Dakshin Gujarat Main

વલસાડ જિલ્લામાં શિક્ષિત અને શાંત ગામમાં ગણના પામતું કપરાડા તાલુકાનું આ ગામ એટલે મોટાપોંઢા

એક સમયે મોટાપોંઢા વિધાનસભા બેઠક તરીકે ઓળખાતું કપરાડા તાલુકાનું અને વાપી ધરમપુર માર્ગ ઉપર આવેલું મોટાપોંઢા ગામ કપરાડા તાલુકામાં વધુ વસતી ધરાવતાં ગામોમાંથી એક છે. મોટાપોંઢાના અગાઉના માજી સરપંચ, ઉપસરપંચો, આગેવાનો અને હાલે જેમની પાસે શિક્ષણ, પંચાયત, સામાજિક, સહકારી ક્ષેત્રનું સુકાન છે, તેવા રાજકીય, સામાજિક આગેવાનો, યુવાનોના પ્રયાસો થકી સમગ્ર તાલુકામાં શિક્ષિત અને શાંત ગામમાં ગણના કરવામાં આવે છે. જેથી મોટાપોંઢાને તાલુકામાં શિક્ષણનું હબ કહીએ તો પણ ખોટું નથી. અહીં મુખ્ય પ્રાથમિક શાળા સહિત 8 પ્રાથમિક શાળા આવેલી છે. ઉપરાંત 2 હાઇસ્કૂલ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ હોસ્ટેલ સાથે આવેલી છે.

ઉપરાંત 10 આંગણવાડી કાર્યરત છે. તો કન્યા વિદ્યાલય પણ આવેલી છે. ગામમાં કુલ 1872 હેક્ટરના ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલા ગામની કુલ વસતી 9942 છે, જેમાં પુરુષ 5029 અને મહિલા 4913નો સમાવેશ થાય છે. અનુસૂચિત જન જાતિની 7938 વસતીનો સમાવેશ થાય છે. જ્યારે બી.પી.એલ.ની સંખ્યા 338 થવા જાય છે. અહીં તાલુકાનું સૌથી મોટું વિસ્તાર ધરાવતું 31 એકરમાં ફેલાયેલું તળાવ છે. જેના કિનારે શ્રી રામકૃષ્ણ મંદિર અને શ્રી પુનેશ્વર મહાદેવ મંદિર આવ્યું છે, જેમાં ભાવિક ભક્તો દર્શને આવી ધન્યતા અનુભવે છે.તો ઝંડા ચોક સ્થિત અંબા માતાનું મંદિર ઉપરાંત જલારામ બાપાનું મંદિર પણ ભક્તોની આસ્થાનું ધામ છે. અહીં સમયાંતરે ધાર્મિક કાર્યક્રમો થતા રહે છે.

  • ગ્રામ પંચાયતના પદાધિકારીઓ
  • સરપંચ- રણજીતભાઈ રમેશભાઈ પટેલ
  • સભ્યો- અશોક પ્રભુભાઈ પટેલ
  • દિવ્યેશ પ્રભુભાઈ પટેલ
  • સંદીપ ખુશાલભાઈ પટેલ
  • ગીતાબેન જિગ્નેશભાઈ પટેલ
  • રશ્મિબેન અજીતભાઈ પટેલ
  • મીનાક્ષીબેન દિવ્યેશભાઈ પટેલ
  • અમીષાબેન મણીલાલ પવાર
  • કંકુબેન શૈલેષભાઈ હળપતિ
  • ટીનાબેન રમેશભાઈ આહીર
  • જિનલબેન હાર્દિકભાઈ પટેલ
  • દીપકભાઈ મંગલાભાઈ બોપાટ
  • વનિતાબેન ગોવિંદભાઈ પટેલ
  • કાંતિભાઈ રમણભાઈ પટેલ
  • તલાટી કમ મંત્રી- વિશાલકુમાર બી.પટેલ
  • જિલ્લા પંચાયત સભ્ય- કેતનભાઈ બી.પટેલ

