Business

બોલો, તમારો મિત્ર કઈ શ્રેણીમાં આવે…?

આ વાંચી જશો ત્યારે તમને ખુદને ખ્યાલ આવી જશે કે તમારી પાસે કેવા પ્રકારના દોસ્ત છે અને એમાં કોણ ખૂટે છે…? મિ-ત્ર…… આ બે અક્ષરનો શબ્દ એવો છે જેના વિશે થોકબંધ-ટનબંધ એટલું બધું લખાયું છે અને હજુ પણ એટલું બધું અવિરત લખાઈ રહ્યું છે કે એકલા આ બે અક્ષરના શબ્દ પર જ દળદાર શબ્દકોશ પણ સર્જી શકાય. માતાના ખોળામાંથી આપણે ‘આઝાદ’ થઈએ પછી આપણી સૌથી વધુ નજીક અને જેના પર મહત્તમ મદાર હોય એવી એકાદ કે બે વ્યક્તિ હોય છે, જેનો પ્રત્યક્ષ કે પરોક્ષ સાથ આપણે જીવનના છેલ્લા શ્વાસ સુધી છોડવા નથી ઈચ્છતા એ જણસને દુનિયા આખી દોસ્ત- યાર – મિત્ર કે ફ્રેન્ડ ઈત્યાદિ ઈત્યાદિ જેવા શબ્દોથી ઓળખે છે-ઓળખાવે છે. આ શબ્દને કેન્દ્રમાં રાખીને અનેક યાદગાર વાર્તા-કવિતા-નાટકો લખાયાં -ભજવાયાં છે. ફિલ્મ -સીરિયલો રજૂ થઈ છે.

જાનદાર મિત્ર જોરદાર શત્રુ બને કે દાની દુશ્મન દિલદાર દોસ્ત બને એવી તો અનેક કથા જાણીતી છે.  બીજા શબ્દોમાં કહીએ તો મિત્ર દરેક માટે પ્રાણ ટકાવી રાખતા ઓક્સિજન – પ્રાણવાયુના પુરવઠા જેટલા જ અગત્યના હોય છે. જો કે આજના ડિજિટલ યુગમાં સોશ્યલ મીડિયાના પ્રસાર-પ્રભાવને લીધે ફ્રેન્ડ-મિત્રની વ્યાખ્યા સમુળગી બદલાઈને વ્યાપક બની ગઈ છે. હાડમાંસના ખરા-વાસ્તવિક દોસ્તો કરતાં આપણી આસપાસ આભાસી મિત્રોની સંખ્યા વધુ છે. 

પ્રસિધ્ધ કવિ- ડૉ.સુરેશ દલાલ એમની લાક્ષણિક શૈલીમાં દોસ્તની વ્યાખ્યા આ રીતે બાંધતા. એ કહેતા કે આપણને જીવનમાં ત્રણ-ચાર પ્રકારના મિત્ર મળે, જેમાંથી કેટલાક આપણને અકસ્માતે મળ્યા હોય તો અમુકને આપણે સામેથી આવકાર્યા હોય. કેટલાક આપણા ‘થાળીમિત્ર’ હોય. આવા મિત્ર માત્ર ખાતી-પીતી વખતે આપણી સમક્ષ પ્રગટે એટલે કે આનંદ-ઉત્સવ વખતે જ નજરે ચઢે. કેટલાક ‘તાલીમિત્ર’ હોય છે જે આપણી ‘હાએ હા’માં ‘હા’નો સૂર પૂરાવે અર્થાત એ આપણને રાજી રાખવા ખુશામત કરે…. એ જ રીતે મિત્રનો જે ત્રીજો પ્રકાર છે એ છે ‘વનમાળી મિત્ર‘ એટલે કે એ પ્રકારના લોકો જે તમારી આસપાસ આનંદ- કિલ્લોલનો માહોલ-બગીચો ખડો કરે પછી તમને કે કોઈને ખલેલ કર્યા વગર એમાં પ્રવેશે…

– તો આ બધું જાણ્યા પછી ‘હકીકતમાં કોઈ એક વ્યક્તિને વધુમાં વધુ અને ઓછામાં ઓછા કેટલા મિત્ર હોવા જોઈએ?’ એવો પ્રશ્ન જાગે એ સ્વાભાવિક છે. આનો ઉત્તર અનેક મનોચિકિત્સક – સમાજશાસ્ત્રીઓએ પોતપોતાની રીતે આપ્યો છે. તાજેતરમાં ‘ ઓક્સફર્ડ યુનિવર્સિટી’ના પ્રોફેસર રોબિન ડનબારે એક તલસ્પર્શી સંશોધન કરીને જે તારણ કાઢ્યું છે એ રસપ્રદ છે. પ્રો. ડનબાર કહે છે કે લોકો ભલે કહે કે ‘મારે તો ઢગલાબંધ મિત્રો છે’ પણ કોઈ વ્યક્તિ ગમે તેટલી જાણીતી કે વિખ્યાત હોય તેમ છતાં માનવ મગજ-બ્રેન વધુમાં વધુ ૧૫૦ જ લોકોને મિત્ર તરીકે સ્વીકારવાની ક્ષમતા ધરાવે છે. બાકીના કહેવાતા મિત્રો મસ્તિષ્કની દ્રષ્ટિએ માત્ર  ‘ઓળખાણ-પિછાણ’ પૂરતા જ હોય છે…!

