Business

મેગા ટેકસટાઇલ પાર્ક સુરતમાં બને તો અમારાથી વધારે ખુશ કોઇ નહીં થાય: પિયુષ ગોયલ

સુરત: સુરત (Surat)ના ઉદ્યોગકારો સાથે યોજાયેલા ઇન્ટરેક્ટિવ સેશન (interactive session)ને સંબોધતા કેન્દ્રના ટેક્સટાઇલ (textile)અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે (Piyush goyel) જણાવ્યું હતું કે, મેગા ટેકસટાઇલ પાર્ક સુરત (Surat mega textile park)માં બને તો અમારાથી વધારે ખુશ કોઇ નહીં થાય. પરંતુ એના માટે સુરતથી 50 કિલોમીટર દૂર જશો તો જમીન પણ સસ્તી મળશે. ટાયર 3 અને ટાયર 2 સિટીમાં જઇ શકાય છે. મેગા પાર્ક માટે રૂરલ એરિયામાં જવાશે તો પ્રાથમિકતા આપવામાં આવશે. મેગા ટેકસટાઇલ પાર્ક માટે સુરત નજીક સસ્તા દરે જમીન (land) મળતી હોય તો શોધવાનું શરૂ કરો.

તેમણે કહયું કે, પીએલઆઇ સ્કીમનો લાભ લઇને પણ રોકાણ કરી શકાય છે. ટેકનિકલ ટેકસટાઇલ માટે પણ પ્રયાસ ચાલે છે. એમાં ભારત મોટા પ્રમાણમાં યોગદાન આપશે. જો કે, તેની સાથે સાથે કોટન, ખાદી અને હેન્ડલૂમને પણ પ્રોત્સાહન આપવાનું છે. એકસપોર્ટ માટે પણ જે લક્ષ્ય નકકી કરાયું છે તેને હાંસલ કરવાનું છે. ટેક્સટાઈલ પાર્ક માટે સુરત દાવેદાર છે, સુરતમાં 45 કિ.મી. ત્રિજ્યામાં સમગ્ર ટેક્સટાઈલ ઉદ્યોગ વિકસ્યો છે, છતાં મેગા ટેક્સટાઈલ પાર્ક માટે સુરતે શહેરથી 40-50 કિ.મી. દૂરનું સ્થળ વિચારવું પડશે. જોઇએ, ટેક્સટાઇલ મંત્રી ગોયલ અને રાજયમંત્રી દર્શના જરદોશે ઉદ્યોગકારોના 25 પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.

પ્રોડકશન લિંક્ડ ઇન્સેન્ટીવ્સ સ્કીમમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોડકશન ટાર્ગેટના આંકડા ઘણાં ઉંચા હોવા અંગેના પ્રશ્નનો ઉત્તર આપતા પિયુષ ગોયલ જણાવ્યું હતું કે સુરતના ઉદ્યોગપતિઓએ હવે મોટા મેદાન પર રમવાનો વખત આવી ગયો છે. 100 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એકલા નહીં કરો, બે ત્રણ જણાં ભેગા થઇને પણ કરી શકાશે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે હવે આપણે સેકન્ડ ક્વોલિટીનું વિચારવાનું છોડી દેવું જોઇએ. અવ્વલ દરજ્જાની ક્વોલિટી માટે સરકાર તમારો સાથ આપવા તૈયાર છે,

યુએઈ, યુરોપિયન યુનિયન સાથે ફોરેન ટ્રેડ એગ્રિમેન્ટ થવા જઈ રહ્યું છે: ગોયલ

ફોરેન ટ્રેડ એગ્રિમેન્ટ વિશે પિયુષ ગોયલે કહ્યું હતું કે ભારત યુનાઇટેડ આરબ અમિરાત, યુરોપિયન યુનિયન જેવા દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ માટે તૈયારી કરી રહ્યું છે. એફટીએમાં જ્યારે આપણે જઇએ ત્યારે સામેથી પણ માલ આવશે એ માટે તૈયાર રહેવું પડશે. ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ એક તરફી ન હોય શકે. ભારતનો માલ જ્યાં જશે ત્યાંથી તેમનો માલ પણ ભારત આવશે તેના માટે તૈયારી હોય તો જ એફટીએ માટે રજૂઆત કરવા આવજો.

30 નવેમ્બર સુધી હોલમાર્કિંગના મામલામાં કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નહીં થાય: વાણિજ્ય મંત્રી

વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલએ કહ્યું કે હોલમાર્કિંગ ગ્રાહકોના વિશ્વાસ અને સુરક્ષા માટે છે. તેનાથી બધા જ લોકોને ફાયદો છે. જવેલર્સ અને ગ્રાહકો એકવાર ટેવાય જશે પછી આ સિસ્ટમનો લાભ બધાને દેખાશે. હોલમાર્કિંગના કોઇપણ મામલામાં તા.30મી નવેમ્બર સુધી કોઇ શિક્ષાત્મક કાર્યવાહી થશે નહીં.

ટફની પેન્ડિંગ સબસિડી રિલીઝ કરવા ટેક્સટાઇલ કમિશ્નર ઉદારતા દાખવે

ટેક્સટાઈલ મંત્રી પિયુષ ગોયલે ઉદ્યોગકારો સાથેના સંવાદમાં ટેક્સટાઈલ કમિશનર રૂપ રાશીને નિર્દેશ આપતા કહ્યું હતું કે સુરતમાં ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડ અન્વયે આપવામાં આવતી સબસિડીની અરજીઓનો નિકાલ કરવામાં ઉદારતા દાખવી પેન્ડિંગ ફાઈલોનો ઝડપથી નિકાલ કરવામાં આવે. જે લોકોએ ખોટું કર્યું છે તેમની ફાઇલો સાઇડ પર મૂકીને બાકીના પ્રામાણિક અને સારા લોકોની ટફની ફાઇલો ઝડપથી ક્લીયર કરવામા આવે.

Most Popular

To Top