Entertainment

નીતુ કપૂરમાં હજુ જોશ છે ભરપૂર

નિવૃત થઇ ચુકેલી અભિનેત્રીઓ ફિલ્મોમાં પાછી ફરે તો મા, ભાભી બનીને જ પાછી ફરે. પણ હવે એવું નથી તમે ડિમ્પલ કાપડિયાને જુઓ કે પછી નીતુ સીંઘને. આ બે નામ એક સાથે યાદ કરાવનું કારણ પણ એ જ છે કે બંને વચ્ચે યાદ કરી શકીએ તો રિશી કપૂર છે. નીતુ સીંઘ પહેલીવાર 1966માં ‘સુરજ’ ફિલ્મમાં આવેલી ત્યારે ભારતી નામની અભિનેત્રીના બચપણની ભૂમિકા ભજવેલી. એટલે કે ફિલ્મના પરદે તેમને 57 વર્ષ થયા. રિશી કપૂરથી પણ 4 વર્ષ પહેલાથી તેઓ ફિલ્મોમાં છે. ‘હમના રહેંગે, તુમના રહોગે, ફીર ભી રહેગી નિશાનીયા’ ગીતને ન ગણો તો અનેક બાળ કળાકારોની કારકિર્દી અટકી જાય છે, પણ નીતુ સીંઘ 1973ની ‘રીક્ષાવાલા’માં રણધીર કપૂર સાથે પ્રથમવાર આવી અને પછી ‘રફૂચક્કર’, ‘ખેલ ખેલ મેં’થી રિશી કપૂર સાથે જોડી બની તો રાજ – નરગીસ, ધર્મેન્દ્ર – હેમા માલિની જેવી યાદગાર બની ગઇ.

નીતુ સીંઘ પરદા પર તે વખતની કોલેજીયન ગર્લ સમી હતી. એકદમ ઊર્જાશીલ અને બિન્દાસ. અગાઉના સમયમાં સાયરાબાનો, તનુજા વગેરે હતી તેવી જ. પણ સાથે જ તે ગંભીર એકટ્રેસ પણ હતી. આપણા લોચા એ છે કે ગંભીર ભૂમિકા, દુ:ખીયારીની ભૂમિકા ભજવે તો જ સારી એકટ્રેસ ગણવાનો રિવાજ છે, પણ નીતુ સીંઘ અત્યંત સહજ રીતે દૃશ્યની ગંભીરતામાં પ્રવેશી જતી. ‘કભી કભી’, ‘દૂસરા આદમી’, ‘પ્રિયતમા’, ‘યારાના’ તેના ઉદાહરણ છે. નીતુ સીંઘ માત્ર રિશી સાથે જ નહીં, તે વખતના અન્ય સ્ટાર સાથે પણ પસંદ થઇ.

હા, ‘મહાચોર’માં રાજેશ ખન્ના સાથે ઠીક નહોતી. બાકી શશી કપૂર, જીતેન્દ્ર, અમિતાભ બચ્ચન વગેરે સાથે તે એવી જ જામતી હતી. 1981 – 82 પછી તેણે કામ ઓછું કર્યું અને 1983થી 2009 સુધી તેની એકેય ફિલ્મ નથી. તેણે રિશી સાથે કદી જીદ ન કરી કે તારી કારકિર્દી ટકાવવામાં મારી કારકિર્દી અટકી ગઇ છે. બંને સંતાનોને તેણે ઉછેર્યા અને પછી ‘લવ આજ કલ’થી ફરી પરદા પર હાજર છે. ત્યારથી આજ સુધીમાં તે 8 – 9 ફિલ્મોમાં આવી છે. 2013થી તેણે વળી કામ બંધ કરેલું, તે હવે ફરી ‘જુગ જુગ જિયો’માં આવી રહી છે.

તેણે આ દરમ્યાન TV કે વેબ સિરીઝનો વિકલ્પ પસંદ નથી કર્યો. તે ખુદ્દાર પ્રકારની અભિનેત્રી છે. તેણે રિશી કપૂર પર પણ કયારેય અવિશ્વાસ નથી કર્યો. એક ફિલ્મ સ્ટારની પત્ની તરીકે તે પર્ફેકટ પૂરવાર થઇ છે. બાકી રિશી કપૂરનો મિજાજ પણ ગરમ છતાં તેણે લગ્નજીવનને ટકાવવાની રીત શોધી કાઢી હતી. આ કારણે જ રિશીને પણ નીતુ સીંઘ પ્રત્યે એક પ્રકારનો આદર હતો. નીતુ સીંઘે જ રણબીર કપૂરને ઉછેર્યો છે અને તેની સાથે જ તે વાત કરે છે એવું તેણે વારંવાર સ્વીકાર્યું છે. નીતુ સીંઘની ખાસ વાત એ કે રિશીની વિદાય પછી તે ઉદાસીમાં કે એકલતામાં સરી નથી પડી. તે પોતાને યોગ્ય રીતે વ્યસ્ત રાખવાનું જાણે છે.

તેણે રિશીની વિદાયના બીજા જ વર્ષે રણબીર – આલિયાના લગ્ન લીધા. કપૂર કુટુંબના ઘણા વડીલો ઓછા થઇ ગયા છે, પણ તે તેવો અફસોસ નથી કરતી અને જીવનને સહજ રીતે સ્વીકારે છે. એટલે જ ‘જુગ જુગ જિયો’માં તેને ફરી જોવામાં આનંદ આવશે. એ ફિલ્મમાં એક જોડી વરુણ – કિયારાની તો બીજી અનિલ કપૂર – નીતુ કપૂરની છે. અનિલ જ્યારે હીરો હતો, ત્યારે તો નીતુએ તેની સાથે કામ નથી કર્યું પણ હવે કરે છે. અમિતાભ સાથે કામ કરેલું પણ અત્યારે તે અમિતાભ સાથે જોડી બનાવી શકે તેમ નથી. કારણ કે અમિતાભ જેટલા વૃધ્ધ દેખાય છે, તેટલી નીતુ કપૂર નથી દેખાતી. બાકી તે પણ 63ની છે. છતાં તેને જોઇ નવી પેઢી પણ કહેશે – ‘જુગ જુગ જીયો.’ •

Most Popular

To Top