જલારામ મંદિરના નિર્માણમાં ગામના યુવકો અને વડીલોની મહત્ત્વની ભૂમિકા
આ ગામમાં જલારામ મંદિરના નિર્માણમાં અહીંના યુવકો તેમજ વડીલોનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. ૧૯૯૪માં મોટાપોંઢામાં કથાકાર પ્રફુલભાઈ શુક્લની રામકથા થઈ હતી. ત્યારે ગામના યુવકોએ જલારામ બાપાનું મંદિર બનાવવાનું પ્રણ લીધું હતું. ત્યારે મંદિરનો પાયો ઊભો કર્યો પરંતુ ત્યારે સંગઠન બની નહીં શકતાં ત્યારે મંદિર નિર્માણનું કામ આગળ ધપી શક્યું ન હતું. બાદ ગામમાં ૨૦૦૩-૨૦૦૪માં હરિદ્વાર જૂના અખાડાના સ્વ.ઈન્દ્રજીતપુરી મહારાજ દ્વારા મહારુદ્ર યજ્ઞ કરવામાં કરવામાં આવ્યો હતો. ૧૧ દિવસ સુધી આ યજ્ઞ ચાલ્યો હતો. ૧૧ કુંડના આ મહારુદ્ર યજ્ઞના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યા હતા. રોજ અહીં બપોરે મહાપ્રસાદ થતો તેમજ રોજ જુદા જુદા પંથના સંતો દ્વારા સત્સંગ તેમજ પ્રવચન થતાં હતાં.

આ મહારુદ્ર યજ્ઞ બાદ મોટાપોંઢા ગામમાં યુવકોનું સારું સંગઠન થયું. યુવકો સાથે ગામના વડીલો પણ માર્ગદર્શન આપતા હોવાથી આ સંગઠને જલારામ બાપાનું મંદિર બનાવવા માટે ટિકિટ વેચીને પૈસા ભેગા કર્યા. ગામના સ્વ.ભીખુભાઈ હળપતિ તેમજ રમણભાઈ હળપતિએ મોકાની જમીન પાણીના ભાવે મંદિર માટે આપી હતી. અગાઉ જે પાયો બનાવ્યો હતો, તે તોડવા માટે ગામના યુવકો સાથે વડીલોએ પણ જહેમત ઉઠાવી હતી. જે અગાઉ પાયો બનાવ્યો હતો તે તોડવામાં સાપ-વીંછી પણ નીકળે તો પણ તેની દરકાર નહીં કરી ગામના લોકોએ એક સંપ થઈ મંદિર માટે પહેલાનો પાયો દૂર કરી નવી ડિઝાઈન બનાવીને મંદિરના નિર્માણની દિશામાં આગળ વધ્યા.

વાપીના પાટિલ આર્કિટેક્ટ પાસે ડિઝાઈન તૈયાર કરાવીને મંદિરના નિર્માણનું કામ શરૂ કર્યુ હતું. ગામના યુવકોએ મંદિરના નિર્માણ સમયે સિમેન્ટ, રેતીનાં તગારાં ઉઠાવીને સેવા આપી હતી. મંદિર માટે દાન પણ ઉઘરાવ્યું હતું. અહીં સુધી કે લકી ડ્રો કાઢી બાઈક તેમજ ટીવી જેવાં ઇનામો રાખીને મંદિર માટે પૈસા ભેગા કર્યા હતા. મોટાપોંઢામાં જય જલારામ મંદિરના નિર્માણ બાદ ૨૦૧૨માં મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો. આખું મોટાપોંઢા ગામ જલારામ બાપાની કૃપાથી ધન્ય બન્યું હતું. વાપીના પ્રવીણભાઈ મીઠિયા પરિવાર દ્વારા મૂર્તિ આપવામાં આવી હતી.

