Comments

તાઇવાનના ઉપરાષ્ટ્રપતિની અમેરિકા મુલાકાતથી ચીન લાલઘૂમ

ચીન આજકાલ મૂંઝવણભર્યા મૂડમાં ગોથે ચડ્યું હોય એવું લાગે છે. તાઇવાનના ઉપરાષ્ટ્રપતિ વિલિયમ લાઇની તાજેતરની અમેરિકાની મુલાકાતથી છંછેડાયેલા ચીને તાઇવાનની આસપાસ લશ્કરી કવાયત હાથ ધરી છે. તાઇવાનમાં જાન્યુઆરી ૨૦૨૪માં યોજનારી ચૂંટણીમાં તાઇવાનના પ્રમુખ બનવાની રેસમાં સૌથી આગળ વિલિયમ લાઇ તાજેતરમાં જ અમેરિકાથી પરત ફર્યા હતા. આમ તો તેમની સત્તાવાર મુલાકાત પેરાગ્વેની હતી પણ રસ્તામાં તેમણે અમેરિકામાં રોકાઈને ભાષણ પણ આપ્યું. અમેરિકા, મોટા ભાગના દેશોની જેમ, તાઇવાન સાથે કોઈ ઔપચારિક સંબંધો નથી ધરાવતું, પરંતુ તે તેનો સૌથી મજબૂત આંતરરાષ્ટ્રીય સમર્થક છે. સામ્યવાદી ચીને ક્યારેય લોકશાહી શાસનવ્યવસ્થા ધરાવતા તાઇવાન પર શાસન કર્યું નથી પરંતુ તેના પર પોતાના પ્રદેશ તરીકે દાવો કરે છે અને તાઇવાનને પોતાનામાં ભેળવી દેવા બળપ્રયોગની સંભાવનાને પણ એણે નકારી નથી.

વિશ્લેષકો માને છે કે ચીન તાઇવાનના રાષ્ટ્રપતિ માટે જાન્યુઆરીમાં યોજાનારી ચૂંટણીનાં પરિણામોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ચૂંટણી પહેલાં તાઈવાનના મતદારોને ડરાવવા માટે ચીન આર્થિક અને લશ્કરી પ્લેબુકનો ઉપયોગ કરી રહ્યું છે. તાજેતરમાં જ ચીને ફળોના શિપમેન્ટમાં મળી આવેલા મેલીબગ્સ દ્વારા ચીનની કૃષિ અને પર્યાવરણીય સુરક્ષા સામે ગંભીર ખતરો હોવાનું જણાવી તાઈવાનની કેરીની આયાત સ્થગિત કરી દીધી છે. તાઇવાનના સફરજન, અનાનસ અને ગ્રુપર માછલીની આયાત પર પહેલેથી જ પ્રતિબંધ છે. ગયા અઠવાડિયે ચીને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના નિયમોના ઉલ્લંઘનનું બહાનું આગળ ધરી તાઈપેઈ સાથે લાંબા સમયથી ચાલતા વેપાર સોદા રદ કરવાની ધમકી આપી છે.

તાઇવાનના વર્તમાન પ્રમુખ ત્સાઈ ઈંગ-વેન મુદતની મર્યાદાને કારણે ફરીથી ચૂંટણી લડી શકે એમ નથી. પ્રમુખપદની રેસમાં સૌથી આગળ, વાઇસ પ્રેસિડેન્ટ લાઈ સત્તાધારી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (ડીપીપી)ના નેતા છે. આમ તો લાઇએ તેમની યુએસ મુલાકાત બિનસત્તાવાર અને ટૂંકી રાખી હતી, છતાં ચીને લશ્કરી કવાયત સાથે જવાબ આપી એક કાંકરે બે પક્ષી મારવાનો પ્રયાસ કર્યો છે. ચીનના આવનારી ચૂંટણીના સંદર્ભમાં તાઇવાનના લોકોના મગજમાં એવું ઠસાવવા માંગે છે કે DPP સત્તામાં હશે તો યુદ્ધ અને આર્થિક મુશ્કેલીઓમાં વધારો થશે.

લશ્કરી મોરચે, તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે ગયા સપ્તાહના અંતે ૨૪ કલાકમાં ટાપુની આસપાસ ૪૫ ચીની વિમાનો અને નવ જહાજોની હાજરીની પુષ્ટિ કરી હતી. તાઇવાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિયુ યુંગ-ચીને જણાવ્યું હતું કે, અમે લશ્કરી ધમકીઓ, રાજદ્વારી દમન કે આર્થિક અને વેપારી પ્રતિબંધ સામે ઝૂકીશું નહીં. ચીનનો ઉદ્દેશ સરકાર પર હુમલો કરવાનો, સમાજમાં ભાગલા પાડવાનો, ડરાવીને આ દેશના લોકોના વિશ્વાસને ડગમગાવવાનો છે. સામે ચીને કહ્યું હતું કે તાઇવાન એક તરફ ચીન સાથે રાજકીય દુશ્મનાવટ ચાલુ રાખી હિતોને નુકસાન પહોંચાડે છે, જ્યારે બીજી તરફ આર્થિક અને વેપારી લાભ મેળવવા માંગે છે તે સ્વીકારી શકાય એમ નથી.

જો કે હાલની પરિસ્થિતિમાં યુદ્ધની કોઈ શક્યતા નથી દેખાતી. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના તત્કાલીન સ્પીકર નેન્સી પેલોસીએ ગયા વર્ષે તાઈપેઈની મુલાકાત લીધી તે પછી, ચીની સૈન્યે તાઈવાન પર મિસાઈલો છોડી હતી, જેમાંની કેટલીક જાપાનના ક્ષેત્રમાં પડી હતી. ઉપરાંત તાઈવાનની આસપાસ નૌકા કવાયતનું આયોજન કર્યું હતું, જેને તાઈવાનના અધિકારીઓએ આક્રમણની તૈયારી તરીકે વર્ણવ્યું હતું. ત્યાર બાદ રાષ્ટ્રપતિ ત્સાઈ ઇંગ-વેન કેલિફોર્નિયામાં હાઉસ સ્પીકર કેવિન મેકકાર્થીને મળ્યા પછી ચીને એપ્રિલમાં પણ આવી કવાયત હાથ ધરી હતી.

એટલે હાલના સમયમાં ચીન આંતરરાષ્ટ્રીય સમુદાય સામે સીધો મુકાબલો કરે એમ નથી લાગતું. પણ ચીને જે ફૂંફાડા મારવાનું શરૂ કર્યું છે તેના પરથી સમજાય છે કે રશિયાને બદલે હવે વિશ્વની નવી ધરીનો બીજો છેડો સંભાળવા ચીન વધુ ને વધુ આક્રમક થતું જશે. આમ તો આ ડિપ્લોમેટિક કોલ્ડ વોર ગણી શકાય, જે પહેલાં અમેરિકા-રશિયા વચ્ચે ચાલતું હતું. હવે ચીન-અમેરિકા વચ્ચે ચાલી રહ્યું છે, જેમાં તાઇવાન હાથો બની રહ્યું છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top