Gujarat

નરોડા ગામ હત્યાકાંડમાં ઘટનાસ્થળે આરોપીઓની હાજરી હોવાના કોઈ પુરાવા નથી: સ્પે. કોર્ટ

અમદાવાદ: વર્ષ 2002માં ગોધરાકાંડ (Godhrakand) બાદ ફાટી નીકળેલા કોમી તોફાનો દરમિયાન અમદાવાદના (Ahmedabad) નરોડા ગામ હત્યાકાંડ કેસમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા 21 વર્ષ બાદ માયાબેન કોડનાની સહિતના 67 આરોપીઓને દોષમુક્ત જાહેર કરાયા હતાં. સ્પેશિયલ કોર્ટના ચુકાદામાં કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે કે, બનાવના દિવસે આરોપીઓની હાજરીને લઈને અનેક સવાલો અને વિરોધાભાસ જોવા મળે છે. આ ઉપરાંત નરોડા ગામ હત્યાકાંડમાં કોઈને જીવતા સળગાવ્યા હોવાનું પુરવાર થતું નથી, પરંતુ ફટાકડાના કારણે લાગેલી આગથી અમુકના મૃત્યુ થયાં છે.

સ્પેશિયલ જજ સુભદ્રા બક્ષીએ ચુકાદામાં એવું પણ અવલોકન કર્યું હતું કે, આ કેસમાં બનાવના દિવસે આરોપીઓની હાજરી, સમય અને સ્થળની વાતો સુસંગત બેસતી નથી. અમુક કિસ્સાઓમાં તો માત્ર બંને પક્ષે દીવાની કાર્યવાહીના કારણે આરોપીઓની સંડોવણી માલુમ થાય છે. કોઈપણ આરોપીએ ગેરકાયદેસર મંડળી રચી, ગુનાહિત ષડયંત્ર કરવા માટે કાર્ય કર્યું હોય તે હકીકતનું કોઈ સમર્થન કરતું નથી. ફરિયાદી પક્ષ, આરોપીઓ વિરુદ્ધ ગુનો પુરવાર કરવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયો છે.

રાજ્યના પૂર્વ મંત્રી ડૉ. માયાબેન કોડનાની અંગે કોર્ટે અવલોકન કરતા નોંધ્યું છે કે, માયાબેન કોડનાની વિધાનસભા, સોલા સિવિલ હોસ્પિટલ અને તેમના નર્સિંગ હોમમાં ઉપસ્થિત હતાં. તેમની ફોન કોલ ડીટેલના પુરાવા ઘટના સ્થળે તેમની હાજરીને સમર્થન આપતા નથી. આ ઉપરાંત ડૉ. જયદીપ પટેલ અંગે કોર્ટે અવલોકન કરતાં નોંધ્યું છે કે, ફરિયાદીએ જયદીપ પટેલને ક્યાં અને કેટલા વાગે જોયા તેનો કોઈ જ ઉલ્લેખ જોવા મળતો નથી. તેમના હાથમાં પિસ્તોલ હતી અને ખાનગી ફાયરિંગ કર્યું હોય તેવા કોઈ જ પુરાવા મળ્યા નથી. તેમની ફોનની કોલ ડિટેલ્સ અને ટાવર લોકેશન મુજબ તેમની હાજરી બનાવ સ્થળે જણાતી નથી. બનાવના સ્થળે તેઓ નહીં હોવા છતાં ફરિયાદમાં તેમનું નામ લખવામાં આવ્યું હતું.

નરોડા ગામ હત્યાકાંડમાં 11 વ્યક્તિઓની હત્યા થઈ હતી. આ કેસમાં માયાબેન કોડનાની, જયદીપ પટેલ, બાબુ બજરંગી સહિત કુલ 86 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસનો 21 વર્ષ બાદ 20 એપ્રિલ 2023ના રોજ સ્પેશિયલ કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો અને તમામ 67 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતાં.

Most Popular

To Top