Madhya Gujarat

મતદારોના ભાવિ ખુલ્યાં : ગામોમાં વિજેતા ઉમેદવારોએ ઉજવણી કરી

નડિયાદ: રવિવારે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૮૧ ટકાથી પણ વધુ મતદાન થયું હતું. ૪૮ કલાક બાદ મંગળવારે ઉમેદવારોનું ભાવિ ખુલ્યું હતું. સવારથી શરૂ થયેલી મતગણતરીમાં એક પછી એક ગામના વિજેતા સરપંચોના નામ જાહેર થતાંની સાથે જ ટેકેદારો ગેલમાં આવીને ઝુમી ઉઠતાં જોવા મળ્યા હતા. તાલુકા મથકોએ જ્યાં મતગણતરી ચાલી રહી હતી તે સ્થળે લોકોની ભારે ભીડ જામી હતી. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તા તૈનાત હતો. નડિયાદ શહેરમાં બાસુંદીવાલા હાઇસ્કુલમાં મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે મોટી સંખ્યામાં લોકો પારસ સર્કલ પાસે ભેગાં થયા હતા. સરપંચ પદના ઉમેદવારોની જીત થતાંની સાથે જ ઢોલ વગાડીને, ગુલાલની છોળો ઉડાડીને વિજયોત્સવ કરવામાં આવતો હતો.

ઉમેદવારો અને સમર્થકોની ભારે ભીડને કારણે મુખ્ય માર્ગ પર ટ્રાફિકની વિકટ સમસ્યામાં નગરજનો પરેશાન થઇ ગયા હતા. જિલ્લામાં સવારથી શરૂ થયેલી મતગણતરીમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૨૧૦ ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થયા હતા. સૌથી વહેલું વસો તાલુકાની ૧૪ ગ્રામ પંચાયત માટેનું પરિણામ જાહેર થયું હતું. મતની કિંમત ઉમેદવારોને સારી રીતે ખબર પડી હતી. જેમાં ગળતેશ્વર તાલુકાના મીઠાના મુવાડાના ઉમેદવાર માત્ર એકજ મતથી જ્યારે મહુધાના શેરીના સરપંચ બે મતથી વિજેતા બન્યા હતા. મોડી સાંજ સુધી જિલ્લાભરમાં નાની તકરારોને બાદ કરતાં મોડી સાંજ સુધી શાંતિપૂર્ણ રીતે મતગણતરીની કામગીરી ચાલી હતી.

Most Popular

To Top