Dakshin Gujarat

દક્ષિણ ગુજરાતમાં રંગેચંગે નિકળી બપ્પાની સવારી: નવસારી પૂર્ણા નદી, દાંડી દરિયામાં ગણેશ વિસર્જન

નવસારી: (Navsaro) નવસારી પૂર્ણા નદી (Purna River) અને દાંડી દરિયામાં (Dandi Sea) આજે લોકોએ ભારે હૈયે બાપ્પાને વિદાય આપી હતી. કોરોનાના ઓછા કેસોને પગલે સરકારે ગણેશ ઉત્સવ ઉજવવા આપેલી મંજૂરીનો લોકોએ સારો લાભ ઉઠાવ્યો હતો. દોઢ વર્ષ બાદ લોકોએ પહેલો સાર્વજનિક ઉત્સવ ઉજવ્યો છે. સાથે જ સરકારની ગાઈડલાઈનનું પાલન પણ લોકોએ કરતા વધુ ધમાલ મચાવી ન હતી. નવસારી અને વિજલપોર શહેરમાં 10 હજાર ગણેશજીની મૂર્તિઓ મળી જિલ્લાઓમાં કુલ 15 હજારથી વધુ ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. જોકે નવસારી અને વિજલપોરમાં ગણેશ ઉત્સવના દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ અને સાત દિવસના માનેલા ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. જ્યારે આજે ગણેશ મહોત્સવનો આખરી દિવસ એટલે કે ગણેશ વિસર્જનના દિવસે નવસારી અને વિજલપોર શહેરના કુલ 7 થઈ 8 હજાર નાની ગણેશજીની મૂર્તિઓનું દાંડી દરિયામાં, વિરાવળ પૂર્ણા નદીમાં, ધારાગીરી ઓવારા અને જલાલપોરના ઓવારા પરથી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન (Ganesh Visarjan) કરવામાં આવ્યું હતું. જ્યારે લોકોએ ભારે હૈયે બાપ્પાને વિદાય આપી હતી.

મંડપ પાસે ડી.જે.ના તાલે લોકો ઝૂમ્યા
ગુજરાત સરકારે ગણેશ વિસર્જનના દિવસે ડી.જે. કે બેન્ડ વગાડવા બાબતે કોઈ સ્પષ્ટતા નહીં કરતા મંડળ સંચાલકો અને ડી.જે. એસો. મુંઝવણમાં મુકાયા હતા. જોકે ગણેશ ઉત્સવના આખરી દિવસે જિલ્લા તંત્રએ મંડપ પાસે ડી.જે. અને બેન્ડ વગાડવાની સૂચના આપતા આજે વિસર્જનના દિવસે લોકોએ મંડપ પાસે જ ડી.જે. અને બેન્ડના તાલે ઝૂમી વાગતે ગાજતે બાપ્પાને વિદાય આપી હતી.

બપોર સુધીમાં હજારો મૂર્તિઓનું વિસર્જન કરી દેવાયું
નવસારી અને વિજલપોરમાં 7 થી 8 હજાર કેટલી ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. જોકે નવસારી અને વિજલપોરના લોકોએ સરકારી ગાઈડ લાઈનનું પાલન કરી વધુ સમય નહીં લેતા બપોર સુધીમાં જ હજારો ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરી દેવામાં આવતા જિલ્લા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

દાંડી અને વિરાવળ પૂર્ણા નદી પાસે વિસર્જનમાં નેતાઓ અને અધિકારીઓએ હાજરી આપી
વિજલપોરના લોકો વિસર્જન માટે દાંડી અને નવસારીના લોકો વિસર્જન કરવા માટે વિરાવળ પૂર્ણા નદી, ધારાગીરી ઓવારા અને જલાલપોરના ઓવારા પર જતાં હોય છે. દાંડીમાં જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલ સહિત અન્ય નેતાઓ અને જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા. જ્યારે વિરાવળ પૂર્ણા નદી પર પાલિકાના ચૂંટાયેલા સભ્યો, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને અધિકારીઓએ હાજર રહી વિસર્જનની પ્રક્રિયાને શાંતિથી પૂર્ણ કરવામાં મદદ કરી હતી.

Most Popular

To Top