National

શિંદે અને ઉદ્ધવ જૂથના કાર્યકરો વચ્ચે અથડામણ, ધારાસભ્યએ ગોળીબાર કર્યો, 5ની ધરપકડ

મુંબઈ: (Mumbai) મહારાષ્ટ્રમાં શિવસેનાના (Shivsena) બે જૂથો (ઉદ્ધવ અને શિંદે જૂથ) વચ્ચેની રાજકીય લડાઈ ખતમ થવાનું નામ નથી લઈ રહી. સમાચાર આવી રહ્યા છે કે મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં બંને જૂથના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી. બંને જૂથના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઠાકરે જૂથ તરફથી આક્ષેપો થયા છે કે શિંદે જૂથના ધારાસભ્યએ (MLA) ગોળીબાર (Firing) કર્યો છે. આ અંગે પોલીસે ગુનો નોંધ્યો છે. દાદરમાં પોલીસે ઉદ્ધવ જૂથના પાંચ લોકોની ધરપકડ કરી હતી જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ગણેશ વિસર્જનના દિવસે બંને જૂથના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી
ગણેશ વિસર્જનના દિવસે ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથના કાર્યકરો એકબીજા સાથે અથડાયા હતા. જે પછી ગઈકાલે રાત્રે ફરી દાદર વિસ્તારમાં બંને જૂથના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એકનાથ શિંદે જૂથના ધારાસભ્ય સદા સરવણકર અને તેમના માણસો ગઈકાલે રાત્રે દાદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેઓએ ઉદ્ધવ ઠાકરે જૂથના લોકો વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ શિંદે જૂથના કાર્યકર્તાઓએ વ્હોટ્સએપ ગ્રુપ પર ઠાકરે જૂથ વિશે વાંધાજનક વાત લખી હતી. જેના પછી આ બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. ગણેશ વિસર્જન દરમિયાન પણ બંને જૂથો એકબીજા પર આક્ષેપો કરતા જોવા મળ્યા હતા.

MLC સુનીલ શિંદેએ સદા સરવણકર પર ફાયરિંગનો આરોપ લગાવ્યો
ઉદ્ધવ ઠાકરે જૂથ વતી એમએલસી સુનીલ શિંદેએ આરોપ લગાવ્યો કે સદા સરવણકરે કાયદો વ્યવસ્થા હાથમાં લીધી અને પોતાની બંદૂકથી ગોળીબાર કર્યો હતો. જોકે સદા સરવણકરે ફાયરિંગ કર્યું છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરેના જૂથે શિંદે જૂથના ધારાસભ્ય સદા સરવણકર પર હવામાં ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો છે.

પોલીસે ઉદ્ધવ ઠાકરે જૂથના 30 થી 40 લોકો સામે કેસ નોંધ્યો
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના કેટલાક લોકો ગઈકાલે રાત્રે સદા સરવણકરની બિલ્ડિંગની નીચે પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે એકનાથ શિંદે જૂથના લોકો ત્યાં પહોંચ્યા અને બંને જૂથો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. જે બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. શિંદે જૂથના કાર્યકર સંતોષ તેલવણેની ફરિયાદ પર પોલીસે ઉદ્ધવ ઠાકરે જૂથના 30 થી 40 લોકો સામે ગુનો નોંધ્યો હતો અને 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તો સાથે જ પોલીસ ઉદ્ધવ ઠાકરે જૂથના લોકોના નિવેદન નોંધી રહી છે અને તે નિવેદનની ખરાઈ કર્યા બાદ પોલીસ આગળની તપાસ કરશે.

Most Popular

To Top