જીતુભાઈના ઘરથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. યજ્ઞ આચાર્ય તરીકે પરિયાના શૈલેષભાઈ પંડ્યા મહારાજની ઉપસ્થિતિમાં આખો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. મોટાપોંઢાના યજમાન તરીકે ધનસુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે વાપીના ઉદ્યોગપતિ એલ.એન.ગર્ગ દ્વારા મહા આરતી ઉતારાઈ હતી. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મહાપ્રસાદનો પણ મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. જુદા જુદા પંથના મહારાજોની ઉપસ્થિતિમાં ત્રણ દિવસનો મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

શ્રી જય જલારામ યુવકમંડળની સ્થાપના કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ દ્વારા જલારામ મંદિરનું સંચાલન કરવામાં આવે છે. મોટાપોંઢા ગામમાં આ યુવકમંડળ દ્વારા ગણપતિ ઉત્સવ, નવરાત્રિનો ઉત્સવ, રામ નવમી, જન્માષ્ટમી ઉત્સવ જેવાં આયોજન થાય છે. બ્લડ ડોનેશન કેમ્પ હોય કે સેવાનું કાર્ય હોય જય જલારામ યુવકમંડળ આવાં આયોજન કરતું રહે છે. જલારામ જયંતીના દિવસે મહાપ્રસાદનો સાતથી આઠ હજાર લોકો લાભ લે છે. મોટાપોંઢા ગામમાં જય જલારામ મંદિર આસ્થાનું થાનક બન્યું છે. મંદિરના ટ્રસ્ટના પ્રમુખ પ્રદીપભાઈ આર.પ્રજાપતિ તેમજ જીતુભાઈ ચૌધરી સહિતના મહાનુભાવો ટ્રસ્ટનું સંચાલન સંભાળી રહ્યા છે.

કોરોનાના સમયમાં યુવકમંડળ સક્રિય રહ્યું
મોટાપોંઢા ગામમાં જય જલારામ યુવકમંડળે કોરોનાના કપરા સમયમાં ગામમાં સેવાનું કામ ઉપાડી લીધું હતું. ગામમાં આરોગ્ય વિભાગની ટીમ સાથે યુવકમંડળના યુવકોએ ઉકાળા વિતરણ કરવાનું હોય કે પછી ગામના રસ્તાઓને સેનેટાઈઝ કરવાનું કામ ઉપાડી લીધું હતું.

શિક્ષણ ક્ષેત્રે સ્વ.ભગવાનભાઈનું મહત્ત્વનું યોગદાન
વર્ષો અગાઉ જ્યારે કપરાડા તાલુકામા શિક્ષણ, ધાર્મિક અને સામાજિક સેત્રે વિશેષ નોંધપાત્ર કામગીરીની અતિ જરૂરિયાત હતી, એ સમયે મોટાપોંઢાના આગેવાન સ્વ.ભગવાનભાઈ સોમાભાઇ ધનપાતલિયાએ આ બીડું ઝડપ્યું હતું અને 1960ના વર્ષમાં શ્રી જનતા કેળવણીમંડળની સ્થાપના કરવામાં આવી અને ગ્રામ પંચાયતના મકાનમાં પ્રથમ ધો.8ની શાળા શરૂ કરવામાં આવી હતી. ત્યારથી શરૂ થયેલી શિક્ષણની જ્યોત તેમના દીકરા અને જિલ્લા પંચાયત સભ્ય કેતન પટેલ બખૂબી નિભાવી રહ્યા છે. 1992ના વર્ષમાં મંડળ દ્વારા કપરાડા તાલુકા જેવા આદિવાસી વિસ્તારમાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ શરૂ કરવામાં આવી હતી. જેનો લાભ હજારો વિદ્યાર્થીઓએ લીધો છે અને લઈ રહ્યા છે. સ્થાપક સ્વ.ભગવાનભાઈના દીકરા કેતન પટેલ પણ પિતાની માફક સામાજિક, રાજકીય અને ધાર્મિક ક્ષેત્રે સતત પ્રયત્નશીલ રહે છે. આદિવાસી વિસ્તારમાં અત્યાધુનિક ઉચ્ચ શિક્ષણ વિદ્યાર્થીઓને મળે એ માટે દોડતા રહે છે.

