ઓમાનમાં થયેલા ગંભીર રોડ અકસ્માતમાં એક ભારતીયનું મોત થયું છે, જ્યારે ભારતીય મૂળના નવ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત શનિવારે સુલતાન સૈયદ બિન તૈમૂર સ્ટ્રીટ પર થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, વાહનનો કાબૂ ગુમાવતાં તે રોડ પરથી નીચે ઉતરી ગયું હતું. રોયલ ઓમાન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘટનાની માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે નવ ભારતીયો ઘાયલ થયા છે. અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
રોયલ ઓમાન પોલીસના એર વિંગ દ્વારા અલ હમરા ગવર્નરેટમાંથી બે ગંભીર રીતે ઘાયલ લોકોને હવાઈ માર્ગે નિઝવા હોસ્પિટલમાં ખસેડવા માટે ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અન્ય ઘાયલોને પણ સારવાર માટે નિઝવા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે વધુ વિગતો જાહેર કરી નથી. જોકે, પ્રાથમિક માહિતી મુજબ વાહનનો કાબૂ ગુમાવતાં તે રોડ પરથી નીચે ઉતરી ગયું હતું.
આ અકસ્માત પહેલા ઓમાનમાં હવામાનને લઈને પણ ચેતવણી આપવામાં આવી હતી. તોફાની હવામાન, ભારે વરસાદ અને ધૂળને કારણે હાઇવે પર વિઝિબિલિટી ઓછી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં વાહનચાલકોને ખાસ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી હતી. હાલ અકસ્માતમાં મૃત્યુ પામેલા ભારતીયની ઓળખ અંગે વધુ વિગતો સામે આવી નથી. ઘાયલ નવ ભારતીયોની સારવાર નિઝવા હોસ્પિટલમાં ચાલી રહી છે. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.