Gujarat

ગુજરાતમાં અવકાશી પ્રદાર્થ પડવાની ઘટના યથાવત, ખેડાના આ ગામે વધુ એક ગોળો અવકાશમાંથી પડ્યો

ખેડા: ગુજરાતના (Gujarat) ખેડામાં (Kheda) વધુ એક રહસ્યમ્ય ગોળો (Ball) પડ્યો હોવાની વાત સામે આવી છે. ખેડાના ભૂમેલ (Bhumel) ગામમાં અવકાશમાંથી ગોળો પડવાની ઘટના બની છે. આ ઘટના બનતાની સાથે જ સ્થાનિકોમાં કૂતુહલ સર્જાયું છે. ગ્રામજનો આ ગોળાને જોવા ઉત્સુક બન્યા હતા. આ સાથે લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે એકપછી એક આવકાશમાંથી ગોળો પડી રહ્યા છે અને આ ગોળો મોટેભાગે ખેડા વિસ્તારમાં જ કેમ પડી રહ્યાં છે. લોકો આ ઘટનાને અને ગોળાને એલિયનના પર્દાથ સાથે સરખાવી રહ્યા છે.

શુક્રવારે ખેડાની ભૂમેલ ગામના એક પોલ્ટ્રી ફાર્મમાં મધ્યરાત્રે એક અવકાશી ગોળો આવીને પડ્યો હતો. મોટા અવાજ સાથે આ ગોળા પડતા પોલ્ટ્રી ફાર્મના માલિક ગભરાઈ ગયા હતા. તાત્કાલિક તેમણે ગામના સરપંચને જાણ કરી હતી. ત્યાર બાદ સરપંચે ચકલાસી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અવકાશમાંથી પડેલા ગોળાને પોલીસ કબજો મેળવી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ખરેખર આ ગોળો શું છે તેની તપાસ માટે એફએસએલને જાણકારી આપવામાં આવી હતી. એફએસએલ તપાસમાં સામે આવશે કે આ અવકાશી ગોળો છે શું?

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ખેડા જિલ્લાના ત્રણ ગામોમાં અવકાશમાંથી ગોળો પડવાની ઘટના સામે આવી છે. ગુજરાતના આણંદ જિલ્લાના જીતપુરા, દાગજીપુર અને ખાનકુવા ત્રણ ગામોમાં અંતરિક્ષમાંથી (Space) રહસ્યમય ધાતુના ગોળા પડ્યાની ઘટના સામે આવી હતી. આ ત્રણેય ગામોમાં ગુરુવારે સાંજે 5 વાગ્યાની આસપાસ જમીન હચમચાવી નાખતા જોરદાર અવાજ સાંભળ્યો હતો. જે બાદ સ્થાનિકો તેમના ઘરની બહાર દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે આ ગોળા સેટેલાઇટના (Satellite) ટુકડાઓ છે. તેથી ગ્રામજનોમાં ચકચાર મચી ગયો હતો. ત્યાર પછી આ ઘટનાની જાણ પોલીસને (Police) કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં આણંદ જિલ્લાના એસપી અજીત રાજિયન અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

એવું લાગે છે કે તે બોલ બેરિંગ્સ છે: એસપી
આ રહસ્યમય બોલ અલગ-અલગ વિસ્તારોમાં પડ્યા અને સદભાગ્યે કોઈને ઈજા થઈ ન હતી. આણંદ જિલ્લાના એસપી જણાવ્યું હતું કે સરપંચોએ તેમને વસ્તુઓ વિશે જાણ કર્યા પછી ત્રણ અલગ-અલગ ટીમોને જીતપુરા, દાગજીપુર અને ખાનકુવા રવાના કરવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યુ કે શરૂઆતમાં અમને ખબર ન હતી કે વસ્તુઓ શું છે અને પહેલાથી જ ત્રણ સ્થળોએ ભીડ એકઠી થઈ ગઈ હતી. હાલમાં એવું લાગે છે કે તે બોલ બેરિંગ્સ છે જેનો ઉપયોગ ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં અવકાશમાં ઉપગ્રહની ગતિ જાળવી રાખવા માટે થાય છે. અમે ઑબ્જેક્ટ્સને ઓળખવામાં મદદ કરવા માટે અમદાવાદ અને ગાંધીનગરના ફોરેન્સિક નિષ્ણાતોને બોલાવ્યા છે.

પીઆરએલ અને ઈસરો જેવી એજન્સીઓ પાસેથી ઈનપુટ માંગવામાં આવી
સોશિયલ મીડિયા પર પણ આ અંગે વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તેને ‘એલિયન શેલ્સ’ ગણાવ્યા છે. હાલમાં આ ઘટનાની નોંધ લેતા, જિલ્લા વહીવટીતંત્રે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ના નિષ્ણાતોને તપાસ સોંપી છે. તેમજ પીઆરએલ અને ઈસરો જેવી એજન્સીઓ પાસેથી પણ ઈનપુટ માંગવામાં આવી રહ્યા છે. જો કે આ ઘટનાને કારણે ઉપગ્રહ ક્રેશ થયો હોવાની અટકળો થઈ રહી છે. આ કેસમાં પોલીસે દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top