હવે ધારી લો કે વિજ્ઞાને તો આપણને કહી દીધું કે કોઈ ૧૫૦થી વધુ દોસ્ત ધરાવી ન શકે તો સવાલ એ થાય કે મિત્ર કેવા હોવા જોઈએ અને ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ …? પ્રશ્ન પેચીદો છે. આમ છતાં, એનો જવાબ પણ કેટલાક ચુનંદા મનોવિજ્ઞાની-સમાજશાસ્ત્રીઓએ એમની રીતે આપ્યા છે. હા, એ બધા એક વાતથી સહમત છે કે માનવીનું માનસિક બંધારણ – એનો ઉછેર અને આસપાસના માહોલ પર એના કેવા પ્રકારના મિત્રો હશે એનો આધાર હોય છે. આને ધ્યાનમાં રાખીને પાંચેક પ્રકારની શ્રેણીના મિત્રો હોવા જોઈએ એવી સલાહ મનોનિષ્ણાતો આપે છે. અલબત્ત, આમાં થોડું ૧૯-૨૦ કે આગળ -પાછળ થઈ શકે. એ મિત્રોને આ રીતે શ્રેણીબધ્ધ ગોઠવી શકાય…

સદાબહાર મિત્ર…તમારી કભી ખુશી-કભી ગમ વખતે એક સાદે જે ખડો થઈ જાય. ક્લાકો સુધી એ તમારી વાત સાંભળે. કોઈ પણ જાતની એ ઊલટતપાસ ન કરે. તમે ખુશ હો તો એ તમારા કરતાં વધુ રાજીપો વ્યકત કરે. તમે કોઈ વાતે દુ:ખી હો તો એ તમને ખ્યાલ પણ ન આવે એ રીતે લંગર નાખીને તમને ગમગીનીના દરિયામાંથી બહાર લઈ આવે. એની સાથે કોઈ કામ-ધંધા વગર પણ કલાકો વીતાવવાનું ગમે તેવો એ મિત્ર.…

પથદર્શક મિત્ર…આવા દોસ્ત તમારા કરતાં અનેક વાતે વધુ અનુભવી હોય છે. સ્થિતિ-પરિસ્થિતિ કોઈ પણ હોય પણ એની સલાહ ઉપરછલ્લી નથી હોતી. એના અનુભવના નિચોડ જેવી હોય છે. દૂરના કે નજીક્ના સમયમાં કેવા સંજોગ સર્જાઈ શકે એ આગોતરા પારખીને તમારી ખૂબી- ખામી અનુસાર આ મિત્ર તમારો અચ્છો માર્ગદર્શક પુરવાર થઈ શકે. મનોચિકિત્કો આવી વ્યક્તિને ‘લાઈફ કોચ’ ફ્રેન્ડ તરીકે ઓળખાવે છે….

મિસ્ટર ધીરજકુમાર…અમુક મિત્રને તમે આ નામે બોલાવી શકો કારણ કે એ વધુ ઠરેલ અને ધીરગંભીર હોય છે. તમે અમુક સંજોગમાં સહારાના રણની જેમ ઉકળી પડો પણ તમારો એ મિત્ર હીમાચ્છાદિત હિમાલય કરતાંય વધુ ઠંડોગાર રહે. એ બૉક્સિંગ પ્રેકટિસમાં વપરાતી પંચિંગ બેગ જેવા હોય છે. તમારો ઉકળાટ નીકળી જાય ત્યાં સુધી એ બધું શાંતિથી સાંભળી લે. વચ્ચે કયારેક એ એકાદ ભેદી સ્મિત પણ ફરકાવે અને છેલ્લે એ જે સલાહ કે સૂચન કરે એ મોટાભાગે સો ટચના સોના જેવું જ કિંમતી ને ઉપયોગી હોય છે….

‘શમ્મી કપૂર’ મિત્ર… ૧૯૫૦-૬૦ના દાયકામાં અભિનેતા શમ્મી ક્પૂર ‘રીબેલ સ્ટાર’ તરીકે ઓળખાતા, કારણ કે એ જમાનાના અભિનેતાઓની સરખામણીમાં એમણે જે પ્રકારની ફિલ્મો કરી એના પરિણામે એમની ગણના ‘બળવાખોર’ તરીકે થતી. …આપણા પણ કોઈ કોઈ મિત્ર આવા જ હોય છે. આવા દોસ્ત અને આપણા વચ્ચે સ્વભાવ અને મિજાજનો એવો વિરોધાભાસ હોય છે કે બધાને નવાઈ લાગે કે આ બન્ને મિત્ર કઈ રીતે બન્યા?! એ હંમેશાં મારફાડના મિજાજમાં હોય છે. કોઈ પણ પરિસ્થિતિમાં એનો લડાયક સ્વભાવ ક્યારેક મુશ્કેલી પણ ઊભી કરે છતાં મિત્રને એ એવા સચોટ ઉકેલ દેખાડે કે તકલીફમાંથી અચૂક છૂટકારો મળે. શુષ્ઠુ શુષ્ઠુ વાત કરતાં દોસ્તો વચ્ચે આવા એકાદ બળવાખોરની પણ જરૂર હોય છે જે જરૂર પડે તો તમને પણ ‘લડવા’ માટે ઉશ્કેરે …!

અક્કલદાર યાર… જે વર્ષોથી તમારી સાથે હોય-તમારા જીવનના વિભિન્ન તબક્કાથી પરિચિત હોય એવા કેટલાક બુધ્ધિશાળી મિત્ર પોતાની કાબેલિયતથી તમારા પ્રશ્નોના ઉકેલ માટે લાવી દેતા હોય છે અને આવી પરિસ્થિતિ ફરી સર્જાય તો શું કરવું એ પણ તમને પરોક્ષ રીતે શીખવે…. સો વાતની એક વાત આવા ફાઈવ ટાઈપના ફ્રેન્ડ જો તમારી અડખે-પડખે હોય તો દુનિયા ભલે જખ મારે…!

Most Popular

To Top