Columns

એક પર એક ફ્રી

ગ્રીવાએ માર્કેટિંગ વિષય સાથે એમ.બી.એ. કર્યું હતું.અને તરત જ સારી કંપનીમાં જોબ મળી ગઈ હતી.ગ્રીવા સુંદર હતી અને હોશિયાર પણ અને સતત સફળતા મળતાં થોડું અભિમાન પણ હતું જે વધતું જતું હતું.અને અભિમાનની સાથે આવતા બીજા દોષ પણ તેનામાં વધતા જતા હતા.ગ્રીવા બહુ જલ્દી ગુસ્સે થઇ જતી.હંમેશા પોતનો કક્કો જ સાચો ઠેરવવા ઘરમાં અને બહાર કોઈની પણ સાથે ઝઘડી પડતી.આમ તેનું વર્તન બધા સાથે ખરાબ થતું જતું હતું.ઘરમાં કોઈને ગ્રીવાનું આવું વર્તન પસંદ ન હતું.

એક દિવસ ગ્રીવા ટી.વી.જોતી હતી અને ચેનલ બદલવા માટે  રિમોટ માંગતા ગ્રીવા તેના નાના ભાઈ ખુશ પર ગુસ્સે થઈ ગઈ.બધાએ ખુશનો પક્ષ લીધો એટલે વધુ ગુસ્સે થઇ ને રિસાઈને રીમોટ ફેંકી પોતાના રૂમમાં જતી રહી.આખો દિવસ પોતાના રૂમમાં જ રહી અને જમી પણ નહિ.મમ્મી રૂમમાં જમવાનું લઈને ગઈ તો દરવાજો ન ખોલ્યો.આખો દિવસ ગુસ્સામાં રહીને કંઈ જ તેણે ખાધું નહિ અને પછી અડધી રાત્રે તેને ઉલટીઓ થવા લાગી અને તબિયત બગડી.

મમ્મીએ તરત ઠંડુ દૂધ અને પાણી આપ્યાં. દવા આપી.ડાબે પડખે સૂવા કહ્યું અને થોડી વાર પછી સારું લાગતાં તેને થોડું ખાવા કહ્યું.ગ્રીવાએ પહેલાં ન ખાવાની જીદ કરી, પણ પછી મમ્મીએ ગુસ્સે થતાં કહ્યું, ‘ભલે તું ભણીને હોશિયાર થઇ ગઈ હોય પણ જરૂરી નથી કે તું જે કરે તે બધું જ બરાબર હોય.ચુપચાપ ખાઈ લે.’

મમ્મીનો ગુસ્સો જોઇને ગ્રીવા ચુપચાપ ખાવા લાગી.થોડું ખાધા બાદ તેને વધારે સારું લાગ્યું.મમ્મી પપ્પા અને દાદા દાદી તેની પાસે બેઠાં.પપ્પાએ કહ્યું, ‘ગ્રીવા, તું માર્કેટિંગ ભણી છે અને જાણે જ છે કે માર્કેટીંગમાં એક પર એક ફ્રી એ લોકોને આકર્ષવાનું અને કદાચ વધુ ખરીદી કરવા પ્રેરવાનું એક સફળ ગીમિક છે જેનો  પ્રયોગ  બધા જ કરે છે.’ ગ્રીવાએ કહ્યું, ‘હા, પણ તેનું અત્યારે શું છે?’

પપ્પા હસ્યા અને આગળ બોલ્યા, ‘એક પર એક ફ્રી….એ માર્કેટિંગમાં ભલે ગીમિક ગણાતું હોય પણ જીવનમાં તે ઘણા અર્થમાં એકદમ સત્ય સાબિત થાય છે.’ ગ્રીવાને કંઈ સમજાયું નહિ. મમ્મીએ કહ્યું, ‘જો તેં નાના ભાઈ પર ગુસ્સો કર્યો, જમી નહિ એટલે તને એસીડીટી થઇ ગઈ.ગુસ્સો કરવાથી તે સાથે ફ્રી માં મળી.જો ઝઘડો કરશો તો માથાનો દુખાવો સાથે મળશે.નફરત મનમાં ભરી રાખીશ તો અલ્સર થશે અને સામેવાળાની નફરત મળશે.સતત ચિંતા કરીશ તો બ્લડપ્રેશર વધી જશે.અભિમાન કરીશ તો સંબંધો છૂટી જશે.’ ગ્રીવાને પોતાની ભૂલ સમજાઈ.

આગળ દાદાએ સરસ વાત ઉમેરી, ‘દીકરા, જીવનમાં કદર કરીશ તો સંબંધો મળશે,વિશ્વાસ કરીશ તો મિત્રતા મળશે.કસરત કરીશ તો સ્વાસ્થ્ય જળવાશે.નમ્ર બનીશ તો માન મળશે. સમજણ રાખીશ તો સ્વીકાર મળશે.શાંતિ જાળવીશ તો સમૃદ્ધિ વધશે.પ્રેમ આપીશ તો ખુશીઓ એક નહિ અપાર મળશે.’ દાદાએ જીવનનું મેનેજમેન્ટ કરવાની સાચી સમજ આપી.  

આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top