Gujarat

રાજ્યમાં ગરમીના આકરા તેવર, 5 દિવસ માટે ઓરેન્જથી યલો એલર્ટ જાહેર

ગાંધીનગર: રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જથી (Orange) યલો (Yellow) એલર્ટ (Alert) જારી કરાયું છે. રાજ્યમાં અત્યારથી જ ઉનાળો આકરો પુરવાર થઈ રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા તથા કચ્છમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. જ્યારે ઉત્તર ગુજરાત (Gujarat) તથા સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જારી કરાયું છે. શનિવારે દિવસ દરમ્યાન ગુજરાતમાં કંડલા પોર્ટ તથા કંડલા એરપોર્ટ તથા સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ડીસા, અમરેલી અને રાજકોટમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજ્યમાં એકંદરે 45થી 44 ડિગ્રી ગરમીના પગલે બપોરના 12થી 5 વાગ્યા સુધી મહાનગરોના રાજમાર્ગો સુમસામ ભાસી રહ્યા છે. રાજમાર્ગો પર વાહનવ્યવહાર લગભગ નહીંવત થઈ જાય છે. સાંજના સમયે શેરડીના રસ, બરફના ગોળા તથા આઈસક્રીમ પાર્લર પર લોકોની ભીડ જોવા મળી રહી છે. લીંબુનું પણ વેચાણ વધી જવા પામ્યું છે. તીવ્ર ગરમીની જનજીવન પર અસર પડી રહી છે.

સુરત શહેરમાં ગઈકાલે મહત્તમ તાપમાન વધુ અડધો ડિગ્રી ગગડ્યું હતું. છતાં લોકોને ગરમીના આકરા તેવરનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં ગરમી વધારે ભયાનક સ્વરૂપ લઈ રહી છે. દિનબદિન તાપમાનમાં સામાન્ય વધઘટ છતા સુર્ય દેવ વધુને વધુ તપી રહ્યા છે. શહેરમાં મહત્તમ તાપમાન અડધો ડિગ્રી ઘટીને ૩૪.૪ ડિગ્રી નોંધાયું હતું. તાપમાન ઘટવા છતા ગરમીથી લોકો આકુળ વ્યાકુળ થઈ ઉઠ્યા હતા. જ્યારે લઘુત્તમ તાપમાન ૨૬.૫ ડિગ્રી નોંધાયું છે. હવામાં ૫૬ ટકા ભેજની સાથે ૯ કિમીની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાયો હતો. ભારે ભેજવાળા પવનોને લીધે સવારથી જ લોકો પરસેવે રેબઝેબ થયા હતા. પંખા નીચે પણ લોકોને પસીનો આવે એવી ગરમીનો સામનો આજે લોકોએ કર્યો હતો.

પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, અમરેલી અને કચ્છમાં હીટ વેવનું યલો એલર્ટ જારી કરાયું છે. એટલે કે અહીં ગરમીનો પારો 41 થી 43ની વચ્ચે રહેશે. આ જિલ્લાઓમાં હીટ વેવની અસર રહેશે.

અમદાવાદ એરપોર્ટ કેમ્પસમાં આવેલી હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે આજે અમદાવાદ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, વડોદરા, અમરેલી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, સુરેન્દ્રનગર અને કચ્છમાં અતિ તીવ્રથી તીવ્ર હીટવેવની અસર જોવા મળી હતી. રાજ્યના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 44 ડિ.સે., ગાંધીનગરમાં 44 ડિ.સે., ડીસામાં 44 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 42 ડિ.સે., વડોદરામાં 43 ડિ.સે., સુરતમાં 35 ડિ.સે., વલસાડમાં 35 ડિ.સે., ભૂજમાં 42 ડિ.સે., નલિયામાં 39 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 45 ડિ.સે., કંડલા પોર્ટ 45 ડિ.સે., અમરેલીમાં 44 ડિ.સે., ભાવનગરમાં 41 ડિ.સે., રાજકોટમાં 44 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 45 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયું હતું.

Most Popular

To Top