ગામના યુવા સરપંચ અને આગેવાન રણજીતભાઈ પટેલ દ્વારા 31 એકરમાં ફેલાયેલા તળાવને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું આયોજન
બોટિંગ સુવિધા, વોકવે, ગાર્ડન, બાળકો માટે બગીચો બનાવવામાં આવશે
અહીં પ્રવાસન સ્થળ બને તો સ્થાનિક કક્ષાએ રોજગારીનો મોટો સ્ત્રોત પણ ઊભો થઈ શકે

હાલ ગામના સરપંચ પદે યુવા આગેવાન રણજીતભાઈ રમેશભાઈ પટેલ ફરજ બજાવી રહ્યા છે. તેઓ તેમની યુવા ટીમના સથવારે ગામના વિકાસની ગતિને વધુ તેજ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમનાં પત્ની હેમાબેન અને પિતા રમેશભાઈ છીપકાભાઈ પટેલે પણ ગામના સરપંચ પદે રહી ગામના સર્વાંગી વિકાસનાં અનેક શિખરો સર કર્યાં છે. હાલ સરપંચ રણજીતભાઈ પણ પિતાના પગલે મોટાપોંઢાને તાલુકા જ નહીં, જિલ્લા અને રાજ્યમાં આગવું અને અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ગામ બને એ દિશામાં તેમના સભ્યોની ટીમ અને આગેવાનો સાથે મળી આગળ વધી રહ્યા છે. રણજીત પટેલે કહ્યું કે, ગામના 31 એકરમાં ફેલાયેલા તળાવને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા જરૂરી કામગીરી શરૂ કરી છે.

સરકારના પ્રવાસન વિભાગને પણ ટૂંક સમયમાં તેઓ રજૂઆત કરશે. અહીં બોટિંગ સુવિધા, વોકવે, ગાર્ડન, બાળકો માટે બગીચો બનાવવામાં આવશે. જો અહીં પ્રવાસન સ્થળ બને તો સ્થાનિક કક્ષાએ રોજગારીનો મોટો સ્ત્રોત પણ ઊભો થઇ શકે. સાથે ગામમાં સરકારની યોજના થકી વાઈફાઈ ઝોન પણ બનાવવો છે. ઉપરાંત લાઇબ્રેરી બનાવવી છે. જેથી વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે સ્થાનિક કક્ષાએ તૈયારી માટે પ્લેટફોર્મ બની શકે. ઉપરાંત હટીમાળ ફળિયા ખાતે સબ સેન્ટર અને આંતરિક બાકી રસ્તા બનાવવા માટે પ્રાથમિકતા રહેશે.

ગામમાં મોક્ષરથ સેવા કાર્યરત
મોટાપોંઢા ગામના જય જલારામ યુવકમંડળના પ્રયાસો થકી ગામમાં મોક્ષરથની સેવા શરૂ કરવામાં આવી છે. આ મોક્ષરથની સેવા મોટાપોંઢા ઉપરાંત આસપાસનાં ગામો માટે પણ ઉપયોગી સાબિત થઈ છે. વાપીના દાતા મગનલાલ ડાકલે પરિવારના સહયોગથી અહીં મોક્ષરથનો જલારામ જયંતીના દિવસે જ આરંભ કરવામાં આવ્યો હતો. કપરાડા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં અંતિમયાત્રા માટે મૃતકને સ્મશાન સુધી લઈ જવા મોક્ષરથની સેવા હવે ઉપયોગી સાબિત થઈ રહી છે.

શિક્ષણ માટે કોલેજની પણ સુવિધા
આ જ કેળવણીમંડળ સંચાલિત શ્રી મુંબાદેવી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને શ્રીમતી સુગનીબાઈ આર.ચમારિયા કોમર્સ કોલેજ પણ કાર્યરત છે, જેમાં 392 પૈકી 237 વિદ્યાર્થી અને 155 વિદ્યાર્થિની શિક્ષણ મેળવી રહ્યા છે. કોલેજના અનેક વિદ્યાર્થીઓ આજે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. અહીં એન.એસ.એસ. વિભાગ પણ કાર્યરત છે. ઇનચાર્જ આચાર્ય તરીકે સતીશભાઈ યુ. પટેલ ફરજ બજાવી રહ્યા છે.

