Entertainment

હવે તો હિન્દી ફિલ્મોની જ તમન્ના

તમન્ના ભાટિયા હવે ‘બાહુબલી’ની અવંતિકા નથી રહી. એ સિરીઝની 2 ફિલ્મો પૂરતી તે ઝળહળ રહી પણ પછી તેની રેગ્યુલર ઈમેજમાં આવી ગઈ. પણ એક વાત છે કે હવે તેને સીધી જ હિન્દી ફિલ્મો મળે છે. એટલે કે સાઉથની ફિલ્મો હિન્દીમાં ડબ્ડ થાય તેની રાહ જોવી પડે તેમ નથી. કદાચ આમ થવાનું કારણ એ પણ છે કે સાઉથમાં તેની પહેલા જેવી માંગ નથી રહી. અત્યારે તેની પાસે સત્યદેવ કંચારા સાથેની ‘ગુર્થુન્ડા સીથાકલમ’ અને કિર્તી સુરેશ, ચિરંજીવી સાથેની ‘ભોલા શંકર’ જ છે. જ્યારે હિન્દીમાં તે 2 ફિલ્મમાં કામ કરી રહી છે ને ‘જી કરવા’ નામે વેબ સિરીઝમાંય કામ કરી રહી છે. મૂળ હિન્દી ફિલ્મોથી જ શરૂઆત કરેલી તો હવે ફરી મુંબઈમાં સક્રિય થવા માંગતી હોય તો ના નહીં. સાઉથના નિર્માતા હવે પાન – ઈન્ડિયા ફિલ્મ બનાવવામાં વ્યસ્ત છે, જેની શરૂઆત હકીકતે તો ‘બાહુબલી’થી જ થયેલી અને એ જ ફિલ્મની તમન્ના હવે એવી ફિલ્મોમાં સ્થાન મેળવી શકતી નથી. તમે તેની સાઉથની પ્રવૃતિ પર ધ્યાન આપો તો ગયા વર્ષે તેણે તેલુગુના ‘માસ્ટર શેફ’ રિયાલિટી શોને હોસ્ટ કર્યો હતો. એટલે કે તે ફિલ્મ સિવાયની વૈકલ્પિક માધ્યમ માટે પણ તૈયાર છે. તે ઓનલાઈન જ્વેલરી વેન્ચર પણ કરી ચૂકી છે. તે જાણે છે કે સમય વર્તે સાવધાન. તે અનેક TV કર્મશિયલમાં તો આવી જ ચૂકી છે. મૂળ તો સિંધી છે, જે ધંધાને બરાબર સમજે છે.

હિન્દી ફિલ્મો તરફ તે શરૂઆતથી જ હતી પણ રેખા, શ્રીદેવી, જયા પ્રદાની જેમ મુંબઈને જ ઘર બનાવી શકે તેટલી સફળ નહોતી થઈ. બાકી ‘ચાંદ સા રોશન ચહેરા’માં તે 2005માં આવેલી પણ ત્યારે જ રોશન થઈ નહોતી. તેણે સાઉથનો રસ્તો પકડયો ને જામી ગઈ. પણ તે ફરી અજય દેવગણ સાથેની ‘હિંમતવાલા’માં આવી જે હકીકતે એ જ નામની શ્રીદેવી – જીતેન્દ્ર અભિનીત ફિલ્મની રિમેક હતી પણ તેથી કાંઈ શ્રીદેવીની જગ્યા તેની ન થઈ જાય. ત્યાર પછી અક્ષયકુમાર સાથેની ‘એન્ટરટેન્મેન્ટ’માં આવી. જો કે ‘બાહુબલી’થી જ તેની ઓળખ બની. બાકી તેની ‘દેવી’ નામની ફિલ્મ પણ તમિલ, તેલુગુ, હિન્દીમાં રજૂ થયેલી પણ ચાલી નહોતી. એકથી વધુ ભાષામાં ડબ કરવાથી કોઈ ફિલ્મ પાન – ઈન્ડિયા બની જતી નથી.

પણ હવે તે હિન્દીમાં કામ કરવા એટલી આતુર છે કે ગયા વર્ષે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ‘બોલે ચુડીયા’માં આવી હતી. હમણાંના 2 વર્ષમાં તેણે સાઉથની જે ફિલ્મોમાં કામ કર્યું, તેમાં એક તો ‘ક્વિન’ની રિમેક ‘ધેટ ઈઝ મહાલક્ષ્મી’ છે અને ‘અંધાધૂન’ની રિમેક છે. અત્યાર સુધી અપરિણિત તમન્ના હવે મુંબઈ રહી મેરેજ કરી લે તો પણ નવાઈ નહીં. જો કે તે કહે છે કે મારે કોઈ સાથે એવા રિલેશન નથી. હા, પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાક સાથેના સંબંધની ચર્ચા ઉપડેલી ખરી પણ તમન્નાએ કહેલું કે આ તો અફવા છે. તે ફિલ્મ સિવાય મારે કોઈ સાથે રોમાન્સ નથી. અનુષ્કા શર્મા સાથે વિરાટ કોહલી પરણ્યો તે પહેલા તમન્ના સાથે રિલેશન હોવાની ચર્ચા ઉપડેલી પણ તે ય ચર્ચા જ રહી છે પણ હવે તે રોમાન્સની અફવા વિના પણ કોઈ સંબંધમાં આવે તો નવાઈ જ પામવું. હવે તે વધારે મુંબઈ જ છે, એટલે એવું થશે તો ખબર પડી જશે. •

Most Popular

To Top