Dakshin Gujarat

નવસારીમાં પ્રથમ વખત ઝડપાયેલા 40 કિલો ગાંજાનો આ રીતે નાશ કરાયો

નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં પ્રથમ વખત વિવિધ પોલીસ મથકના વિવિધ સ્થળેથી ઝડપાયેલા 40 કિલો ગાંજાનો (Cannabis) ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટી દ્વારા નાશ કરવામાં આવ્યો છે.

  • નવસારીમાં પ્રથમ વખત ઝડપાયેલા 40 કિલો ગાંજાનો નાશ કરાયો
  • ભરૂચની કંપનીમાં ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટીની હાજરીમાં મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો

મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લાના બીલીમોરા પોલીસ મથકના વિસ્તારમાંથી 2 ગુનામાં 7980 રૂપિયાનો 798 ગ્રામ ગાંજો, ગણદેવી પોલીસ મથકના વિસ્તારમાંથી 4940 રૂપિયાનો 494 ગ્રામ ગાંજો અને નવસારી ગ્રામ્ય પોલીસ મથકના વિસ્તારમાંથી 2,33,904 રૂપિયાનો 38 કિલો 984 ગ્રામ ગાંજો મળી કુલ્લે 2,46,824 રૂપિયાનો 40 કિલો 276 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. જે ઝડપાયેલા જથ્થાનો નાશ કરવા માટે સુરત ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વાબાંગ જમીરની રાહબરી હેઠળ સ્વચ્છતા હી સેવા સંકલ્પ અન્વયે નવસારી જિલ્લા ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટીના અધ્યક્ષ તરીકે નવસારી જિલ્લા પોલીસ વડા સુશિલ અગ્રવાલ અને સભ્ય તરીકે નાયબ પોલીસ અધિક્ષક એસ.કે. રાયની નિમણૂક કરી હતી.

જેથી જિલ્લા પોલીસ વડા અને નાયબ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ નવસારી એસ.ઓ.જી. પી.આઈ., બીલીમોરા પોલીસ મથકના પી.આઈ., નવસારી ગ્રામ્ય પોલીસ મથકના પી.આઈ. અને ગણદેવી પોલીસ મથકના પી.એસ.આઈ. ના સંકલન દ્વારા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માં ભરૂચ ઇન્વાયરો ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીમાં ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટીની હાજરીમાં જિલ્લામાંથી ઝડપાયેલો 2,46,824 રૂપિયાનો 40 કિલો 276 ગ્રામ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લા ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટી દ્વારા સ્વચ્છતા હી સેવા સંકલ્પ અનુસંધાને નવસારી જિલ્લાની રચના થયા બાદ પ્રથમ વખત જિલ્લાના 3 પોલીસ સ્ટેશનના 4 ગુનાઓમાં ઝડપાયેલા ગાંજાના મુદ્દામાલનો નાશ કર્યો છે.

Most Popular

To Top