Dakshin Gujarat

નવસારી: પોલીસે દારૂ ભરેલી કાર જોઈ લેતા બે શખ્સો ભાગ્યા અને પછી..

નવસારી : નેશનલ હાઇવે (National Highway) નં. 48 ઉપર ભુલા ફળીયા પાટિયા પાસે પોલીસે (Police) દારૂ (Alcohol) ભરેલી કાર (Car) રોકવા માટે ઈશારો કરતા દારૂ ભરેલી કાર સવાર 2 શખ્સો કાર મૂકી નાસવા લાગ્યા હતા. પરંતુ એકને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારી ઇજા પહોંચાડી હતી. ત્યારે પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, નેશનલ હાઇવે નં. 48 ઉપર બોરીયાચ ટોળનાકાથી આગળ ભુલા ફળીયા પાટિયા પાસે હ્યુન્ડાઇ સેન્ટ્રો કારને રોકવા માટે ઈશારો કર્યો હતો. પરંતુ દારૂ ભરેલી કારમાં સવાર દમણ ભીમપોર પટેલ ફળિયામાં રહેતા વિરેન્દ્ર ડાહ્યાભાઈ પટેલ અને ચાલક દમણ મોટી વાંકડ સ્કૂલ ફળિયામાં રહેતા પૂર્વીત ઉર્ફે પુલિયો દારૂ ભરેલી કાર મૂકી નાસવા લાગ્યા હતા. પરંતુ વિરેન્દ્રને એક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા પગમાં અને માથાના ભાગે ઇજાઓ થતા તેમને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે પૂર્વિત ઉર્ફે પુલિયો નાસવામાં સફળ રહ્યો હતો. જેથી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી.

બીજી તરફ પોલીસને સેન્ટ્રો કારમાંથી 28,800 રૂપિયાની વિદેશી દારૂની 576 નંગ બાટલી મળી આવી હતી. જેથી પોલીસે વિરેન્દ્ર વિરૂદ્ધ પ્રોહી. ગુનો નોંધી 1 લાખની કાર અને 5 હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 1,33,800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પરંતુ પોલીસે પૂર્વિત ઉર્ફે પુલિયાને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

રાજકોટના બુટલેગરને વલસાડ પોલીસે પાસામાં ધકેલ્યો
વલસાડ : વલસાડમાં દારૂના કેસમાં પકડાયેલા રાજકોટના બુલટેગર સામે વલસાડ પોલીસે પાસાની દરખાસ્ત મુકી હતી. જે મંજૂર થતાં પોલીસે તેને પાસે હેઠળ પકડી ભાવનગર ખાતેની જેલમાં ધકેલી દીધો હતો. મૂળ દ્વારકા અને હાલ રાજકોટ રહેતા જયેશ ઉર્ફે જગો લક્ષ્મીદાસ ગોકાણી વિરૂદ્ધ વલસાડના રૂરલ પોલીસ મથકે રૂ. 3.84 લાખના દારૂની હેરાફેરીનો ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં તેની વિરૂદ્ધ પાસાની દરખાસ્ત થઇ હતી. જે વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટે મંજૂર કરતા વલસાડ પોલીસે તેને પકડી ભાવનગર જેલમાં ધકેલી દીધો હતો.

પિતાએ દારૂ પીવા રૂપિયા નહીં આપતાં નરાધમ દીકરાએ પેટમાં ચાકુ મારી દીધું
ઉમરગામ: ઉમરગામ તાલુકાના ફણસા ગામમાં પિતાએ દારૂ પીવા રૂપિયા નહીં આપતાં નરાધમ દીકરાએ પિતાના પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. પિતાને ગંભીર ઈજા પહોંચાડતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઉમરગામના ફણસા ગામે મેડી ફળિયામાં સોરઠીની રૂમમાં નવીનભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી તેમની પત્ની રીટાબેન અને દીકરો ભૂપેન્દ્ર ઉર્ફે મુન્ના સાથે રહે છે. ભૂપેન્દ્ર ઉર્ફે મુન્નો કોઈ કામ ધંધો કરતો નથી, તેને દારૂની લત છે. જે દારૂ પીને અવાર નવાર માતા પિતા દારૂ પીવા પૈસા માંગી ઝઘડો કરતો હતો. બુધવારે સાંજે પણ તેને પૈસા માંગ્યા હતા, નવીનભાઈએ પૈસા આપવાની ના પાડતા ભૂપેન્દ્ર ઉશ્કેરાઈ ગયો હતો. તે પિતાને પેટમાં ચપ્પુ મારી નાસી ગયો હતો. પોતાની રૂમમાં લોહી લુહાણ હાલતમાં પડેલા ગંભીર રીતે ઘાયલ નવીનભાઈને શરૂઆતમાં ભીલાડ સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કર્યું હતું. આ બનાવ અંગે ખુદ માતાએ પુત્ર સામે નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીઆઈ બી.ડી. જીતીયાએ હાથ ધરી છે. મોડી સાંજે પોલીસે આરોપી ભુપેન્દ્રને પકડી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top