Dakshin Gujarat

પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી પણ અસુરક્ષિત, આરોપીએ ભરૂચ એ ડીવીઝનના પોલીસકર્મી ઉપર પાઇપનો ઘા ર્ક્યો

ભરૂચ: ભરૂચ (Bharuch) એ ડિવિઝનમાં PSO કર્મી ઉપર જીવલેણ હુમલો (Attack) થતાં પોલીસબેડામાં ભારે સળવળાટ મચી ગયો છે. અસામાજિક પ્રવૃત્તિ કરનારા શખ્સને PCR ટીમે પોલીસ સ્ટેશનને (Police Station) સોંપાયેલા પોલીસ કર્મી ભીમસિંગ રામસિંગભાઈ ઉપર હુમલો કરતા તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.

  • ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, સમગ્ર ઘટના અંગે જિલ્લા પોલીસ અધિક્ષક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
  • PSO કર્મી ઉપર જીવલેણ હુમલો થતાં પોલીસબેડામાં ભારે સળવળાટ મચી ગયો છે
  • આ ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે, આરોપી પાસે પાઈપ કઈ રીતે આવ્યો?

હુમલાખોર આરોપીનું નામ વિજય હોવાનું અને તે માનસિક અસ્વસ્થ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું હોવાનું જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. પોલીસ સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, ભરૂચ પોલીસ કંટ્રોલને મળેલી માહિતીના આધારે PCRની ટીમે અસામાજિક પ્રવૃત્તિ મામલે એક વ્યક્તિની અટકાયત કરી તેને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.

એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSO ભીમસિંગ રામસિંગભાઈ તેની નામઠામ સહિતની વિગતો પૂછી રહ્યા હતા. એ વેળા અચાનક પોલીસકર્મી ભીમસિંગભાઈને માથામાં પાઈપનો ઘા મારીને હુમલો કરી દીધો હતો. જેનાથી પોલીસ કર્મી લોહીથી લથપથ થઇ ગયા હતા. આરોપી પાસે પાઈપ કઈ રીતે આવ્યો અને તેણે પોલીસ સ્ટેશનમાં પોલીસ ઉપર હુમલો કેમ કર્યો તે પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે.

પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી ઉપર પાઈપથી હુમલાની ઘટના ગંભીરતાથી લેવામાં આવી રહી છે. એકતરફ આરોપી અસ્થિર મગજનો હોવાનો ગણગણાટ છે તો બીજી તરફ ઘટનાના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા અને નાયબ પોલીસ અધિકક્ષ ચિરાગ દેસાઈ પહોંચ્યા હતા જેમણે ઘટનાનો તાગ મેળવ્યો હતો.

ઈજાગ્રસ્ત જમાદારનો સિટી સ્કેન અને અન્ય જરૂરી રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા. તેઓ જોખમથી બહાર હોવાનું DSPએ જણાવી વધુ સારી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હોવાની માહિતી આપી હતી. આ ઘટનામાં હુમલો કરનાર આરોપી વિજય નામના યુવાન સામે જીવલેણ હુમલામાં હત્યાના પ્રયાસમાં 307નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top