SURAT

વરાછાના કે.પ્રકાશ જ્વેલર્સની દુકાનનું શટર પડી જતાં સોનીઓ દોડતા થઈ ગયા

સુરત(Surat): વરાછા (Varacha) ખાતે એફિલ ટાવરમાં કે.પ્રકાશ જ્વેલર્સના (KPrakashJewelers) માલીકે ચાર જણા પાસેથી સોનું (Gold) ખરીદવા આપેલા રોકડા અને સોનું મળી કુલ 12.18 લાખ રૂપિયા પડાવી દુકાન બંધ કરી ફરાર થઈ જઈ છેતરપિંડી (Cheating) કરી હોવાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

  • વરાછામાં કે.પ્રકાશ જ્વેલર્સે ચાર જણા સાથે 12.18 લાખની છેતરપિંડી કરી
  • જ્વેલર્સ સોનુ અને રોકડ લઈને દુકાન બંધ કરી ફરાર થઈ ગયો, અન્ય લોકો પણ ભોગ બન્યાની શક્યતા
  • 51 રૂપિયા સોનાની મજુરી અને જીએસટી ચાર્જના બદલે નવા ઘાટનું સોનાની લાલચ આપી હતી

વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા લંબે હનુમાન રોડ એસ.એમ.સી કોમ્યુનિટી હોલ પાસે સાગર સોસાયટીમાં રહેતા 50 વર્ષીય હસમુખ મોહનભાઈ ઘેવરિયાએ વરાછા એફિલ ટાવરમાં આવેલા કે.પ્રકાશ જવેલર્સના માલિક પ્રકાશ ધાનક અને કેવલ ધાનકને રૂપિયા 5.52 લાખના મત્તાનું 119.800 ગ્રામ સોનું આપ્યું હતું.

આ સિવાય નરેશ શાંતીલાલ વાઘેલાએ 2.76 લાખનું 56.880 ગ્રામ સોનું, તુષાર નાનજભાઈ કયાડાએ 1.29 લાખનું 28 ગ્રામ સોનું જયારે અનીલ અશોક રાઠોડે સોનાની બંગડી ખરીદવા માટે રૂપિયા 2.60 લાખ આપ્યા હતા. ચારેય પાસેથી આરોપી જ્વેલર્સના માલીકે રોકડ રકમ અને સોનુ મળી કુલ રૂપિયા 12.18 લાખ પડાવી લીધા હતા.

બાદમાં સોનું કે રૂપિયા પરત નહીં આપી જવેલર્સની દુકાન અને મોબાઈલ બંધ કરી રાતોરાત ફરાર થઈ ગયા હતાં. બાદમાં તપાસ કરાવતા જ્વેલર્સના માલીકે ઉઠમણું કર્યાનું જાણવા મળતા તેમને પ્રકાશ ધાનક અને કેવલ ધાનક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ સિવાય અનેક લોકોની સાથે છેતરપિંડી થયાની શક્યતાને પગલે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. જ્વેલર્સના માલીકે તેમને એક ગ્રામની મજુરીના 51 રૂપિયા અને અન્ય જડતરનો ખર્ચ તથા જીએસટીનો ચાર્જના બદલે નવા ઘાટ મુજબ સોનું આપવાની લાલચ આપી હતી.

Most Popular

To Top