Charchapatra

પરીક્ષાઓમાં પેપરલીક કૌભાંડ

કૌભાંડરૂપ સાબિત થતી પ્રવેશ પરીક્ષાઓ હદ વટાવી રહી છે.  જો દરેક ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટે પરીક્ષાઓ લેવામાં આવતી હોય તો ત્યાં સુધી પહોંચવા માટે જે ડીગ્રી મેળવવી શું કામની? આ પ્રવેશ પરીક્ષાઓ બસ ખાલી પૈસા કમાવાનું સરકાર અને સરકારી કર્મચારીઓનું સાધન માત્ર બની રહી છે.  પરીક્ષાઓ માટેની રજીસ્ટ્રેશન ફી લઈને સરકાર કમાય છે અને પરીક્ષાના પ્રશ્નપત્ર ફોડીને સરકારી કર્મચારીઓ પોતાનાં ખીસાં ભરે છે. મારા મત મુજબ તો આ પ્રવેશ પરીક્ષાઓ જ બંધ કરવી જોઈએ. શિક્ષક ભરતી માટે લેવાનાર ટેટ-ટાટની પરીક્ષાઓ પણ માત્ર એક ફોર્માલિટી છે. માત્ર પ્રવેશ પરીક્ષાઓ યોજીને ભરતી પ્રક્રિયા બહાર ન પાડતી સરકાર શું પરીક્ષા આપનારને મૂર્ખ સમજે છે અને વળી વર્ષોથી ચાલી આવતો પેપર ફૂટવાનો  દોર તો ચાલુ જ હોય. પરંતુ યાદ રાખજો કે પેપર ફોડીને પૈસા કમાનારને પરીક્ષાનો મતલબ કદાચ ન ખબર હોય, પરંતુ પરીક્ષા માટે તનતોડ મહેનત કરનાર માટે એ એક અભિશાપથી ઓછું નથી. પેપર ફોડવાનો આ ગંદો ખેલ બંધ કરાવવામાં અને પેપર ફોડનાર સામે કોઇ ઠોસ કાર્યવાહી કરવામાં જો સરકાર નિષ્ફળ જતી હોય તો આવી પ્રવેશ પરીક્ષાઓ બંધ કરી દેવી જોઈએ.
અમરોલી          – પાયલ વી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top