National

‘નારી શક્તિ વંદન એક્ટ’ કાયદો બન્યો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આપી મંજૂરી

નવી દિલ્હી: મહિલા આરક્ષણ બિલ (Women Reservation Bill) એટલે કે નારી શક્તિ વંદન એક્ટને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) તરફથી મંજૂરી મળી ગઈ છે. એટલે કે હવે આ એક્ટ કાયદો બની ગયો છે. આ બિલ 20 સપ્ટેમ્બરે લોકસભા (Loksabha) અને 21 સપ્ટેમ્બરે રાજ્યસભાએ (Rajyasabha) પાસ કર્યું હતું. આ પછી તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે છે, જેથી તે કાયદો બની શકે. જો કે હવે શુક્રવાર 29 સપ્ટેમ્બરની તારીખ આ બિલને કાયદો બનાવવાની તારીખ સાબિત થઈ છે. આ કાયદાના અમલ બાદ મહિલાઓને લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં 33 ટકા અનામત મળશે. જ્યારે સંસદ દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે તે જાતિય ન્યાય માટે આપણા સમયની સૌથી પરિવર્તનકારી ક્રાંતિ હશે.

18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન સંસદના વિશેષ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ અંગે બંને ગૃહમાં લાંબી ચર્ચા થઈ હતી. લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ છે. લગભગ 10 કલાકની ચર્ચા બાદ તેને રાજ્યસભામાં સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. 214 સભ્યોએ બિલની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે તેની વિરુદ્ધમાં એક પણ મત પડ્યો ન હતો.

આ કાયદા હેઠળ, હાલમાં 15 વર્ષ માટે મહિલા અનામતની જોગવાઈ કરવામાં આવી છે અને સંસદને તેને લંબાવવાનો અધિકાર હશે. સંસદમાં ચર્ચાના અંતે વડાપ્રધાન મોદીએ આ બિલને દેશની મહિલા શક્તિને નવી ઉર્જા આપનારું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આનાથી મહિલાઓ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા નેતૃત્વ સાથે આગળ આવશે. તેમણે આ બિલને ટેકો આપવા બદલ તમામ સભ્યોને તેમના ‘હૃદયપૂર્વક અભિનંદન અને હૃદયપૂર્વકનો આભાર’ વ્યક્ત કર્યો હતો.

આ અધિનિયમ કાયદો બની ગયો છે, પરંતુ તેના માર્ગમાં હજુ ત્રણ માઈલસ્ટોન પૂરા થવાના બાકી છે:

  • રાષ્ટ્રપતિની મંજૂરીઃ શુક્રવાર, 29 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિએ પણ બિલને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરીની મહોર મળતા જ આ બિલ કાયદો બની ગયું. લોકસભા અને રાજ્યસભામાં બિલ પાસ થયા બાદ તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યું હતું.
  • રાજ્યો પાસેથી મંજૂરી: કાયદો બન્યા પછી, આગામી અને મહત્વપૂર્ણ પગલું એ છે કે તેને રાજ્યો પાસેથી પણ મંજૂરી મળે. કલમ 368 હેઠળ, જો કેન્દ્રના કોઈપણ કાયદાથી રાજ્યોના અધિકારો પર કોઈ અસર થાય છે, તો કાયદો બનાવવા માટે ઓછામાં ઓછી 50% એસેમ્બલીની મંજૂરી લેવી પડશે. એટલે કે ઓછામાં ઓછા 14 રાજ્યોની એસેમ્બલી તેને પસાર કરશે ત્યારે જ સમગ્ર દેશમાં કાયદો લાગુ થશે.
  • વસ્તીગણતરીઃ જો આ બિલ કાયદો બનશે તો પણ તે વસ્તી ગણતરી બાદ જ અમલમાં આવશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે કોવિડને કારણે 2021ની વસ્તી ગણતરી થઈ શકી નથી. 2024ની લોકસભા ચૂંટણી બાદ વસ્તી ગણતરીનું કામ શરૂ થશે.
  • સીમાંકન: છેલ્લું અને સૌથી મહત્વપૂર્ણ પગલું. વસ્તી ગણતરી બાદ લોકસભા અને વિધાનસભા સીટોનું સીમાંકન થશે. બંધારણ હેઠળ 2026 સુધી સીમાંકન પર પ્રતિબંધ છે. પરંતુ તે પછી સીમાંકન કરી શકાય છે.

Most Popular

To Top