National

મુકેશ અંબાણીને ઈ-મેલ પર મળી ધમકી, કહ્યું- 20 કરોડ નહીં આપો તો મારી નાંખીશું

મુંબઈ(Mumbai) : દેશની સૌથી મોટી કંપનીના માલિક અને સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને (MukeshAmbani) જાનથી મારી નાંખવાની ધમકી (ThreatenForLife) મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ મુકેશ અંબાણી પાસે 20 કરોડ રૂપિયાની માંગણી કરી છે અને કહ્યું છે કે જો પૈસા નહીં આપવામાં આવે તો તેમણે પોતાનો જીવ ગુમાવવો પડશે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 27 ઓક્ટોબરે મુકેશ અંબાણીની કંપનીના ઈમેલ આઈડી પર કોઈ અજાણ્યા વ્યક્તિએ આ ધમકીભર્યો ઈમેલ મોકલ્યો છે. ધમકીભર્યા ઈમેલમાં લખ્યું છે કે, ‘જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાંખીશું, અમારી પાસે ભારતના બેસ્ટ શૂટર્સ છે’.

આ ઈમેલ મળ્યા બાદ મુકેશ અંબાણીના સિક્યુરીટી ઓફિસરની ફરિયાદના આધારે, મુંબઈની ગામદેવી પોલીસે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરૂ કરી છે. ધમકીભર્યા ઈ-મેલમાં લખવામાં આવ્યું છે કે જો પૈસા નહીં આપવામાં આવે તો તે મુકેશ અંબાણીને હુમલો કરાવી શકે છે કારણ કે તેમની પાસે દેશના બેસ્ટ શૂટર્સ છે.

ગયા વર્ષે પણ મુકેશ અંબાણીને મળી હતી ધમકી
અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ એક વ્યક્તિએ દક્ષિણ મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ફોન કર્યો હતો. તેણે હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ત્યાર બાદ ફોન કરનારે મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની હત્યા કરવાની ધમકી આપી હતી. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને પણ ઉડાવી દેવાની ધમકી આપી હતી.

અંબાણીના ઘરની બહાર 2021 માં વિસ્ફોટકોથી ભરેલી એક SUV મળી આવી હતી
આ અગાઉ ફેબ્રુઆરી 2021 માં મુકેશ અંબાણીના ઘર પાસે એક ત્યજી દેવાયેલી SUV મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. દક્ષિણ મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર ‘એન્ટીલિયા’ પાસે વિસ્ફોટકોથી ભરેલી એક SUV મળી આવી હતી. તેમાંથી 20 જેટલી જિલેટીનની લાકડીઓ અને એક પત્ર મળી આવ્યો હતો. પત્રમાં મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને ધમકી આપવામાં આવી હતી. જે બાદ મુંબઈ પોલીસે આ કેસમાં કાર્યવાહી કરી અને કેટલાક લોકોની ધરપકડ કરી હતી.

Most Popular

To Top