Dakshin Gujarat

વાપીમાં ગરબાનું આયોજન કરી આયોજક ફરાર

વાપી(Vapi) : શરદ પૂનમ(Sharad Poonam)નાં દિને અનેક સ્થળે ગરબા(Garba)ના આયોજનો(Organize) કરાયા હતા. પરંતુ વાપીમાં જે ઘટના બની તેણે તમામને ચોંકાવી દીધા હતા. વાપીના બાઠેલા પાર્ટી પ્લોટ ખાતે રવિવારે શરદ પૂનમના દિવસે ગરબા ક્વીન કેરવી બૂચના સંગાથે ગરબાનું આયોજન છેલ્લી ઘડીએ રદ કરી આયોજક ભાગી ગયા હોવાની ચોંકાવનારી વિગતો મળી રહી છે. બાઠેલા પાર્ટી પ્લોટના સંચાલક દ્વારા વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં જઈને એક ફરિયાદ આપી હતી. જેના સંદર્ભે આ ગરબાના આયોજન માટે વાપી પ્રમુખ રેસિડેન્સીના ફ્લેટ નંબર એફ 405, ચલામાં રહેતા રામ કુમાર દવે દ્વારા વાપી ચલા સ્થિત બાઠેલા પાર્ટી પ્લોટ બુક કરાવ્યું હતું. તેમજ આ પાર્ટી પ્લોટ સંચાલકની મદદથી ઓરર્કેસ્ટ્રા, ટેન્ટ, લાઈટિંગ વિગેરે બુક કરાવ્યું હતું. ગરબા ક્વીન કેરવી બૂચને પણ રવિવારના દિવસ માટે બુક કર્યા હતા. આ ઇવેન્ટ માટે દરેકને થોડી રકમ આપીને બુક કર્યા હતા. થોડી રકમથી બધાને ભરોસામાં લઈને શરદપૂનમની ઈવેન્ટ નક્કી કરવામાં આવી હતી. પરંતુ આયોજન છેલ્લી ઘડીએ રદ કરી દેવાયું હતું.

  • શરદ પૂનમ નિમિતે ગરબાનું કરાયું હતું આયોજન
  • ગરબા ક્વીન કેરવી બૂચના સંગાથે ગરબાનું આયોજન છેલ્લી ઘડીએ રદ કરી દેવાયું
  • લોકો પાસે પાસના નામે 16 થી 18 લાખ ઉઘરાવી લીધા હતાં
  • આયોજકે પ્રભાવશાળી અંગ્રેજી બોલી લોકોને ભોળવી લીધા

આ કાર્યક્રમના ઓનલાઇન પાસ પણ વેચી એના પૈસા ભેગા કરી ઇવેન્ટના એક દિવસ પહેલા વાપી ચલાના આયોજક દવે તેના ભાડે લીધેલા ફ્લેટમાંથી ભાગી ગયો હતો. તેનો ફોન પણ બંધ આવતા પાર્ટી પ્લોટ સંચાલક તેના ફ્લેટ પર જઈને તપાસ કરતા ફ્લેટ લોક હોવાનું જણાયું હતું. જેથી આ બાબતની જાણ તરત જ વાપી ટાઉન પોલીસ સ્ટેશન પર જઈને પોલીસ અધિકારીને કરી હતી. આ અંગેની ભાઠેલા પાર્ટી પ્લોટ શ્રીજી ઈવેન્ટસના સંચાલક સમીર દઢાણીયા અને સહયોગ હેલ્પીંગ હેન્ડ ટ્રસ્ટના યતીનભાઈ શાહ વાપી ટાઉન પોલીસને એક અરજીથી આપી હતી. પોલીસ અધિકારીને આખી વાત જણાવી હતી. ઇવેન્ટ યોજનાર વ્યક્તિ રામ કુમાર દવે પ્રભાવશાળી અંગ્રેજી બોલે છે તેણે બધા લોકોને ભોળવી 16 થી 18 લાખનો ચૂનો લગાવી ભાગી ગયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જોકે પોલીસ અરજીમાં કોઈ રકમનો ઉલ્લેખ કર્યો નથી.

Most Popular

To Top