મળતાં ટૂંકાગાળામાં. અહીંયા શિવમ શંકર તેમના અનુભવની વાત કહે છે.

શિવમ શંકર મુજબ આ સ્થિતિને એક જ ઝાટકે તપાસવી હોય તો સૌથી મહત્ત્વનું સાધન ઇલેક્ટ્રિસિટી બિલ બને છે! ઇલેક્ટ્રિસિટી બિલ મોટાભાગના લોકો ભરે છે અને કોનું બિલ કેટલું આવે છે તેના પરથી તેનો સરળતાથી અંદાજ લગાવી શકાય કે કઈ વ્યક્તિ કેવું આર્થિક બેકગ્રાઉન્ડ ધરાવે છે. શિવમ શંકર મુજબ લેન્ડ રેકોર્ડસ, સેન્સસ ડેટા અને BPL લિસ્ટથી પણ આ માહિતી મેળવી શકાય પણ આ તમામ દસ્તાવેજ મેળવવા અને તેનો અભ્યાસ કરીને એક તારણ પર આવવા માટે કોમ્પ્લિકેટેડ છે. જ્યારે ઇલેક્ટ્રિસિટી બિલથી તુરંત જ તેનો અંદાજ મેળવી શકાય છે અને સૌથી અગત્યની વાત ઇલેક્ટ્રિસિટી બિલ સરળતાથી મેળવી શકાય. કોઈનો પણ ગ્રાહક નંબર નાખો એટલે તે વ્યક્તિનું ઇલેક્ટ્રિસિટી બિલ મેળવી શકાય છે!

આવું કરવા માટે પોલિટિકલ પાર્ટી રીતસરની વૉચ ગોઠવે છે અને તેના આધારે પોતાની સ્ટ્રેટેજી ઘડે છે. આજે આપણી બધી જ વિગત ક્યાંક ને ક્યાંક એવા સ્વરૂપે ઉપલબ્ધ છે કે તેને એકત્ર કરીને તેનો ઉપયોગ થઈ શકે. આવું માત્ર પોલિટિકલ પાર્ટીઓ નથી કરતી બલકે મસમોટી કંપનીઓ પણ કસ્ટમર્સની માહિતી મેળવવામાં રણનીતિ ઘડે છે. વગર કામના ડે ટુ ડે આવતાં મેઇલ્સ, વોટ્સ એપ મેસેજ અને ફેસબુક પર આવતાં નોટિફિકેશન આપણા દ્વારા મેળવાયેલા ડેટાનું પરિણામ છે. વ્યક્તિની ઓનલાઈન માહિતી અને સોશ્યલ મીડિયા પર પોસ્ટ-લાઈક-ડિસલાઈક કેટલી અગત્યની છે.

આમ ઇન્ટરનેટ પર આપણું જીવન ખુલ્લી કિતાબ જેવું છે, તેને કોઈ પણ વાંચી શકે છે અને તેના આધારે તે અનુમાન કરી શકે છે. હવે જ્યારે કરોડો લોકોની પસંદ-નાપસંદને જાણીને રણનીતિ ગોઠવવામાં આવે તો તે તીર નિશાના પર જ લાગવાનું. આવા દુરુપયોગને અટકાવવા માટે બિલ લાવવામાં આવ્યું છે. આ બિલ સામાન્ય લોકોના જીવનમાં કેવી રીતે અસર કરી શકે તે માટે ઉપરના મુદ્દા ટાંક્યા છે. બાકી તો બિલમાં ઇન્ટરનેટના વ્યાપને આવરી લેવાય એટલા મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે.

ડેટા પ્રોટેક્શન કેમ જરૂરી છે તેની ચર્ચા વિગતે બિલમાં કરી છે અને તેમાંની કેટલીક બાબતો તો એવી છે જે સામાન્ય લોકોને સરળતાથી ગેરરસ્તે દોરનારી છે. જેમ કે, બિલમાં એક ચીનની લોન આપતી એપની વિગત આપવામાં આવી છે. આ એપ દ્વારા લોકોના ડેટાનો દુરુપયોગ થયો હતો. હવે કેવી રીતે આ બધું થયું તે જરા સમજીએ. ગૂગલ પે પર કોઈ એપ છે જે તમને લોન આપવા માટે આતુર છે. તમે તેની એપ્લિકેશન ડાઉનલોડ કરો છો. આ એપ્લિકેશન ડાઉનલોડ થતાંની સાથે જ તે તમારા ફોનમાંથી સેન્સીટીવ ઇન્ફોર્મેશન મેળવી લે છે. એવું કહેવાય છે કે ગૂગલ પ્લે સ્ટોરમાં આવી લોન આપનારી 60 એપ મોજૂદ છે.