દૂધડેરીનું સંચાલન મહિલાઓના હાથમાં
મોટાપોંઢા ખાતે મહિલાઓ સંચાલિત દૂધડેરી પણ કાર્યરત છે, જેમાં કુલ સભાસદ 50 છે. પ્રમુખ તરીકે 7 વર્ષથી રશ્મિબેન બી. પટેલ અને મંત્રી તરીકે તારાબેન ગણેશભાઈ દૂધમંડળીનું સંચાલન કરી રહ્યાં છે. પ્રતિદિન અહીં 350થી 400 લીટર જેટલું દૂધ સભ્યો અને પશુપાલકો પાસે લેવામાં આવે છે. જે આલીપોર સ્થિત વસુધરા ડેરીમાં મોકલવામાં આવે છે. ગામનીમહિલાઓની આર્થિક પરિસ્થિતિમાં વધારો કરવામાં દૂધ ડેરીનું ખાસ્સું મહત્ત્વ છે. પ્રમુખ સહિત તમામ સભ્યો દ્વારા દૂધમંડળીને વિકસાવવા અને વધુ ને વધુને મહિલાઓ ડેરી સાથે જોડાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે, તો ગામમાં અન્ય ત્રણથી ચાર સ્થળે પણ ખાનગી ધોરણે દૂધ ડેરીઓ કાર્યરત છે.

મૃતકો માટે ૐ શાંતિ યજ્ઞ
મોટાપોંઢાના યુવાનો દ્વારા બનાવવામાં આવેલા શ્રી જય જલારામ યુવકમંડળ ટ્રસ્ટ હંમેશાં કંઇક ને કંઇક નવું કરી સમાજ માટે મદદરૂપ થઇ અન્ય યુવાનોને પ્રેરણા આપી સમગ્ર વિસ્તારમાં માનવતાભર્યુ કાર્ય કરી રહ્યું છે. આ યુવકમંડળ કોરોના કાળમાં લોકો સુધી રાશન કિટનું વિતરણ કરી જરૂરતમંદ લોકોને મદદરૂપ થયું હતું. જલારામ યુવકમંડળના યુવાનોએ ગામ અને આજુબાજુના ગામના લોકો માટે ભગવાન જગન્નાથ પુરીની રથયાત્રા તેમજ અષાઢી બીજના દિવસે સમગ્ર વર્ષ દરમિયાન સ્વર્ગવાસ પામેલા લોકોની આત્માની શાંતિ માટે જલારામ મંદિર પર ૐ શાંતિ યજ્ઞ અને સ્વર્ગસ્થ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

શ્રી સ્વામીનારાયણ માધ્યમિક અપગ્રેડ આશ્રમ શાળા
ગામમાં ગાંધી આશ્રમ તરીકે ઓળખાતા કેમ્પસમાં હાલ શ્રી સ્વામીનારાયણ માધ્યમિક અપગ્રેડ આશ્રમ શાળા પણ આવેલી છે. જ્યાં 1થી 10 સુધીના વર્ગમાં 186 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે, અને વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ માટે ત્યાં જ હોસ્ટેલ બનાવવામાં આવી છે, જેમાં અંતરિયાળ વિસ્તારોનાં બાળકો અભ્યાસ કરે છે. જેના આદ્યસ્થાપક સ્વ.શ્રી રવિશંકર મહારાજ, સ્વ.જુગતરામ દવે અને સ્વાતંત્ર્યસેનાની સ્વ.ઈચ્છાબેન દેસાઈ હતાં. હાલ શૈક્ષણિક સંસ્થાની દેખરેખ પૂ.સ્વામી વિજ્ઞાન વલ્લભદાસ રાખી રહ્યા છે.

પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રનો અભાવ
દક્ષિણ ગુજરાતમાં ખેતીની સાથે સાથે પશુપાલનનો ઉદ્યોગ ખૂબ જ વિકસીત થયો છે. ખેતીની સાથે પૂરક પશુપાલનના વ્યવસાયથી આજે અનેક પરિવારો આર્થિક રીતે સધ્ધર થયા છે. અને હવે તો ભણેલાગણેલા લોકો પણ આ વ્યવસાય અપનાવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં ડેરી અને પશુપાલનનો વ્યવસાય હવે એક ઉદ્યોગના રૂપમાં વિકસી રહ્યો છે. ખાસ કરીને પશુપાલનનો વ્યવસાય નાના-સીમાંત ખેડૂતો તથા જમીનવિહોણા ખેતમજૂરો માટે જીવનનિર્વાહનું અગત્યનું સાધન છે. આ વ્યવસાય થકી ગામડાંમાં રોજગારીનું વિપુલ સર્જન થઈ રહ્યું છે તથા સ્ત્રી સશક્તિરણ થાય છે. ઘણાં ગામોમાં તો પશુપાલન કરી મહિલાઓ જ દૂધમંડળીઓનું સંચાલન કરતી જોવા મળે છે.

ત્યારે પશુપાલકોમાં વૈજ્ઞાનિક પશુપાલન માટે વધુ જાગૃતતા આવે અને દૂધ ઉત્પાદકનો વ્યવસાય વધુ ને વધુ નફાકારક બને તથા પશુપાલકની આર્થિક પરિસ્થિતિમાં ચોક્કસ સુધારો આવે એ માટે સરકારી તંત્ર દ્વારા માર્ગદર્શન પણ મળી રહે છે. સરકારી યોજના થકી પશુપાલન ઉદ્યોગને નવો વેગ મળી રહ્યો છે. વાત કરીએ મોટાપોંઢાની તો આ ગામમાં ગાય, ભેંસ સહિત અન્ય કુલ 25533 પશુધનનો સમાવેશ થાય છે. 3 હજારથી વધુ પશુધન આવેલું છે. જો સૌથી મોટી વિટંબણા એ છે કે, અહીં પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર, પશુ દવાખાનું નથી. આથી પશુપાલકોને પશુની બીમારીઓ સમયે ખાનગી પશુ તબીબો અથવા નાનાપોંઢા લઈ જવાની ફરજ પડે છે.

આરોગ્ય કેન્દ્ર સહિત 3 પેટા આરોગ્ય કેન્દ્ર પણ કાર્યરત
આજે શહેરોમાં જાહેર સ્વાસ્થ્ય ક્ષેત્ર કરતાં ખાનગી સ્વાસ્થ્ય ક્ષેત્ર વધુ પ્રમાણમાં પ્રચલિત છે. શહેરી અને ગ્રામ્ય ભારતીય ઘરો સાર્વજનિક સ્વાસ્થ્ય સુવિધાઓ કરતાં ખાનગી સ્વાસ્થ્ય સુવિધાઓ વધુ પ્રમાણમાં વાપરે છે, પરંતુ ઘણા અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ સરકારી સેવાઓનો લાભ ગ્રામ વિસ્તારની પ્રજા વધુ પ્રમાણમાં લે છે. સરકારી તબીબોનો દર્દી પ્રત્યેનો માનવતાનો અભિગમ આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક ડોકાય છે. મોટાપોંઢા ગામમાં લોકોના આરોગ્ય સેવા માટે આરોગ્ય કેન્દ્ર સહિત 3 પેટા આરોગ્ય કેન્દ્ર પણ કાર્યરત છે. તબીબો સહિત આરોગ્ય કર્મચારીઓ પણ આરોગ્ય સેવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. ઉપરાંત સરકારની આરોગ્યલક્ષી સેવાઓની જાણકારી પણ લોકો સુધી પહોંચાડે છે.

