SURAT

માત્ર બે જ વર્ષમાં સુરતમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે, સ્થાયી સમિતિના અધ્યક્ષનો દાવો

સુરત: સુરતમાં મેટ્રો રેલના પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ છે. હજુ આ કામગીરી પ્રાથમિક તબક્કામાં છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષે મોટો દાવો કર્યો છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે બે વર્ષના ટૂંકા ગાળામાં શહેરમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે તેવો દાવો ગુરુવારે કર્યો છે.

સુરતમાં મેટ્રો રેલ પ્રોજેકટ (Surat Metro Rail) માટેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મેટ્રો રેલ માટે પ્રથમ તબક્કાની કામગીરીમાં એજન્સીઓ દ્વારા સોઈલ ટેસ્ટિંગની કામગીરી પુરી કરી દેવામાં આવી છે. સાથે સાથે જમીન સંપાદન તેમજ મેટ્રો માટે હંગામી ધોરણે ફાળવવાની થતી જમીનની કામગીરીઓ પણ ફાસ્ટટ્રેક પર ચાલી રહી છે.

  • આપના નગરસેવકો દ્વારા મેટ્રો રેલ માટે ફાળવાયેલી જમીનના જીએમઆરસી પાસે કૈટલા પૈસા લેવાશે તેનો હિસાબ માંગ્યો હતો
  • તેના જવાબમાં સ્થાયી સમિતી અધ્યક્ષ પરેશ પટેલે મેટ્રો રેલની કામગીરી ઝડપથી ચાલી રહી હોવાનું કહ્યું
  • જીએમઆરસી પાસેથી મનપા જમીનની 314 ટકા વધુ કિંમત વસૂલી રહી છે: પરેશ પટેલ

આજે સામાન્ય સભામાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને (Gujarat Metro Rail Corporation) કાસ્ટિંગ યાર્ડના હંગામી ધોરણે 40 માસ માટે ફાળવણી કરવાના કામ બાબતે આપના નગરસેવકોએ ધમાચકડી કરી હતી. અને કેટલા રૂપિયા જીએમઆરસી પાસે લેવાશે તેવા સીધા સવાલો કર્યા હતા. જેના જવાબમાં સ્થાયી સમિતી અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે સુરતમાં મેટ્રો રેલ ડિસે., 2023 સુધીમાં દોડતી થઈ જશે.

આપના કોર્પોરેટરોના સવાલોના જવાબમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશે પટેલે કહ્યું હતું કે, સુરતમાં મેટ્રો રેલની કામગીરી ફુલફ્લેજમાં ચાલી રહી છે. આ કામગીરી જોતા આગામી દિવસોમાં ઝડપથી મેટ્રો રેલને દોડતી કરવામાં આવશે. જોકે, આપના નગરસેવકોએ મેટ્રો માટે જીએમઆરસી પાસેથી કેટલી વસુલાત કરાશે તેની અંદાજીત રકમનો હિસાબ માંગવાની જીદ પકડી હતી.

તેઓનું કહેવું હતું કે, જગ્યા માટેની રકમમાં અમદાવાદ અને સુરત વચ્ચે તફાવત છે. જેના જવાબમાં મ્યુનિ.કમિ.એ જણાવ્યું હતું કે, GMRC એ ગુજરાત રાજ્ય સરકારની કંપની છે અને તમામ શહેરો માટે આ નોર્મ્સ સરખા રાખવામાં આવ્યા છે. તેમજ કાયમી અને હંગામી ધોરણે અપાતી જમીન ફાળવણીની કિંમત જુદી જુદી હોય છે. અને ત્યારબાદ સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે હિસાબ માંડીને આપના નગરસેવકોને જવાબ આપ્યો હતો કે, જીએમઆરસી પાસેથી સુરત મનપાના 314 ટકા વધુ રકમ વસૂલી રહી છે.

Most Popular

To Top