SURAT

‘જેમ નળમાંથી પાણી નીકળે તેમ ગ્રીષ્માના ગળામાંથી લોહી નીકળતુ હતું’

સુરત : ગ્રીષ્મા હત્યા કેસમાં (Murder Case) પુત્રીની (Doughter) હત્યાની જુબાની આપતી વખતે માતા વિલાસબેન ચૌધાર આંસુએ રડી પડ્યા હતા. કોર્ટમાં આ જુબાની દરમિયાન લાગણીશીલ દૃશ્યો સર્જાયા હતા, વિલાસબેનએ કોર્ટમાં (Court) જુબાની આપતા કહ્યું કે, ‘જેમ નળમાંથી પાણી નીકળે તેમ ગ્રીષ્માના ગળામાંથી લોહી નીકળતુ હતું’.

પાસોદરા ગામે ગ્રીષ્મા વેકરીયાની થયેલી હત્યાના કેસમાં અત્યાર સુધીમાં કુલ્લે 97 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. આ સાક્ષીઓમાં સીસીટીવી ફૂટેજના સાક્ષીઓ, ફેનિલ-ગ્રીષ્માના કપડા કબજે કરવામાં આવ્યા તે પંચસાક્ષીઓ, ફેનિલે જ્યાંથી ચપ્પુ ખરીદ્યું હતું તે પંચસાક્ષીઓ, હત્યાનો વિડીયો જે મોબાઇલમાં શૂટ થયો હતો તે સાક્ષીઓ સહિતની જુબાની લેવામાં આવી હતી. આજે આ કેસમાં મૃતક ગ્રીષ્માની માતા વિલાસબેન વેકરીયાની જુબાની લેવામાં આવી હતી. કોર્ટમાં હાજર વકીલોના જણાવ્યા પ્રમાણે વિલાસબેનએ જુબાની આપતા કહ્યું કે, હું, ગ્રીષ્મા, રેણુકાબેન અને ધ્રુવ અમે બેઠા હતા, ત્યારે ફેનિલ સોસાયટીમાં આવ્યો હતો. સુભાષભાઇ અને ધ્રુવ બંને ફેનિલ પાસે ગયા હતા, ત્યાં જ ફેનિલે સુભાષભાઇને ચપ્પુ મારી દીધું હુતું. આ સાથે જ મારી પુત્રી ગ્રીષ્મા પણ ત્યાં ગઇ હતી, ત્યારે ફેનિલે સુભાષભાઇને છોડીને ગ્રીષ્માનો હાથ પકડી તેના ગળા ઉપર ચપ્પુ મુકી દીધું હતું. ધ્રુવ અને સુભાષભાઇ તેની પાસે ગયા ત્યારે ફેનિલે ગ્રીષ્માના ગળામાં ચપ્પુ મારી દીધું હતુ અને કહ્યું કે, ‘હું આજે બધાને મારી નાંખીશ’. જેવી રીતે નળમાંથી પાણી નીકળે તેવી જ રીતે ગ્રીષ્માના ગળામાંથી લોહીની ધાર થઇ હતી. આ વાત કહેતા જ વિલાસબેન ચૌધાર આંસુએ રડી પડ્યા હતા અને કોર્ટમાં ભાવુક દૃશ્યો થયા હતા. કોર્ટે વિલાસબેનને પહેલા પાણી અપાવ્યું હતુ અને ત્યારબાદ બેસવા માટે ખુરશી આપી હતી. વિલાસબેનને થોડી રાહત આપીને ત્યારબાદ તેમની જુબાની લેવામાં આવી હતી. આ કેસમાં આજે કુલ્લે સાત જેટલા સાક્ષીઓની જુબાની થઇ હતી, હવે આગામી દિવસોમાં તપાસ કરનાર પોલીસ અધિકારીની જુબાની લેવામાં આવશે અને આગામી બે દિવસમાં જ ફરિયાદ પક્ષે તમામ સાક્ષીઓની જુબાની પુરી કરવામાં આવશે.

Most Popular

To Top