Business

ડિગ્રી લેનારાઓમાંથી માત્ર 8.25 ટકા જ સ્કિલ્ડ!, શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવું જરૂરી

તાજેતરમાં નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા ‘Reimagining Skilling for Viksit Bharat@2047’ નામના અહેવાલે દેશના શિક્ષણ ક્ષેત્રે ભયઘંટડી વગાડી દીધી છે. અહેવાલ અનુસાર, દર વર્ષે દેશની કોલેજો અને યુનિવર્સિટીઓમાંથી લાખો વિદ્યાર્થીઓ હાથમાં ડિગ્રી મેળવીને બહાર નીકળે છે, પરંતુ તેમાંથી માત્ર ૮.૨૫ ટકા સ્નાતકો જ પોતાની લાયકાત અને કૌશલ્ય મુજબની યોગ્ય નોકરી મેળવવા માટે સક્ષમ છે! આ પરિસ્થિતિ માત્ર આંકડાકીય વિસંગતતા નથી, પરંતુ આપણા દેશના ભવિષ્ય માટે એક ગંભીર ચિંતાનો વિષય છે.

આજના સમયમાં ભણેલા-ગણેલા યુવાનો પાસે ઉચ્ચ ગુણ ધરાવતી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ્સની કોઈ કમી નથી. પરંતુ, જ્યારે વાત વ્યવહારુ જ્ઞાન, નિર્ણાયક વિચારસરણી અને ઉદ્યોગોની વર્તમાન જરૂરિયાતો મુજબની સ્કિલ્સ પૂરી પાડવાની આવે છે, ત્યારે મોટાભાગના યુવાનો પાછળ રહી જાય છે. હાલમાં દેશમાં BA, BSc અને BCom જેવા પરંપરાગત અને સામાન્ય અભ્યાસક્રમોમાં ૨ કરોડથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ યુવાનો પાસે સૈદ્ધાંતિક જ્ઞાન તો હોય છે, પરંતુ શ્રમ બજારમાં માંગવામાં આવતા વ્યવસાયિક કૌશલ્યનો અભાવ જોવા મળે છે. એક રિપોર્ટ મુજબ, નવેમ્બર ૨૦૨૪ થી જુલાઈ ૨૦૨૫ વચ્ચે માત્ર ૫૫,૦૦૦ સરકારી જગ્યાઓ માટે ૧.૮૬ કરોડથી વધુ યુવાનોએ અરજીઓ કરી હતી. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ખાનગી ક્ષેત્રમાં તકો હોવા છતાં યોગ્ય કૌશલ્યના અભાવે યુવાનો ત્યાં જોડાઈ શકતા નથી અને સરકારી નોકરીઓ માટે જંગી અરજીઓનો ખડકલો થાય છે.

હાલના સમયમાં ભણેલા યુવાનોમાં કૌશલ્યનો અભાવ હોવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે: આપણી મોટાભાગની શાળા અને કોલેજો હજુ પણ ગોખણપટ્ટી અને કાગળ પરની પરીક્ષાઓ પર નિર્ભર છે. વર્ગખંડોમાં જે ભણાવવામાં આવે છે તે વાસ્તવિક કોર્પોરેટ કે ઔદ્યોગિક જગતના પડકારોથી ઘણું અલગ હોય છે. અભ્યાસક્રમ સમયસર અપડેટ થતો નથી. ઉચ્ચ શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન આપવામાં આવે છે. ઉદ્યોગો સાથેનું સીધું જોડાણ નહિવત્ જેવું હોય છે, જેના કારણે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ તાલીમ કે લાઇવ પ્રોજેક્ટ્સ પર કામ કરવાનો અનુભવ મળતો નથી. આજના યુગમાં માત્ર ટેકનિકલ જ્ઞાન પૂરતું નથી. સંચાર કૌશલ્ય, ટીમવર્ક, પ્રોબ્લેમ સોલ્વિંગ, ક્રિટિકલ થીંકિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે ડિજિટલ સાક્ષરતા જેવી બાબતો દરેક ક્ષેત્રમાં જરૂરી બની છે, પણ કોલેજોમાં આ પાસાઓ પર પૂરતો ભાર મૂકવામાં આવતો નથી.