આશ્ચર્યની વાત તો એ છે કે નાણાંકીય વ્યવહાર કરતી આ એપને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વતી કોઈ મંજૂરી મળી નથી. એક કેસમાં તો ચીનની એપ દ્વારા ભારત સરકારની એક એપ જેવું જ નામ રાખ્યું. ભારત સરકાર દ્વારા માઇક્રો લોન અર્થે ‘ઉધાર લોન’ નામની એપ્લિકેશન હતી, જેની જગ્યાએ ચીનની એક એપ ‘ઉધાર’ નામે બનાવવામાં આવી. આ રીતે ચીનની કંપનીએ ભારતીયોના દોઢ લાખ ID લીક કર્યા હતા. ઉપરાંત તેમના ફોન નંબર્સ, ફોનનો પ્રકાર અને મોડલ અને ફોનમાં કઈ કઈ એપ ડાઉનલોડ કરવામાં આવી છે તે બધી જ માહિતી લીક કરી હતી. 

વર્તમાન સરકાર બિલ લોકોના હિતમાં છે તેવો દાવો કરી રહી છે. કંઈક અંશે તે માની શકાય પણ કેટલીક એવી બાબતો છે જે વિશે વર્તમાન સરકાર પર સવાલ થઈ રહ્યા છે. આ સવાલ પાર્લમેન્ટરી જોઈન્ટ કમિટીમાં પણ ઊભા થયા હતા. જેમ કે, પ્રશ્ન એ છે કે આ બિલમાં બે ભાગ જોઈ શકાય છે કે તેમાં પ્રાઇવેટ સેક્ટર પર આ બિલ કડક રીતે લાગુ કરવું અને સરકારની એજન્સીઓને તેમાંથી બાદ રાખવી. આ વિશે જોઈન્ટ કમિટીના ચેરમેન અને ભાજપના સાંસદ પી. પી. ચૌધરી આ રીતે વાત મૂકે છે : “જો તમે આ સંદર્ભે સેક્શન 12માં આપેલી વિગત વાંચશો તો ખ્યાલ આવશે કે સરકારે પોતાની સેવા વિસ્તારવા અર્થે આવા નિયમો ઘડ્યા છે. જો અમે આ નિયમોને કોરાણે રાખીશું તો પૂરી દેશની સિસ્ટમ અસ્તવ્યસ્ત થઈ જશે અને અમે જે રીતે પૂરી સિસ્ટમને ડિજિટલાઈલેશન કરવા માંગીએ છીએ તે પણ નહીં થાય.

 જો સરકાર ખેડૂતોના એકાઉન્ટમાં મદદ જમા કરવા ઇચ્છે તો શું આ પ્રક્રિયા માટે સરકાર ડેટા મેળવવાની મંજૂરી માંગશે? અને શું ટેક્સ ડિપાર્ટમેન્ટ વતી ક્યાંય રેઇડ કરવાની થાય તો તે વ્યક્તિના ડેટા અર્થે મંજૂરી મેળવવાની રહેશે? એવું ન થઈ શકે અને તે માટે કમિટીએ તટસ્થ રીતે કાર્યવાહી થાય તે રીતે વ્યવહારુ અને પ્રાઇવસી ઇસ્યુને ધ્યાનમાં રાખ્યો છે.” અન્ય કેટલાક મુદ્દા પર પણ આવી દલીલ થઈ છે અને નિષ્ણાતોનું માનવું છે કે તેમાં સરકારને ખુલ્લો દોર મળે છે. આ ખુલ્લો દોર સરકાર સામે બોલનારાઓને સાણસામાં લઈ શકે છે. આપણે ત્યાં કાયદાનો દુરુપયોગ કંઈ નવાઈની વાત નથી અને જ્યારે હવેના સમયમાં ડેટાવાળા મુદ્દે તો કોઈને પણ આસાનીથી તેમાં ફસાવી શકાય. જોવાનું એ રહેશે કે બિલના અમલના મુદ્દે સરકાર કેટલી પ્રામાણિકપણે વર્તે છે?

To Top