Madhya Gujarat

વેજલપુર-સુરેલી રોડ પર ચારા સાથે ઝેરી પદાર્થ ખાઇ જતાં ૩ પશુના ભેદી મોત

કાલોલ : કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં સુરેલી રોડ સરકાર આરોગ્ય કેન્દ્ર પાસે ગુરુવારે સવારે રોડ પર ફેંકલા કચરાના ઢગલા પાસે ત્રણ ગાયો મૃત હાલતમાં અને અન્ય પાંચ ગાયો ગંભીર હાલતમાં જોવા મળતા ગાયો માટેની ધાર્મિક લાગણીને પગલે લોકોમાં ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. વેજલપુર ગામમાં મોટા ભાગની ગૌચર જમીનો પર ગેરકાયદે દબાણો બની જતા ગામમાં ફરતી ગાયો રોડની બાજુમાં ફેંકવામાં આવેલા કચરાના ઢગલામાં કચરો ખાવા મજબૂર થતી હોય તેવી દુર્દશા જોવા મળે છે. જે ગોચર જમીનોને અભાવે અને સ્થાનિક પશુ પાલકોની નિષ્કાળજીને કારણે અનેક ગાયો ગામમાં અને ગામની સીમમાં રખડતી ગાયો જોવા મળે છે.

જે ગાયો દિવસભર ગામ, સીમ, આસપાસના ખેતરોમાં અને રોડ પર ફેંકવામાં આવેલા કચરાના ઢગલામાં ચારો ચરીને ગુજરાન ચલાવે છે. જે મધ્યે ગુરુવારે સવારે સુરેલી રોડ પર આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે રોડની સાઈડમાં ફેંકવામાં આવેલા કચરાના ઢગની આસપાસ અલગ અલગ જગ્યાએ કોઈ અગમ્ય કારણોસર ત્રણ ગાયો મૃત હાલતમાં અને પાંચ ગાયો ગંભીર હાલતમાં જોવા મળતા સ્થાનિક લોકો દ્વારા સ્થાનિક વેજલપુર અને ગોધરા પશુ ચિકિત્સકોને જાણ કરતા તાત્કાલિક પશુ ચિકિત્સકો વેજલપુર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

જે પશુ ચિકિત્સકો દ્વારા અસરગ્રસ્ત ગાયોની બચાવ અને રાહત કામગીરી માટે જરૂરી સારવાર હાથ ધરી છે. જે પશુ ચિકિત્સકોના પ્રાથમિક તપાસમાં સંભવિત ગુરુવારે સવારે વેજલપુર ગામના સુરેલી રોડ વિસ્તારમાં આવેલા કોઈ ખેતરમાં ઘાસચારા કે કોઈ ધાન્ય ખતેરમાં છાંટેલી ઝેરી દવા ખાઈ જવાથી ગાયો ભોગ બની હોવાનું તારણ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વેજલપુરમાં ગુરુવારે સવારે રખડતી એવી અબોલ ત્રણ ગાયોના મોતની દુર્ઘટનાને પગલે રખડતી ગાયોની દુર્દશા માટે જવાબદાર કોણ અને રખડતા પશુઓના નિવારણ માટે તંત્ર દ્વારા કેવા અસરકારક પગલાં લેવામાં આવશે એ ઉકેલ માંગતો કોયડો બની ગયો છે.

Most Popular

To Top