Madhya Gujarat

વિરોધ પક્ષ કોઇ કામ કરી રહ્યો નથી : મહેસૂલ મંત્રી

આણંદ : આણંદમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં મહેસુલી મેળો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં અરજદારોએ તેમના પ્રશ્નો રજુ કર્યાં હતાં. જેનો સ્થળ પર જ હકારાત્મક નિર્ણય લેવાય તે માટે ખાસ અલગ અલગ વિભાગના ડેસ્ક ઉભા કરવામાં આવ્યાં હતાં. આ મેળાની વ્યવસ્થા સંદર્ભે મહેસુલી મંત્રીએ આણંદ કલેક્ટરની ટીમને બિરદાવી હતી. જોકે, તેઓએ પોતાના પ્રવચનમાં સરકારની કામગીરીના વખાણ કરતાં વિપક્ષને ટોણો મારતાં જણાવ્યું હતું કે, વિપક્ષ કોઇ કામ કરી રહ્યો નથી.

આણંદ ખાતે રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વિપક્ષનું કામ સરકારની ભુલો બતાવવાનું હોય છે. પરંતુ સરકારની કામગીરી જોઈને તેઓ કશુ બોલી શકતાં નથી. આણંદના આંગણે યોજાયેલા મહેસુલી મેળામાં 300 પ્રશ્નોમાંથી 200 પ્રશ્નોનો હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં આવેલા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. કચ્છમાં ભૂકંપ દરમિયાન 86 ગામનાં એક લાખ મકાન પડી ગયાં હતાં. જેને સરકારી, બિનસરકારી, એનજીઓએ મકાન બાંધી આપ્યાં હતાં. જોકે, બે દાયકાથી તેમને માલિકીના પત્રકો મળ્યો નહતાં. આ બાબતે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુચના આપતાં માલિકીના પત્રકો આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્રણ મહિનામાં આ કામગીરી પૂર્ણ થઇ જશે. આ ઉપરાંત કચ્છમાં સાંથણીની 984 એકર જમીન 285 લાભાર્થીને આપવામાં આવી છે. તેવી જ રીતે ઇંટના ભઠ્ઠા માટે હંગામી એનએ કરવા માટેની અરજી ઓનલાઇન કરતાં દસ હજાર ભઠ્ઠાવાળાને ફાયદો થયો છે.  આપણે ડિઝીટલ થવું પડશે. આધુનિકતા તરફ જવું પડશે. જેથી ખર્ચ ઘટશે, ધક્કા બચશે.

આ કાર્યક્રમના પ્રારંભમાં કલેકટર મનોજ દક્ષિણીએ સૌને આવકારી મહેસૂલી મેળાની રૂપરેખા આપી મહેસૂલી સેવામાં આવેલા પરિવર્તન અને સુધારાઓથી નાગરિકોની મુશ્કેલીઓનું ઝડપથી નિરાકરણ થઇ રહ્યું હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યો સર્વ મયુરભાઇ રાવલ અને ગોવિંદભાઇ પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમાર, અધિક મુખ્ય સચિવ કમલ દયાની, પૂર્વ સાંસદ લાલસિંહ વડોદિયા, પ્રદેશ અગ્રણી અમીતભાઇ ઠાકર, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલ, અગ્રણીઓ સર્વ રમણભાઇ સોલંકી, મયુરભાઇ સુથાર, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન પ્રદિપભાઇ, જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ સહિત અધિકારીઓ-કર્મચારીઓ તથા અરજદાર નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

માલદારી સમાજ દ્વારા મંત્રીનું સન્માન કરાયું
આ પ્રસંગે માલધારી સમાજના વર્ષો જૂના ખેડૂત ખરાઇના પ્રમાણપત્રના પ્રશ્નનું નિરાકરણ આવતાં મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીનું માલધારી સમાજ દ્વારા તેમના પરંપરાગત પહેરવેશ બંડી-પાઘડી અને ડાંગ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. મહેસૂલ મંત્રીએ જિલ્લામાંથી મહેસૂલ વિભાગને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત અર્થે આવેલ નાગરિકોને એક પછી એક એમ ક્રમાનુસાર સ્ટેજ પર બોલાવીને સંબંધિત અધિકારીઓને સાથે રાખી તેમના પ્રશ્નોને વાચા આપી 50 ટકાથી વધુ પ્રશ્નોના હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યા હતા.

Most Popular

To Top