Dakshin Gujarat

કિશોરે ઓળખીતા પાસે ઉછીના રૂપિયા લીધા, એવું તે શું થઈ ગયું કે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ

ખેરગામ : ખેરગામમાં એક કિશોરે તેના ઓળખીતા પાસેથી રૂ.20,000 ઉછીના હાથે લીધા હતા. પરંતુ આ રૂપિયા કિશોરને 20 ટકા વ્યાજે આપ્યાનું કહી બે મોબાઈલ એક બાઈક જબરજસ્તી લઈ જાતિ વિષયક અને ગાળો આપી ઢીક્કામૂકીનો માર મારી મારી નાખવાની ધમકી આપતા મામલો ખેરગામ પોલીસ મથકે પહોંચ્યો હતો.

ખેરગામના એક કિશોરે તેના ઓળખીતા રમજાન સિંધી અને ફિરોજ ઉર્ફે બાબુ સૈયદ પાસેથી ઉછીના 20,000 લીધા હતા. પરંતુ રમજાન સિરાજ સિંધી અને ફિરોજ ઉર્ફે બાબુ સૈયદએ કિશોરને આ રૂપિયા 20 ટકા વ્યાજે આપ્યા હોવાનું જણાવતા કિશોરના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કિશોરે લીધેલા પૈસા પરત નહીં આપતા બંને એકબીજાની મદદગારીથી ખેરગામના પટેલ ફળિયા બાબુ ચણાવાળાની દુકાનની સામે જાહેર રોડ ઉપર જાતિ વિષયક અને ગંદી ગાળો આપી ઢીક્કામૂક્કીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

કિશોર પાસેથી રૂ.15,000 ની કિંમતના બે મોબાઈલ અને 25,000ની કીમતની મોટરસાયકલ જબરજસ્તી લઈ લીધી હતી. કિશોરે આ બાબતે ખેરગામ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ખેરગામમાં રહેતો રમજાન સિરાજ સિંધી અને ખેરગામના ઝંડાચોક પાસે રહેતો ફિરોજ ઉર્ફે બાબુ સૈયદ વિરુદ્ધ ગુનો નોંધી ઘટનાની વધુ તપાસ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એસસી/એસટી સેલના વી. એન. પટેલ કરી રહ્યા છે.

વ્યાજે નાણા લીધા બાદ સમયસર ચૂકવી નહીં શકતા ખંડણી માંગવાનો કારસો રચ્યો
ઘેજ : ચીખલી તાલુકાના આમધરા ગામના ખેડૂત પાસે ફોન પર પંદર લાખ રૂપિયાની ખંડણી માંગી ધમકી આપનાર બે આરોપીઓના પોલીસે કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે સગીર આરોપીને પૂછપરછ માટે બોલાવે ત્યારે હાજર રહેવાની શરતે મુક્ત કરાયો હતો.

મૂળ સિયાદા ગામના અને આમધરા ગામે સાસરામાં રહી ખેતીકામ કરતા પંકજભાઇ પટેલને ફોન ઉપર પંદર લાખ રૂપિયાની ખંડણી માંગી નહીં આપે તો તેમના પુત્ર સાથે ઉડાવી દેવાની ધમકી આપવાના બનાવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. જો કે પોલીસે મોબાઇલ ફોનનું લોકેશન ટ્રેસ કરી પિપલગભણ વિસ્તારમાંથી આમધરા ગામના શિવાંગ બિપિન પટેલ અને પિપલગભણના રોનક રાજેશ પટેલ તથા એક સગીર સહિત ત્રણ જેટલાને ઝડપી પાડ્યા હતા. ઉપરોકત બંને આરોપીઓની પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે સગીર આરોપીની માતાને નોટીસ આપી ફરી બોલાવે ત્યારે હાજર રહેવાની શરતે મુકત કર્યો હતો.

ખંડણી માંગવાના ગુનાના આરોપીઓ પૈકી શિવાંગ બિપિન પટેલ (રહે. આમધરા કોળીવાડ તા. ચીખલી)નો પરિવાર પંકજભાઇના ઘરે દૂધનું વેચાણ કરતો હતો અને બંને વચ્ચે નાણાકીય વ્યવહાર પણ ચાલતા હતા અને શિવાંગ પટેલ અગાઉ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે અગાઉ શિવાંગ પટેલે વ્યાજ પેટે નાણા લીધા હોવાની અને તે સમયસર ચૂકવી નહીં શકતા મૂળ રકમ સાથે પરત કરવાની રકમ વધી જતા પંકજભાઇ પાસે જ ખંડણી માંગવાનો કારસો રચ્યો હોવાની ચર્ચા પણ પ્રકાશમાં આવી રહી છે ત્યારે ખરેખર જો નાણા વ્યાજ પેટે આપવામાં આવેલા હોય તો વ્યાજનો ધંધો અધિકૃત રીતે કે બિન અધિકૃત રીતે કરાતો હતો. તે દિશામાં પણ પોલીસ તટસ્થ તપાસ કરે તો વધુ હકીકત બહાર આવે તેમ છે.

Most Popular

To Top