દેશભરમાં E20 પેટ્રોલને લઈને ફરી એકવાર વિવાદ ઘેરો બન્યો છે. એક તરફ સરકાર એવો દાવો કરી રહી છે કે ઈંધણની ગુણવત્તા પૂરી રીતે નિયંત્રણમાં છે અને દેશભરમાં તેનું સતત ચેકિંગ થઈ રહ્યું છે. તો બીજી તરફ ઓટોમોબાઈલ કંપનીઓના સંગઠન સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) સાથે જોડાયેલા એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે E20 પેટ્રોલના કારણે વાહનોના એન્જિન અને એક્ઝોસ્ટ સિસ્ટમના મહત્વના સ્પેરપાર્ટ્સ સમય પહેલા ખરાબ થઈ શકે છે. જોકે, આ દાવો કરનાર રિપોર્ટને પાછળથી હટાવી લેવામાં આવ્યો છે.
રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો હતો?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, SIAM દ્વારા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય સામે E20 ઈંધણની ક્વોલિટી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટમાં જણાવ્યા મુજબ E20 પેટ્રોલમાં ક્લોરાઈડ અને ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે નીચે મુજબની સમસ્યાઓ થઈ શકે છે:
- ફ્યુઅલ ઈન્જેક્ટર, ફ્યુઅલ પંપ, એક્ઝોસ્ટ સિસ્ટમ અને એન્જિનના ભાગો ઝડપથી ખરાબ થવા.
- ઈંધણમાં રહેલા ક્લોરાઈડના કારણે સ્પેરપાર્ટ્સમાં કાટ લાગવો અને અસામાન્ય ઘસારો થવો.
- વાહનોમાં તાત્કાલિક ટેકનિકલ ખામી સર્જાવી અથવા લાંબા ગાળે મોટી સમસ્યાઓ ઊભી થવી.
સેમ્પલ તપાસમાં ચોંકાવનારા આંકડા
રિપોર્ટમાં વાહનો અને પેટ્રોલ પંપોમાંથી લેવાયેલા ફ્યુઅલ સેમ્પલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા:
- કેટલાક વાહનોની ફ્યુઅલ ટેન્કમાંથી લેવાયેલા સેમ્પલમાં ક્લોરાઈડનું સ્તર 500 mg/kg સુધી મળ્યું હતું.
- કેટલાક પેટ્રોલ પંપો પર આ પ્રમાણ 350 mg/kg નોંધાયું હતું.
- સેમ્પલમાં ભેજનું સ્તર 10,000 mg/kg કરતાં વધુ મળ્યું હતું, જ્યારે તેની નક્કી કરાયેલી સીમા 3,000 mg/kg છે.
- ઈથેનોલ વાતાવરણમાંથી ભેજ ખેંચતું હોવાથી ઈંધણ અલગ-અલગ પડમાં વહેંચાઈ જાય છે, જેનાથી વાહન ચાલુ રાખવામાં મુશ્કેલી પડે છે.
SIAM એ સરકાર સમક્ષ માંગ કરી હતી કે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના ઈંધણ માનકોમાં ક્લોરાઈડની મહત્તમ સીમા નક્કી કરવામાં આવે. સાથે જ E20 અને E85 ઈંધણમાં ક્લોરાઈડનું પ્રમાણ 1 mg/kg થી ઓછું રાખવાની ભલામણ કરી હતી. આ ઉપરાંત જૂના પેટ્રોલ પંપોના અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ ટેન્ક અને પાઈપલાઈનની તપાસ કરવા પણ સૂચન કર્યું હતું.
સરકાર અને SIAM ની સ્પષ્ટતા
વિવાદ વધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દેશભરમાં 87,000 થી વધુ પેટ્રોલ પંપો પર રોજના 8 થી 12 વખત ઈંધણની ગુણવત્તા ચકાસે છે. દેશભરમાંથી લેવાયેલા 2,000 થી વધુ સેમ્પલમાંથી માત્ર 2 કિસ્સામાં જ ક્લોરાઈડ મળી આવ્યું હતું અને તે પેટ્રોલ પંપો પર તાત્કાલિક વેચાણ બંધ કરાવાયું હતું.
બીજી તરફ SIAM એ પાછળથી સ્પષ્ટતા કરી કે રિપોર્ટના આંકડા આખરી કે પ્રમાણિત નથી. ઈથેનોલમાં ક્લોરાઈડ અને સલ્ફર માટે 3 ppm ની મર્યાદા પહેલાથી જ લાગુ છે. તેથી સામાન્ય વાહન ચાલકોએ ચિંતા કરવાની જરૂર નથી.
આ વિવાદ વચ્ચે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉદ્યોગપતિ તહસીન પુનાવાલા અને દિલ્હીના ટ્રાન્સપોર્ટ યુનિયનો દ્વારા E20 ઈંધણનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.