Madhya Gujarat

નડિયાદમાં ફાયર NOC વિનાની ૬ બિલ્ડિંગ સીલ કરવા આદેશ

નડિયાદ: નડિયાદ શહેરમાં ફાયર સેફ્ટીની સુવિધા અને એન.ઓ.સી વગર ધમધમતી ૬ હાઈરાઈસ મિલ્કતોને સીલ મારવાનો હુકમ ગાંધીનગરથી કરવામાં આવ્યો છે. જેને લઇને પાલિકામાં અને બિલ્ડરોમાં ચિંતા જોવા મળી રહી છે.  દિવસભરની ચર્ચાઓ અને બેઠકો બાદ પણ પાલિકા તંત્ર દ્વારા મોડી સાંજ સુધી આ હાઈરાઈસ બિલ્ડીંગો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી  ન હતી.  ગાંધીનગરના ગુજરાત રાજ્યના અગ્નિ નિવારણ વિભાગના રિજનલ ફાયર ઓફિસર દ્વારા નડિયાદ નગરપાલિકાને ફાયર સેફ્ટીની સુવિધા ઉભી ન કરનારા ૬ હાઇરાઇઝ રહેણાંક અને વાણિજ્ય મિલ્કતોને સીલ મારવાની સૂચના પત્ર દ્વારા આપવામાં આવી છે.

જેમાં નડિયાદ શહેરમાં શ્રેયસ ગરનાળા પાસે આવેલા શ્રેયસ લાલવાણી એમ્પાયર, સરદારના સ્ટેચ્યુ પાસે આવેલા પ્લેટીનમ પ્લાઝા, ખેતા તળાવની સામે આવેલા બેવર હિલ્ક આર્ક, નહેર પાસે આવેલા પ્રાઈમ સ્ક્વેર, સ્ટેશન રોડ પર આવેલા કર્મવીર સિલ્વર સાઈટ અને મરીડા રોડ ઉપર આવેલા અલમદીના એપાર્ટમેન્ટમાં વારંવારની સૂચના બાદ પણ ફાયર સેફ્ટીની પરમીશન લેવાની તેમજ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવાની કોઇ તસ્દી લેવામાં આવી ન હોવા ઉપરાંત તંત્ર દ્વારા પાઠવવામાં આવેલી નોટિસોને પણ ગંભીરતાથી લીધી ન હોવાનું માલુમ પડ્યું હતું.

જેને લઇને રિજનલ ફાયર ઓફિસર દ્વારા આ છએ મિલ્કતોમાં વિજ, પાણી અને ગટર કનેક્શન કાપી નાખવાનો હુકમ કરવામાં આવ્યો છે.  જેને લઇને પાલિકા તંત્ર અસમંજસમાં મુકાયું હતું અને જે તે મિલ્કતના માલિકો સાથે મિટીંગ કરી ડેમેજ કંટ્રોલના પ્રયાસો હાથ ધર્યા હતા. નડિયાદ નગરપાલિકા દ્વારા કરવામાં આવનારી કામગીરીની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરવાની સાથે સાથે કામગીરી કર્યાના પુરાવા ગાંધીનગરની કચેરીએ પણ મોકલવાની સૂચના આપવામાં આવી છે.

તંત્રના કર્મચારીઓ ફોન આવ્યા બાદ કામગીરી કર્યા વગર રવાના

આ કિસ્સામાં પાલિકા તંત્ર દ્વારા કરાતી કામગીરીની અપડેટ મેળવવા માટે ગુજરાત મિત્રની ટીમ સ્થળ પર પહોંચી હતી. જેમાં ફાયર વિભાગના બે કર્મચારીઓ બાઈક લઈને બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં લાલવાણી એમ્પાયર બિલ્ડીંગ ખાતે પહોંચ્યાં હતાં. જોકે, એક ફોન આવ્યા બાદ બંને કર્મચારીઓ ત્યાંથી નીકળીને પાલિકા કચેરી પહોંચ્યાં હતાં. બાદમાં સાંજે ચારેક વાગ્યાના અરસામાં ફરી વખત ફાયર વિભાગના બે કર્મચારીઓ બાઈક લઈને લાલવાણી એમ્પાયર બિલ્ડીંગ ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં બિલ્ડીંગના પાછળના ગેટ પાસે આવેલ બિલ્ડરની ઓફિસમાં થોડો સમય બેઠક કર્યાં બાદ બંને જણાં બાઈક લઈને પરત નીકળી ગયાં હોવાનું નજરે પડ્યું હતું. આમ, મોડી સાંજ સુધી એકપણ મિલ્કત સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેને પગલે પાલિકા તંત્રની કામગીરી ઉપર સવાલ ઉઠવા પામ્યાં છે. પાલિકા દ્વારા ડેમેજ કંટ્રોલના પણ સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સીલ મારવાની કામગીરી ચાલુ છે : સીઓ

આ અંગે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર રૂદ્રેશ હુદડનો ટેલિફોનિક સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતું કે હાલ, પાલિકાની ટીમ દ્વારા બિલ્ડીંગોને સીલ મારવાની કામગીરી ચાલી રહી છે. પાલિકાની ટીમ અત્યારે ફિલ્ડ પર જ છે.

Most Popular

To Top