Charchapatra

માતા, પિતા અને શિક્ષક

સમગ્ર સમાજને શ્રેષ્ઠ કક્ષાનો બનાવવો હોય તો સૌ પ્રથમ ત્રણને શ્રેષ્ઠ બનાવવા પડે, માતા, પિતા અને શિક્ષક. કારણ કે સમાજ વ્યક્તિઓનો બનેલો છે અને વ્યક્તિનિર્માણમાં સૌથી મહત્ત્વનું કાર્ય કરતું હોત તો એ આ ત્રિપુટી જ છે. એક બાળકને જન્મ આપવો, તેનો ઉછેર કરવો અને તે શ્રેષ્ઠ જીવન જીવે તે માટે પ્રયત્ન કરવો, એ શરૂઆતથી છેલ્લે સુધી ખૂબ ખંત અને ધીરજ માંગી લેતું કામ છે. પણ મોટા ભાગે આ સમાજના સૌથી મહત્ત્વના કાર્ય પ્રત્યે સૌથી વધુ દુર્લક્ષ સેવાય છે અને માતાપિતા પછી બાળક પર સૌથી વધુ પ્રભાવ હોય તો તે શિક્ષકનો હોય છે.

પણ તે અંગે પણ સમાજ હજી સભાન નથી.  માતાપિતાની કેળવણી એટલે કે ગર્ભસંસ્કાર પછી બાળકને જન્મ આપવાનું જ્ઞાન, ઉત્તમ સંતાનના જન્મ માટેના પ્રયોગોનું જ્ઞાન, ઉપરાંત બાળઉછેર માટેની સમજણ, આ બે બાબતે પ્રત્યેક નવદંપતી જાગૃત હોવાં જોઈએ. શિક્ષકની કેળવણી એવી હોવી જોઈએ કે તેનામાં વિદ્યાર્થીની જિજ્ઞાસાવૃત્તિને વિકસાવવાની ક્ષમતા આવે અને શિક્ષણ દ્વારા તે વિદ્યાર્થીઓને મહાન નાગરિક બનાવી શકે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશની દિવ્ય ત્રિપુટી સંસારને ગતિશીલ રાખે છે, પણ સંસારને શ્રેષ્ઠ કક્ષાનો બનાવતી આ માનવીય ત્રિપુટી પણ કંઈ કમ નથી!
ભરૂચ     – વીરેન્દ્રસિંહ અટોદરિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top