Gujarat Election - 2022

વડાપ્રધાન મોદીએ મહેશ સવાણીને મળતાં જ તેમનો કાન ખેંચ્યો

સુરત: ચૂંટણી પ્રચાર (Election Campaign) માટે સુરત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) પણ સુરતની તમામ બાર બેઠક કબજે કરવા માટે કમર કસી છે. મોદીએ ગઈકાલે રોડ શો અને જાહેર સભા તો કર્યા પરંતુ સાથે સાથે ભાજપના (BJP) પાયાના કાર્યકરોને પણ પ્રોત્સાહિત કર્યા હતા. સાથે સાથે મોદીએ સુરતના ઉદ્યોગકારો અને તેમાં પણ ખાસ કરીને પાટીદાર ઉદ્યોગકારો સાથે મુલાકાત કરી તમામને ભાજપને જીતાડવા માટે તાકીદ પણ કરી હતી. મોદીએ સભા સ્થળ તેમજ જતી વખતે એરપોર્ટ પર ભાજપના વોર્ડ પ્રમુખો સાથે મીટિંગ કરી હતી અને તમામને માત્ર એક જ શબ્દ ‘જોજો’માં ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે લાગી પડવાનો કડક સંદેશ પણ આપી દીધો હતો. મોદીએ ગઈકાલે રાત્રે સર્કિટ હાઉસમાં (Circuit House) કોઈ જ મીટિંગ કરી નહોતી પરંતુ રૂબરૂ મુલાકાતો તેમજ ઉદ્યોગકારો અને આગેવાનોને ફોન કરીને ભાજપ માટે કામે લાગી જવાનું જણાવ્યું હતું.

ગઈકાલે એરપોર્ટ (Airport) પર ઉતર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીધો રોડ શો કર્યો હતો અને સભાસ્થળે પહોંચ્યા હતા. સભાસ્થળે મોદીએ સુરતના ઉદ્યોગકારો અને તેમાં ખાસ કરીને પાટીદાર ઉદ્યોગકારો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. મોદી કિરણ હોસ્પિટલના કર્તાહર્તા મથુર સવાણી, લવજી બાદશાહ, લાલજી પટેલની સાથે સાથે એમ.કાંતિલાલના મુકેશ પટેલ, મહેશ સવાણી સહિતના ભાવનગર તેમજ અમરેલી જિલ્લાના ઉદ્યોગકારોને મળ્યા હતા. મોદીએ તમામને ભાજપ માટે એક પણ સીટ ઓછી થવી જોઈએ નહીં તેવી સૂચના આપી હતી. મોદીએ સીધા શબ્દોમાં વધારે ફોડ પાડ્યો નહોતો પરંતુ ભાજપ માટે લાગી જવાની તાકીદ કરવાની સાથે સૌરાષ્ટ્રમાં પણ જ્યાં શક્ય હોય ત્યાં મદદ કરવા માટે જણાવ્યું હતું.

મોદીએ ઉદ્યોગકારોની સાથે સાથે ભાજપના 9થી 30 વોર્ડના પ્રમુખ, ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો તેમજ આગેવાનો સાથે પણ સભાસ્થળે મુલાકાત કરી હતી. મોદીએ તમામનું અભિવાદન કરવાની સાથે તમામને કામે લાગી જવા માટે જણાવ્યું હતું. સભાસ્થળ બાદ મોદીએ સવારે એરપોર્ટ પર પણ વોર્ડ નં. 1થી 8ના ભાજપના વોર્ડ પ્રમુખો, વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ સરપંચોને પણ મળ્યા હતા. એરપોર્ટ પર પણ મોદીએ તમામને ભાજપને જીતાડવા માટે તમામ પ્રયાસો કરવા માટે મોઘમમાં જણાવ્યું હતું. ભાજપના વોર્ડ પ્રમુખો તેમજ આગેવાનોને મોદીએ એક જ શબ્દમાં એવું કહી દીધું હતું કે, ‘જોજો’.

મોદીએ મહેશ સવાણીને મળતાં જ તેનો કાન ખેંચ્યો
સભાસ્થળ પર મોદી સુરતના ઉદ્યોગકાર મહેશ સવાણીને પણ મળ્યા હતા. મહેશ સવાણી પહેલા કોંગ્રેસમાં હતા અને બાદમાં તેઓ 2007માં ભાજપમાં જોડાયા હતા. થોડા સમય પહેલા મહેશ સવાણી આપમાં જોડાઈ ગયા હતા અને છેલ્લે ફરી ભાજપમાં આવી ગયા હતા. મહેશ સવાણીને જ્યારે મોદી મળ્યા ત્યારે મોદીએ તેમનું અભિવાદન ઝીલવાની સાથે તેમનો કાન પણ ખેંચ્યો હતો. મોદીએ મહેશ સવાણીનો કાન ખેંચ્યો તેને રાજકીય રીતે ઘણું સૂચક માનવામાં આવે છે.

સર્કિટ હાઉસમાં મોદીએ સીઆર પાટીલ અને હર્ષ સંઘવી સાથે લાંબી બેઠક કરી
સુરતમાં રાત્રિ રોકાણ કરવા છતાં વડાપ્રધાન મોદીએ રાત્રે કોઈ મીટિંગ કરી નહોતી પરંતુ સવારે મોદીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી. આશરે બેથી અઢી કલાક સુધી આ મીટિંગ ચાલી હતી. જેમાં મોદીએ સીઆર પાટીલ અને હર્ષ સંઘવી પાસેથી હાલની ચૂંટણીની સ્થિતીની વિગતો લીધી હતી અને સમીક્ષા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાખરા, ફાફડા, પાટુળી ઇદળા અને સેન્ડવીચ પાર્સલ કરવામાં આવી
મોદીએ રાત્રિ રોકાણ દરમિયાન સર્કિટ હાઉસમાં રાત્રે ખીચડી-કઢીનું ડિનર લીધું હતું. સવારે મોદીએ ચા-નાસ્તો કર્યો હતો અને સુરતથી નીકળતી વેળાએ રસાલા સાથે સુરતના જૈન ખાખરા, ફાફડા, જલેબી, પાટુડી અને ઇદળા પાર્સલ કરાવ્યા હતા. સર્કિટ હાઉસમાંથી નીકળતા પહેલા મોદીએ બપોરનું ભોજન પણ લીધું હતું. જેમાં મોદીને આગલા દિવસે રાતે બનાવાયેલી ખીચડી-કઢી સાથે બનાવેલી કઢી વધુ પસંદ પડતા આજે સવારે ફરી કઢી બનાવવામાં આવી હતી.

Most Popular

To Top