મોટાપોંઢાને વાપીની કચેરી નજીક પડે છે
વાપીથી મોટાપોંઢા ગામ નજીક પડે છે. જ્યારે કપરાડા તાલુકાની કચેરીઓ કપરાડામાં હોવાથી અહીંથી લગભગ ૪૦થી ૪૫ કિલો મીટર અંતરે છે. આમ, મોટાપોંઢાના લોકોને કચેરીનું કામ હોય તો તો આખો દિવસ નીકળી જાય છે. જ્યારે વાપી ૧૫ કિલોમીટરના અંતરે હોવાથી વાપી તાલુકા સાથે મોટાપોંઢાને જોડી દેવા માટે પણ સ્થાનિક લોકોની માંગ છે. કપરાડા તાલુકાનો વિસ્તાર મોટો હોવાથી મોટાપોંઢા માટે વાપીનું અંતર ઓછું હોવાથી અહીંના લોકોને વાપી નજીક પડે તેમ છે. અહીંના લોકો કપડાં જેવી ખરીદી કરવા માટે વાપી જ જાય છે. આ ઉપરાંત હોસ્પિટલ માટે પણ અહીંના લોકોને વાપી જ જવું પડે છે. બીજી એક માંગ એવી પણ છે કે, મોટાપોંઢામાં એક સ્ટેડિયમ બનાવવામાં આવે તો અહીંનાં બાળકો તેમજ યુવકોને તેના થકી ફાયદો થઈ શકે. જીપીએસસી જેવી પરીક્ષાની તૈયારી માટે પણ એક સેન્ટર શરૂ થવું જોઈએ તેવી યુવકોની માંગ છે.

ગામનો સાક્ષરતા દર 78.33 ટકા
શિક્ષણ વગર માણસ અધૂરો કહેવાય છે. વલસાડ જિલ્લો શિક્ષણની દૃષ્ટિએ હવે ખૂબ આગળ વધી રહ્યો છે. શહેરોની હરીફાઈમાં હવે ગામડાંની શાળાઓ પણ ધીમે ધીમે પ્રગતિ કરતાં ગ્રામ્ય કક્ષાએથી ઉચ્ચ લેવલ સુધી શિક્ષણના ઓજસ પથરાયેલા જણાય છે. શિક્ષણ થકી આર્થિક રીતે અહીંના લોકો સધ્ધર પણ થયા છે. મોટાપોંઢા ગામના લોકોએ શિક્ષણની જરૂરિયાતની વર્ષો પહેલાં જ પારખી લીધી હતી. જેથી ગામનો સાક્ષરતા દર 78.33 ટકા છે,જેમાં પુરુષનો સાક્ષરતા દર 85.19 ટકા અને મહિલાનો સાક્ષરતા દર 71.34 ટકા છે.

શું સમસ્યા છે હજી?
અહીંના ઝરા ડુંગરી ફળિયાથી લઈ હટીમાળ, ઓમ કચ્છ નહેર, ડુંગરીથી ઉપલી નહેર ફળિયા વિસ્તારમાં ઉનાળામાં પાણીની સમસ્યા ઊભી થાય છે. જો કે, પંચાયતે અહીં પાતાળ કૂવા અને ટાંકી પણ બનાવી છે. જો કે, પાણીનાં તળ ઊંડાં જતાં પાણીની સમસ્યા સર્જાય છે. ત્યારે નહેરનું પાણી કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એ માટે વર્તમાન સરપંચ અને ટીમ દ્વારા સરવે થઈ રહ્યો છે.

સત્તાધીશોની કુનેહને કારણે આ સુવિધા મળી
વલસાડ જિલ્લાનાં ઘણાં ગામોમાં ઉનાળો આવતાં જ પાણીની ગંભીર સ્થિતિ સર્જાય છે. એવા જ એક તાલુકો એટલે કપરાડા. જ્યાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડે છે. છતાં પાણીની સમસ્યા ગંભીર છે. જો કે, સરકારની કલ્યાણકારી યોજના થકી હવે આ તાલુકો પણ વિકાસની દોડમાં ધીમે ધીમે આગળ ધપી રહ્યો છે. મોટાપોંઢા એનું જ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. જો કે, પાણીની કિલ્લત અહીં પણ છે. પણ ગામમાં સત્તાધીશોના કુનેહપૂર્વકના આયોજનને કારણે લોકોને પ્રાથમિક જરૂરિયાની સુવિધા મળી રહે છે. હાલ ગામમાં કુલ 2660 નળ કનેક્શન, 250 હેન્ડ પંપ, સાર્વજનિક ઓવરહેડ 4 ટાંકી આવેલી છે. ગામમાં કુલ 3137 ઘરે શૌચાલયો પંચાયતમાં નોંધાયેલાં છે.

Most Popular

To Top