Charchapatra

શિક્ષક અને વાલી

દરેક માતાપિતા એવું ઇચ્છતાં હોય કે પોતાના બાળકનો શાળામાં સર્વાંગી વિકાસ થાય અને જાણકારીથી વાકેફ રહે તે માટે વાલીઓએ પણ શાળાની દરેક પ્રવૃત્તિ પ્રત્યે જાગૃત રહેવું પડશે. તે માટે શાળા, માતા-પિતા અને બાળકનો સહિયારો પ્રયાસ મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે શિક્ષણ માત્ર સંતાનનું નહિ, પરંતુ કુટુંબનું કાર્યક્ષેત્ર બન્યું છે અને તે માટે શિક્ષક અને વાલી વચ્ચેનો સંપર્ક અને સંવાદ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. વાલી સાથેના નિયમિત સંપર્કથી શિક્ષણ બાળકોની જરૂરિયાતો અને ટેવો બાબતે જાણી શકે છે, જે બાળકના શિક્ષણના પ્રશ્નોને ઉકેલવામાં મદદરૂપ બને છે.

શિક્ષક અને વાલી  બન્નેના સહકારથી જ બાળકનું ભવિષ્ય બનશે. આજનો જમાનો ફકત હરીફાઈનો જમાનો થઇ ગયો છે. આજે ભણતરને હરીફાઈમાં ફેરવ્યું છે. બાળકને આવડે કે ન આવડે, પરંતુ પ્રથમ ક્રમ લાવવો એવું વાલીઓ  ઇચ્છે છે. પરંતુ બાળકના અભ્યાસમાં જેટલો શિક્ષકનો ફાળો છે એટલો જ વાલીઓનો  હોવો જોઈએ. શિક્ષક અને વાલી બંનેના કેન્દ્રમાં બાળક જ છે. જેના સર્વાંગી વિકાસની જવાબદારી આ બંને પર રહેલી છે. શાળા અને કુટુંબ ભલે એકબીજાથી ભૌગોલિક અંતર ધરાવે, પણ ઉત્તમ નાગરિકોના નિર્માણમાં બંનેના વિચારો, પ્રવૃત્તિઓ વચ્ચેનું અંતર ન્યુનતમ રહે એ જ આદર્શ સ્થિતિ છે.
સુરત     – પટેલ આરતી. જે.            – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top