હવે માત્ર તાલીમ પામેલા લોકોની સંખ્યા ગણવાને બદલે તેમને ખરેખર કેટલી નોકરીઓ કે વેતન-વૃદ્ધિ મળી તેના આધારે યોજનાઓની સફળતા માપવાની ભલામણ કરવામાં આવી છે. નીતિ આયોગ દ્વારા ૫ મુખ્ય સુધારાઓનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે: પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણથી જ વિદ્યાર્થીઓને વોકેશનલ અને સ્કિલ-બેઝ્ડ શિક્ષણ આપવું, ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણમાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ વધારીને ખાનગી ક્ષેત્રને સીધું સાંકળવું, પરિણામ-સંકળાયેલ અને ઉદ્યોગ-સમર્થિત તાલીમ કાર્યક્રમો શરૂ કરવા, દરેક વિદ્યાર્થી માટે અનિવાર્ય એપ્રેન્ટિસશીપ સુનિશ્ચિત કરવી જેથી તેમને પ્રત્યક્ષ અનુભવ મળે, યોગ્ય સમયે વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે યોગ્ય માર્ગદર્શન અને જાગૃતિ પૂરી પાડવી. આ ઉપરાંત, દરેક વ્યક્તિ માટે ‘ડિજિટલ સ્કિલ્સ પાસપોર્ટ’ લાવવાનો પ્રસ્તાવ અત્યંત આવકારદાયક છે. આ પાસપોર્ટમાં વ્યક્તિની તમામ તાલીમ, લાયકાત, ડિજિટલ બેજ અને કાર્યઅનુભવનો પારદર્શક રેકોર્ડ રહેશે, જે રોજગારદાતાઓ માટે પણ ઉમેદવારની સાચી ક્ષમતા ઓળખવામાં મદદરૂપ થશે.

હવે સમય આવી ગયો છે કે આપણે આપણી શિક્ષણ પ્રણાલીને ‘ડિગ્રી-ફર્સ્ટ’ મોડેલમાંથી બદલીને ‘સ્કિલ-ફર્સ્ટ’ મોડેલમાં રૂપાંતરિત કરીએ. યુનિવર્સિટીઓએ પોતાના અભ્યાસક્રમો ઉદ્યોગ જગતના તજજ્ઞો સાથે મળીને તૈયાર કરવા જોઈએ, યુવાનોએ પણ માત્ર માર્કશીટના ટકા પાછળ દોડવાને બદલે નવી ટેકનોલોજી, કૌશલ્ય અને પ્રશ્નો ઉકેલવાની ક્ષમતા કેળવવા પર ધ્યાન આપવું પડશે.

ભારત પાસે વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી છે. જો આ યુવાધનને યોગ્ય કૌશલ્ય અને દિશા આપવામાં આવે, તો ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી આર્થિક મહાસત્તા બની શકે છે. પરંતુ જો આ ભણેલા યુવાનો કૌશલ્યના અભાવે બેરોજગાર રહેશે, તો આ વસ્તીવિષયક લાભ એક મોટો સવાલાત્મક પડકાર બની જશે. નીતિ આયોગનો રિપોર્ટ એ માત્ર આંખ ઉઘાડનારો નથી, પરંતુ ભવિષ્યની દિશા નક્કી કરનારો છે. કાગળ પરની ડિગ્રીઓ કરતાં ‘હાથનું કૌશલ્ય’ અને ‘મગજનો વ્યવહારુ ઉપયોગ’ જ યુવાનોને સાચો રોજગાર અપાવી શકશે. જો આપણે ‘વિકસિત ભારત@2047’ના સ્વપ્નને સાકાર કરવું હોય, તો આજથી જ શિક્ષણમાં કૌશલ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી પડશે.

Most Popular

To Top